અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણી માટેનું મતદાન આગામી 21 તારીખે થવાનું છે. આ ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસમાં ટિકિટ વહેંચણીમાં સગાવાદ ચાલતાં અનેક કાર્યકર્તાઓ નારાજ થયાં છે અને બંને મુખ્ય પાર્ટીઓ વિરોધનો સામનો કરી રહી છે. ત્યારે સોશિયલ મીડિયામાં રોજબરોજ કોઇને કોઇ રાજકીય નેતાના ઓડિયો અને વીડિયો વાયરલ થાય છે. અમદાવાદમાં એક મહિલાને માર મારનાર ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીના PAને કુબેરનગરની ટિકિટ આપતાં ભારે વિવાદ સર્જાયો છે. થાવાણીના PAને ટિકિટ મળતાની સાથે જ તેમના જુના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયાં છે.
મહિલાને લાત મારવાનો વિવાદ થયો હતો
અમદાવાદમાં નરોડાના ધારાસભ્ય બલરામ થાવાણીનો મહિલાને લાત મારવાનો વિવાદ થયો હતો. આ દરમિયાન તેમના PA રાજેશ રવતાની પણ તેમની સાથે હતાં. હવે રાજેશને મહાનગર પાલિકાની ચૂંટણીમાં કુબેરનગરમાંથી ટિકિટ મળતાં ભારે વિરોધ ઉભો થયો છે. સોશિયલ મીડિયામાં બલરામ થાવાણીના જુના વિવાદિત વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યાં છે. આ અંગે કોંગ્રેસ અને NCPના ગઠબંધનના ઉમેદવાર નિકુલ તોમરે જણાવ્યું હતું કે અગાઉ આ રીતે વિવાદિત અને ચર્ચામાં રહેલા ઉમેદવારને ભાજપે ટિકિટ આપી છે તો આવા ઉમેદવારની જગ્યાએ અન્ય વ્યક્તિને ટિકિટ આપવી જોઈએ,સ્થાનિકો પણ આ ઉમેદવારનો વિરોધ કરી રહ્યા છે.
શું છે બલરામ થાવાણીનો મહિલાને માર મારવાનો વિવાદ
અમદાવાદમાં ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીની ઓફિસમાં એક મહિલા સમસ્યાઓ મુદ્દે રજુઆત કરવા ગઈ હતી. આ સમયે મામલો ઉગ્ર થઈ જતાં થાવાણી અને તેમની સાથે રહેલા લોકોએ મહિલાને લાતો મારીને માર માર્યો હતો. આ મુદ્દે ભારે વિવાદ સર્જાયો હતો. સમગ્ર બનાવના વીડિયો પણ તે સમયે વાયરલ થયાં હતાં. વિવાદ વધતાં બલરામ થાવાણીએ પોતાની ભૂલ સ્વીકારી હતી અને પીડિત મહિલાની માફી માંગી છે. તો બલરામ થવાણીએ કહ્યું કે, હું મારી ભૂલ સ્વીકારું છું. મેં આ જાણીજોઈને નથી કર્યું. હું છેલ્લા 22 વર્ષોથી રાજનીતિમાં છું, પણ આવું ક્યારેય નથી થયું. હું એનસીપી મહિલા નેતાને સોરી કહીશ. મારાથી જોશમાં મિસ્ટેક થઈ છે. તેનુ મને દુખુ છે, ખેદ છે. જે બહેનને લાત લાગી છે તેમને સોરી કહીશ. ભૂલ થઈ છે, તો હું સ્વીકાર કરીશ.
રોડ બનાવવા બાબતેનો ઓડિયો પણ વાયરલ થયો હતો
તાજેતરમાં જ અમદાવાદના નરોડાના ધારાસભ્ય બલરામ થાવાણીએ સ્થાનિકની વાત સાંભળવાનો જ ઈનકાર કરતાં વિવાદ થયો હતો. શહેરમાં ચુંવાળ નગરના રોડ બનાવવા અંગે સ્થાનિકે રજૂઆત કરી હતી. પરંતુ બલરામ થાવાણીએ તેની વાત સાંભળવાનો ઈનકાર કરી દીધો હતો. એટલું જ નહીં સ્થાનિકને જવાબ આપવાની જગ્યાએ તેમણે કહ્યું કે આ અંગે કમિશનરને સવાલ જવાબ કરો. બીજી તરફ સમસ્યાનો નિકાલ ન આવતા લોકોમાં રોષ ફેલાયો છે. સાથે જ એક ધારાસભ્યનું આવું વર્તન કેટલું યોગ્ય તેવા સવાલો ઉઠ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે ધારાસભ્ય કામ નહીં કરે તો કોણ કરશે?
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.