અલગ અલગ અકસ્માતમાં બેના મોત:અમદાવાદમાં સિવિલ પાસે લકઝરીએ વૃદ્ધાને કચડ્યાં, બાપુનગરમાં રીક્ષાએ બુઝુર્ગને ટક્કર મારી

અમદાવાદ7 દિવસ પહેલા

અમદાવાદમાં દિવસે દિવસે ટ્રાફિકનું ભારણ વધી રહ્યું છે. બીજી તરફ વરસાદને કારણે ધોવાયેલા રોડ અને રસ્તા પર પડેલા ખાડાને કારણે અકસ્માતના બનાવો નોંધાય છે. ત્યારે શહેરમાં અલગ અલગ અકસ્માતની ઘટનાઓમાં બે વ્યક્તિઓના મોત થયાં છે. શહેરમાં સિવિલ હોસ્પિટલ પાસે લકઝરી બસની અડફેડે આવતાં વૃદ્ધાનું મોત થયું છે. તો બીજી બાજુ લોડિંગ રીક્ષામા સામાન સરખો કરી રહેલા વૃદ્ધને ઓટો રીક્ષાએ ટક્કર મારતાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સિવિલ પાસે વૃદ્ધાને લકઝરી બસે કચડ્યા
અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ પાસે સનરાઈઝ પાર્કમાં રહેતાં મધુબેન વહેલી સવારે ચાલતાં યુ.એન.મહેતા હોસ્પિટલ સામેથી પસાર થતાં હતાં. આ સમયે સિવિલ કોર્નર તરફથી પુર ઝડપે આવી રહેલી લકઝરીના ડ્રાઈવરને પોતાના વાહનના સ્ટીયરીંગ પર કાબુ નહીં રહેતાં વૃદ્ધાને જોરદાર ટક્કર મારી હતી. જેના કારણે લકઝરીના ટાયર નીચે કચડાતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે ટ્રાફિક એફ ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બાપુનગરમાં રીક્ષાની ટક્કરથી વૃદ્ધનું મોત
બાપુનગરમાં ઇશ્વરચરણ પ્લેટીના ફ્લેટમાં રહેતા અને લોડિંગ રિક્ષા ચલાવતા રાજેશભાઇ ભીખભાઇ ચૌહાણ તા. ૩ના રોજ બપોરે લોડિંગ રિક્ષામાં માલ સામાન ભરીને જતા હતા. જ્યાં બાપુનગર એસ.ટી.સ્ટેન્ડથી લાલ બહાદુર સ્ટેડીય પાસે સાઇડમાં ટેમ્પો ઉભો રાખીને મટીરિયલ્સ ખસી જતાં સરખું કરી રહ્યા હતા. આ સમયે પાછળથી પૂર ઝડપે આવી રહેલી રિક્ષાના ડ્રાઇવરે તેઓને પાછળથી ટક્કર મારી હતી. જેથી પેટમાં દુખાવો થતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધા બાદ ઘરે ગયા હતા. બાદમાં પેટમાં દુખાવો થતાં બીજા દિવસે સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું, આ બનાવ અંગે ટ્રાફિક એચ ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...