અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં બે ભાઈઓ સહિત ચાર લોકોએ વૃદ્ધનું અપહરણ કરી પાઇપો અને લાકડીઓ વડે માર મારતા સારવાર દરમ્યાન તેઓનું મોત થયું હતું. ગેરકાયદેસર બાંધકામ અંગે કોર્ટમાં કેસ ચાલ્યો હતો જેની અદાવતમાં ભાઈઓએ ભેગા મળી શનિવારે રાતે માર માર્યો હતો. અમરાઇવાડી પોલીસે ચાર શખ્સ સામે હત્યાનો ગુનો નોંધી તેઓની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.
સીટી સિવિલ કોર્ટમાં 15 વર્ષ પહેલાં કેસ કર્યો હતો
મૂળ તમિલનાડુના અને અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં સીતારામ ફ્લેટમાં કામાક્ષીબેન કોન્ડારેડ્ડી (મદ્રાસી) તેમના પતિ અને બાળકો સાથે રહે છે. તેમના પતિ નિવૃત્ત જીવન ગુજારે છે. અમરાઇવાડી મોદીનગરમાં તેમની માલિકીના ચાર મકાન આવેલા છે. બાજુમાં રહેતા ચિનૈયા નાયકર તેનો ભાઈ માધવન નાયકર, ભાણિયો હરીશ નાયકર અને ભત્રીજો ચંદુભાનુ નાયકર સહિતના લોકો સામે ગેરકાયદેસર બાંધકામ કરવા બાબતે અમદાવાદ સીટી સિવિલ કોર્ટમાં 15 વર્ષ પહેલાં કેસ કર્યો હતો. જેમાં કોર્ટે 15 દિવસ પહેલા ચારેયને રૂ.2.50 લાખનો ચેક આપવા હુકમ કર્યો હતો જે બેંકમાં ભરતા રિટર્ન થયો હતો.
બુમાબુમ કરી પણ મદદે કોઈ ન આવ્યું
શનિવારે રાતે સાડા સાત વાગ્યાની આસપાસ કામાક્ષીબેનના પતિ રાજારામ એકિટવા લઈ અને બાજુમાં આવેલી હોટેલમાં ગેસનો બાટલો લેવા ગયા હતા. જ્યાં એક્ટિવા કોઈ અન્ય વાહન સાથે અથડાતાં તેઓ પડી ગયા હતા. ત્યાં જતા ચિનૈયા, માધવન, હરીશ અને ચંદુભાનુ સહિતના લોકોએ રાજારામને બાઇક પર બેસાડી શાકમાર્કેટથી ગોપાલનગર તરફ જતા રસ્તા પર લઇ ગયા હતા. બુમાબુમ કરી હતી પરંતુ આસપાસના લોકો મદદે આવ્યા ન હતા. બાદમાં પોલીસને જાણ કરતા પોલીસ સ્ટેશનમાં ગયા હતા. દરમ્યાનમાં તેઓને જાણ થઈ હતી કે તેમના પતિને એલજી હોસ્પિટલમાં લઈ ગયા છે. જ્યાં તેઓનું સારવાર દરમ્યાન મોત થયું છે. ચારેય શખ્સ રાજારામને મોદીનગરમાં લઈ જઈ પાઇપ અને લાકડી વડે માર મારી બેભાન કરી ત્યાં જ ફેંકી નાસી ગયા હતા. અમરાઇવાડી પોલીસે હત્યાનો ગુનો નોંધી ચારેયની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.