રજની રિપોર્ટર:જૂના નેતાઓ હવે નવા મંત્રીને ચૂપચાપ મળે છે, મંત્રી રાઘવજી ખેડૂતોના મનની વાત ખાનગીમાં સાંભળે છે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અગાઉની સરકારમાં રાજકીય રીતે અને વ્યક્તિગત રીતે ખૂબ દબદબો અને વગ ધરાવતાં નેતાઓ નવી સરકાર બન્યા પછી ખાસ દેખાતા નથી. પણ તેમને કામ હોય ત્યારે તેઓ નવી સરકારમાં બેઠેલાં અમુક મંત્રીઓ કે જેમની સાથે તેમની ભાઇબંધી છે તેમને ચૂપકીદીથી મળે છે. આ નેતાઓ મળવા આવે અને તે વાત જાહેર થઇ જાય તેની વર્તમાન મંત્રીઓને પણ બીક છે તેથી તેઓ જાહેરમાં કે વધુ લોકોની હાજરીમાં આ જૂના નેતાઓને મળવાનું ટાળે છે, પરંતુ જૂના જોડાણ એમ કાંઇ ભૂલાવી દેવાય એમ નથી, કારણ કે આવતાં વર્ષે ચૂંટણી છે અને આ મંત્રીઓને ફરી ચૂંટાવુ પણ છે, તેથી જૂની સરકારના કેટલાંક વફાદારોનું તે વખતે કામ અચૂકપણે પડવાનું જ છે, એટલે એવો દિવસ પસંદ કરાય છે કે જે દિવસે મુલાકાતીઓની સંખ્યા ઓછી હોય. એવામાં હમણાં જ એક મંત્રી જૂની સરકારના વફાદાર એક નેતા સાથે પોતાની એન્ટિ ચેમ્બરમાં લાંબા સમય સુધી ગુફ્તગુ કરી રહ્યા હતા અને કેટલાંક લોકો મંત્રી સાથે કોઇ કામની વાત લઇને તેમની ઓફિસમાં બેઠા હતા, જેની મંત્રીને જાણ જ નહોતી. આ ગુપ્ત મંત્રણા પૂરી થઇ અને મંત્રી મહોદય પેલા નેતાની સાથે બહાર આવ્યા કે તરત જ બધાંની નજરો ત્યાં મંડાઇ અને મંત્રી અને નેતા આંચકો ખાઇ ગયા. નેતા તરત જ રવાના થયા અને મંત્રી પણ જાણે કાંઇ બન્યું ન હોય તેમ આગંતુકો સાથે વાતોમાં પરોવાઇ ગયા.

મંત્રી રાઘવજી ખેડૂતોના મનની વાત ખાનગીમાં સાંભળે છે
કૃષિમંત્રી રાઘવજી પટેલ જમીન સાથે જોડાયેલા નેતા છે, તેમને કામ કરવામાં ઝાકઝમાળ કરવી પસંદ નથી. પોતાની સ્ટાઇલથી કામ કરવામાં તેમને પબ્લિસિટી ન મળે તે તેમને વધુ ગમે છે. મંત્રી બન્યા બાદ તેમણે એક નવો રસ્તો અપનાવ્યો છે. સત્તાવાર રીતે પ્રવાસમાં જ્યાં જવાનું હોય ત્યાં જે-તે જિલ્લાના કોઇ ગામમાં અચાનક જ તેઓ તેમની ગાડી વળાવી દે છે અને પછી ત્યાંના ખેડૂતોની વચ્ચે જઇને સંવાદ કરે છે. આ કવાયતની જાણ જિલ્લા પ્રશાસન કે વિભાગના અધિકારીઓને કરવામાં આવતી નથી. રાઘવજી અહીં જઇને ખેડૂતોના મનની વાત સાંભળવાનો પ્રયત્ન કરે છે. પોતાનો વ્યક્તિગત કે સરકારનો પ્રચાર કરવાને બદલે તેઓ ખેડૂતોને પડતી મુશ્કેલીઓ અંગે તેમની સાથે ચર્ચા કરે છે અને તેના નિવારણ માટે તેઓ પછી વિભાગને કે જિલ્લા પ્રશાસનને જણાવે છે. આમ તો આવું કામ કરવું હોય તો કોઇ મંત્રી મીડિયાને બોલાવીને ત્યાં તેમની કાર્યવાહીનો સ્ટંટ કરાવી દે, પણ રાઘવજી જમીન સાથે જોડાયેલા નેતા છે. અગાઉ પણ મંત્રી રહી ચૂક્યા છે અને વર્ષો સુધી વિપક્ષમાં રહ્યા બાદ હવે પાછા મંત્રી બન્યા છે એટલે તેમનું ઘડતર જ એ રીતે થયું છે કે તેમને ખ્યાલ છે કે સામાન્ય વ્યક્તિની મૂંઝવણો અનેક હોય છે. વિપક્ષમાં ખેડૂતોના પ્રશ્નો અંગે તેઓ અવાજ ઉઠાવતા અને હવે ખેડૂતોનો અવાજ સાંભળી તેના પર કામ કરી રહ્યા છે. મંત્રી બન્યા પછી તેમણે કૃષિપાકના નુક્સાન સામે સહાય પેટે 1,300 કરોડ રૂપિયા જેટલી સહાય ચૂકવી દીધી છે, પણ આ માટે તેમણે ક્યારેય બૂમો પાડીને કોઇને જણાવ્યું નથી. ખરેખર નવી પેઢીના મંત્રીઓને જૂની પેઢીના આ મંત્રી પાસેથી શીખવા જેવું ખરું. હાલ ભાજપ યુવાન ચહેરાઓ પર વધારે ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે, પણ ઘરડાં ગાડાં વાળે એ કહેવત પ્રમાણે તેમણે રાઘવજી જેવા નેતાની કામગીરી પણ સંજ્ઞાનમાં લેવી ઘટે.

સચિવાલયમાં સાધુ તેના ચેલા અધિકારીઓને શોધતા રહ્યા
શુક્રવારે સચિવાલયમાં એક સાધુ અલગ અલગ બ્લોક્સમાં ફરી રહ્યા હતા. આ સાધુ પોતાના ચેલા એવા અધિકારીઓને શોધી રહ્યા હતા. ઉત્કંઠેશ્વર મહાદેવ પાસેના એક આશ્રમના સાધુ લાલગીરી કહેતા હતા કે આ સચિવાલયના ઘણાં સચિવો તેમના શિષ્યો છે. અધિકારીઓનો સ્ટાફ તેમની વાત માનતો ન હતો, તો આ સાધુએ એક આલબમ બહાર કાઢ્યું તેમાં ફોટામાં સ્ટાફના સચિવ આ સાધુ સામે સાષ્ટાંગ હતા અને અધિકારીએ તે સાધુ ખૂબ મોટા મહાત્મા છે તેવું લખાણ હતું. ફોટોગ્રાફ્સમાં વર્તમાન મુખ્ય સચિવ પંકજ કુમાર પોતાનું ભવિષ્ય જાણવા લાલગીરી પાસે પોતાનો હાથ બતાવતા હતા. તો નમસ્કારની મુદ્રામાં તેમની સામે ભૂતપૂર્વ મુખ્ય સચિવ અનિલ મુકીમ, આરોગ્ય સચિવ મનોજ અગ્રવાલ, અગાઉના આરોગ્ય સચિવ જયંતિ રવિ, શિક્ષણ સચિવ વિનોદ રાવ જેવા અધિકારીઓના પણ ફોટા હતા. પરંતુ અધિકારીઓ પોતાની ચેમ્બરમાં ન હોવાથી સાધુ ખૂબ નિરાશ થયા. જતા જતા બોલ્યાં કે જ્યારે તેમને કામ હોય ત્યારે અમારી પાસે દોડતાં આવનારા અધિકારીઓ હવે જ્યારે મારે કામ છે ત્યારે સંતાકૂકડી રમે છે.

અંજુ શર્મા જેવા અધિકારી હોય તો જ તંત્ર સુધરે
અંજુ શર્મા ખૂબ શાંતિથી કામ કરવા ટેવાયેલાં છે પણ એમની આ પદ્ધતિમાં ક્યાંય નિયમોનો કોરડો વીંઝાય અને અવાજ આવે છે. અગાઉ શિક્ષણ વિભાગમાં હતાં ત્યારે તેમણે ખૂબ કડકાઇથી કામ લીધું હતું અને એટલે જ તે વિભાગના ઘણાં કર્મચારીઓ અને અધિકારીઓ આ શિસ્ત અને કડકાઇને સહન કહી શકતા નહોતા અને અવાજ બહુ કરતા હતા. હવે શર્માની બદલી શ્રમ અને રોજગાર વિભાગમાં થઇ ત્યારથી આ વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓને તેમની કડક સ્ટાઇલથી કામ કરવાની પદ્ધતિ માફક આવતી નથી. આ કર્મચારીઓ અને અધિકારીઓ મંડળી બનાવીને અંજુ શર્માને હટાવો જેવી રાડો પાડી રહ્યા છે. આ માટે તેઓ અંજુ શર્મા પર ભ્રષ્ટાચારના બેફામ આક્ષેપો પણ કરી રહ્યા છે. પરંતુ સરકારને ખબર છે કે કોની પાસેથી કેવી રીતે કામ લેવું. નિયમ પાલનમાં અંજુ શર્માને લાપરવાહી સહન થતી નથી એટલે તેઓનો વિરોધ થઇ રહ્યો છે, પરંતુ આવી બાબતોથી ગભરાય તો અંજુ શર્મા કેવાં. હાલ તો અંજુ શર્મા વાઇબ્રન્ટ ગુજરાત સમિટ પર ધ્યાન આપી રહ્યાં છે. બહાર જેટલાં વાજાં વાગતાં હોય એ વાગે, શર્માના પેટનું પાણી ય હલવાનું નથી.

દસ્ક્રોઇ ધારાસભ્ય બાબુ જમનાએ બનાવેલી મિલકતો સીલ થતાં હાથ ઊંચા કરી દીધા
અમદાવાદ મહાનગર પાલિકાએ હમણાં બીયુ પરમિશન સિવાયનાં બિલ્ડિંગ સીલ કરવાની કવાયત હાથ ધરી છે અને તેમાં દસ્ક્રોઇ ધારાસભ્ય બાબુ જમના પટેલે બાંધેલી સ્કીમોના પણ અમુક બિલ્ડિંગોનો સમાવેશ થાય છે. સરકારમાં નિયમો અને કાયદા બનાવનારાં અને પસાર કરાવનારા આ નેતાએ પોતાના ધંધાકીય લાભ માટે સરકારના જ નિયમો ઘોળીને પી નાંખ્યા છે. હવે મિલકતો સીલ થયા બાદ તેમાં દુકાનો ધરાવતા લોકો કોર્પોરેશનની આ કાર્યવાહીથી ધુંધવાઇને બાબુ જમના પાસે ગયા તો તેમણે હાથ ઊંચા કરી દીધા અને કહ્યું કે મેં જ્યારે બિલ્ડીંગ બનાવ્યું હતું ત્યારે આવા બીયુ પરમિશનના નિયમો ન હતા, હવે તમને તે વેચી છે તો તમે માલિકો છો અને તમે ભોગવો. તમારે પોતાના ખર્ચે જ હવે આ સીલ ખોલાવવાના રહેશે અને એમાં હું એક ફદિયું ય આપીશ નહીં. લાચાર બનેલાં દુકાનધારકોએ કહ્યું કે તમે નેતા છો, અમે બાંહેધરી આપીએ કે પ્રક્રિયા કરાવીશું પણ સીલ ખોલાવી દો, અમારા ધંધા રોજગારને નુક્સાન જાય છે, પણ આ ધારાસભ્ય કહે છે કે હાલ મારા હાથમાં કોઇ પાવર નથી, હાઇકોર્ટના આદેશથી સરકાર કામ કરી રહી છે, તમે જ કાંઇ કરો. આ સાંભળીને દુકાનદારો બિચારા થઇ ગયા છે. સવારથી સાંજ સુધી સીલ થયેલી દુકાનના બંધ શટરની બહાર બેસી રહે છે અને તે દરમિયાન હવે આપ મુંઆ વગર સ્વર્ગે સિધાવાશે નહીં તેમ જાણીને પોતાની રીતે આ મામલાનો નિવેડો લાવવા વિચારી રહ્યા છે. અંદરો-અંદર વાતો ય કરે છે કે બાબુ જમનાએ ઉમિયા માતા મંદિરમાં કરોડોનું દાન આપ્યું પણ હવે આ દાનમાં આપણો હિસ્સો ય ગણી લેવાનો કારણ કે નાત ખાય નાતનું, અને ઉકા ભાઈના વા ને પાણી જેવું છે.

એક અધિકારીએ ખૂબ તરસાવ્યા પણ દીપેશ શાહને આખરે નિયુક્તિ મળી
અગાઉ વિજય રૂપાણી સરકારમાં મુખ્યમંત્રીના ખાસ ફરજ પરના અધિકારી રહી ચૂકેલા દીપેશ શાહને સામાન્ય વહીવટ વિભાગે શનિવારે સાબરકાંઠા ડીડીઓ તરીકે નિયુક્ત કર્યા છે. રૂપાણીએ રાજીનામું આપ્યું ત્યારથી તેઓ નિયુક્તિ વગર સાવ વર્ક ફ્રોમ હોમની સ્થિતિમાં હતા અને ત્રણ મહિના ઉપરાંતના ઘરવાસ બાદ તેઓ સરકારનો ભાગ બન્યા છે. સચિવાલયમાં ચાલતી કાનાફૂસી મુજબ રાજ્ય સરકારના એક ખૂબ સિનિયર અધિકારીએ જ તેમને નિયુક્તિ માટે ખૂબ રાહ જોવડાવી હતી. ખબર નહીં કેમ પણ આ અધિકારીએ દિપેશ શાહની નિયુક્તિ જલદી ન થાય તે માટે ખૂબ રસ દાખવ્યો. સચિવાલયના સૂત્રોના જણાવ્યા મુજબ દીપેશ શાહ ક્યારેય આ અધિકારીને આડે આવ્યા નથી તો કેમ તેમણે તેમની નિમણૂંક ડીલે થયા કરે તેમાં રસ દાખવ્યો તે આમ સમજાતું નથી. પણ જો તેમ કરવામાં આવ્યું હોય તો તે વ્યક્તિગત કારણોસર નહીં પરંતુ અમુક ચોક્કસ વહીવટી કારણોસર કરવામાં આવ્યું હોવું જોઇએ.

કોંગ્રેસને પાટીદાર મતો અંકે કરવા નવી ફોર્મ્યુલા ઘડવી પડશે
કોંગ્રેસે પ્રદેશ પ્રમુખ તરીકે જગદિશ ઠાકોર અને વિધાનસભા વિરોધ પક્ષના નેતા તરીકે આદિવાસી સમાજનું પ્રતિનિધિત્વ કરતા સુખરામ રાઠવાની નિમણૂંક કરતા પાટીદારોનું વલણ બદલાયું છે. જો કે, પાટીદાર નેતા પરેશ ધાનાણી,હાર્દિક પટેલ છે, પણ પાટીદારને કોંગ્રેસમાં ટોચનું પ્રતિનિધિત્વ ન મળતા કોગ્રેસ માટે પાટીદાર મત મેળવવા એટલા સહેલા નથી જેટલું અગાઉ હતું. ઓબીસી-આદિવાસી કાર્ડ રમીને કોંગ્રેસે તેની પરંપરાગત વોટ બેંકને ન્યાય આપવાનો પ્રયાસ કર્યો છે. આ સાથે ઓબીસી અને આદિવાસી સમાજના વોટના આધારે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ગાંધીનગરની ગાદી સર કરવાની રણનીતિ અપનાવી છે, પણ પાટીદાર આંદોલન પછી કોંગ્રેસ તરફ ઝોક ધરાવતા પાટીદારોના મત મેળવવા માટે કોંગ્રેસે વધારે મહેનત કરવી પડશે તેવું રાજકીય લોકો માની રહ્યા છે. પાટીદારોને રાજી કરવા માટે કાર્યકારી પ્રમુખ તરીકે હાર્દિક પટેલને જવાબદારી આપી છે, પરંતુ હજુ પાટીદારોને ખુશ કરવા સંગઠમાં મજબુત પદ આપવું પડશે.

અન્ય સમાચારો પણ છે...