રાજ્યમાં ધોરણ 12 બાદ હવે આજથી ધોરણ 9થી 11ની ઓફલાઈન સ્કૂલ શરૂ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ પાસેથી સંમતિપત્ર મેળવીને સ્કૂલે બોલાવવામાં આવ્યા છે. પ્રથમ દિવસ હોવા છતાં ઉત્સાહભેર વિદ્યાર્થીઓ સ્કૂલે પહોંચ્યા છે. કોરોનાને કારણે વિદ્યાર્થીઓનું સેનિટાઈઝર અને થર્મલગનથી ટેમ્પરેચર માપીને પ્રવેશ આપવામાં આવ્યો હતો. 50 ટકા કેપેસિટીને કારણે આજથી વિદ્યાર્થીઓને ઓડ-ઈવન પદ્ધતિથી ભણવું પડશે.
સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે 2 અલગ અલગ રિસેસ રાખવામાં આવી
અમદાવાદ શહેરમાં રાણીપમાં આવેલી ગીતા સ્કૂલમાં વિદ્યાર્થીઓ ઉત્સાહ સાથે પહોંચ્યા છે. લાંબા સમય બાદ સ્કૂલ શરૂ થતી હોવાને કારણે વિદ્યાર્થીઓ મિત્રોને મળ્યા છે. વિદ્યાર્થીઓને તેમના મિત્રોને મળવાની ખુશી સૌથી વધુ છે. બીજી બાજુ, લાંબા સમયબાદ વર્ગ ખંડમાં વિદ્યાર્થીઓને રૂબરૂ ભણાવવા મળતાં શિક્ષકો પણ આનંદમાં છે. સ્કૂલમાં સોશિયલ ડિસ્ટન્સ અને અન્ય નિયમોનું પણ પાલન કરાવવામાં આવ્યું છે. સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે 2 અલગ અલગ રિસેસ રાખવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં એકસાથે ભેગા ના થાય. આજે પ્રથમ દિવસ હોવા છતાં રાબેતા મુજબ સ્કૂલ ચાલુ જ રહેશે.
મિત્રો મળ્યા એનો સૌથી વધુ આનંદ
સિદ્ધાંત પટેલ નામના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે ઓનલાઇન શિક્ષણમાં તકલીફ પડતી હતી, પરંતુ ઓફલાઈન વધુ અનુકૂળ આવે છે. ઓફલાઈન શિક્ષણમાં અભ્યાસ સારી રીતે થઈ શકે છે અને સારી રીતે સમજી શકાય છે. મિત્રો મળ્યા એની ખુશી છે. ઘણા દિવસો બાદ એકબીજાને મળ્યા છીએ, હવે અભ્યાસમાં કંઈ સમજાય નહીં તો એકબીજાની મદદ લઈ શકીશું અને સાથે ભણીશું. જાનવી ચોટલિયા નામની વિદ્યાર્થીનીએ જણાવ્યું હતું એ અમારી સ્કૂલમાં ઓનલાઇન શિક્ષણ ચાલુ હતું, પરંતુ આજથી ઓફલાઈન ચાલુ થયું એમાં મજા આવશે. ઓફલાઈનમાં કોઈ પ્રશ્ન હોય તો શિક્ષકને પૂછી શકીએ છીએ. મિત્રો પણ લાંબા સમય બાદ મળ્યા, સ્કૂલમાં સાથે ભણવામાં પણ મજા આવશે.
95 ટકા વિદ્યાર્થીઓના સંમતિપત્ર મેળવવામાં આવ્યા
ગીતા સ્કૂલના આચાર્ય પ્રવીણભાઈ ન્યાયીએ જણાવ્યું હતું કે ધોરણ 9થી 11ના વર્ગ શરૂ કરવામાં આવ્યા છે. આજથી સ્કૂલ શરૂ થઈ છે ત્યારે અભ્યાસમાં કઈ મુશ્કેલી ન થાય એ માટે વિદ્યાર્થીઓ માટે ઓડ-ઈવન સિસ્ટમ રાખી છે, જેમાં 10 અને 12ના તમામ વિદ્યાર્થીઓને અલગ અલગ વર્ગમાં સોમ, બુધ, શુક્ર તથા 9 અને 11ના વર્ગ મંગળ, ગુરુ અને શનિ ચાલુ રહેશે. પ્રથમ દિવસ હોવા છતાં 95 ટકા વિદ્યાર્થીઓના સંમતિપત્ર મેળવવામાં આવ્યા છે. આજે પણ વિદ્યાર્થીઓને સેનિટાઈઝર તથા થર્મલગનથી સ્ક્રીનિંગ કરીને પ્રવેશ આપવામાં આવ્યો છે.
ઓડ-ઇવન પદ્ધતિથી ભણવું પડશે
કોરોનાને કારણે વર્ગમાં કેપેસિટી સાથે જ બાળકોને ભણાવવામાં આવી રહ્યા છે, જેમાં અત્યારે ધોરણ 12ના વર્ગમાં કુલ વિદ્યાર્થીઓની 50 ટકા કેપેસિટી સાથે ભણાવવામાં આવી રહ્યા છે. હવે આજથી ધોરણ 9થી 11નાં બાળકોને પણ 50 ટકા કેપેસિટી સાથે ભણાવવામાં આવશે, જ્યારે અન્ય 50 ટકાને બીજા દિવસે બોલાવવામાં આવે છે, એટલે કે એક વિદ્યાર્થી જે દિવસે આવે તેના બીજા દિવસે વિદ્યાર્થીને આવવાનું રહેતું નથી. બીજા દિવસે અન્ય વિદ્યાર્થીઓ આવે છે, જે બાદ ત્રીજા દિવસે ફરીથી પહેલા દિવસે આવેલા વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે. આમ, ઓડ-ઈવન પદ્ધતિથી વિદ્યાર્થીઓને ભણાવવામાં આવી રહ્યા છે અને આ પદ્ધતિથી જ 9થી 11ના વિદ્યાર્થીઓને ભણાવવામાં આવશે.
વાલીઓએ બાળકોને સારું શિક્ષણ મળે એ માટે સ્કૂલમાં મોકલ્યાં
9થી 11 ની સ્કૂલો હવે શરૂ થઈ ગઈ છે. સ્કૂલો શરૂ કર્યા અગાઉ સ્કૂલમાં સાફસફાઈ અને અન્ય કામગીરી શરૂ કરવામાં આવી હતી. સ્કૂલ શરૂ થયા બાદ વિદ્યાર્થીઓને નિયમોનું પાલન કરાવવામાં આવ્યું છે. બીજી તરફ, વાલીઓએ પણ બાળકને સ્કૂલે કોરોનાના ડરની વચ્ચે મોકલ્યાં છે. વિદ્યાર્થીઓ નિયમોનું પાલન કરે અને સંક્રમિત ના થાય એ માટે વાલીઓ બાળકને સમજાવી રહ્યા છે. વાલીઓના મનમાં પણ કોરોનાનો ડર છે, પરંતુ સારું શિક્ષણ મળે એ માટે બાળકોને ઓફલાઇન સ્કૂલમાં મોકલી રહ્યાં છે.
કોરોના તો છે પરંતુ સ્કૂલ જવું પણ જરૂરી છે
અમિત પંચાલ નામના વાલીએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોરોનાનો ડર તો છે પરંતુ બાળકોને ભણવું જરૂરી છે. અત્યારે ઓનલાઇન શિક્ષણ ચાલે છે તેના કરતાં ઓફલાઈન શિક્ષણમાં બાળકો વધુ સારી રીતે સમજી શકશે. જલ્પાબેન નામના વાલીએ જણાવ્યું હતું કે કોરોના તો છે પરંતુ સ્કૂલ જવું પણ જરૂરી છે. મારી દીકરી 9મા ધોરણમાં ભણે છે. હવે આવતા વર્ષે 10મા ધોરણમાં આવશે. 9માં ધોરણમાં યોગ્ય અભ્યાસ કરશે તો 10મા ધોરણ માટે પાયો પાક્કો થશે માટે સ્કૂલે જશે તો શિક્ષણ સારું મળશે. કોરોના વચ્ચે બાળકોએ અને સ્કૂલોએ નિયમોનું પાલન કરવું પડશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.