એક મહિનામાં સ્કૂલો ફરી શરૂ:ધો. 1થી 9ની સ્કૂલોમાં સોમવારથી ઓફલાઈન શિક્ષણ શરુ, 6 જાન્યુ.એ 4200 કેસ આવતા સરકારે ઓનલાઈન શિક્ષણ ફરજિયાત કર્યું હતું

એક વર્ષ પહેલા
  • સ્કૂલોની ચોથા ક્વાર્ટરની ફી માટે સંચાલકોના દબાણ સામે સરકારે આખરે નમતું જોખવું પડ્યું
  • કોરોનાની જૂની SOP મુજબ જ ઓફલાઈન ક્લાસ શરૂ થશે, ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ રહેશે

રાજ્ય સરકારે 7 ફેબ્રુઆરી એટલે કે સોમવારથી સ્કૂલોમાં ધોરણ 1થી 9 સુધીનું ઓફલાઈન શિક્ષણ ફરી શરૂ કરવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેના પરામર્શ અને કોર ગ્રુપમાં ચર્ચા કર્યા બાદ રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ટવીટ કરીને આ માહિતી આપી હતી. તેમની સૂચના પ્રમાણે રાજ્યમાં કોરોનાના કેસો ઓછા થતાં વિદ્યાર્થીના અભ્યાસના હિતોને ધ્યાને લઈ આ નિર્ણય લેવાયો છે. 7મી ફેબ્રુઆરીથી જૂની SOP (કોરોનાની ગાઈડલાઇન્સ) પ્રમાણે ધોરણ 1થી 9નું ઓનલાઇન અને ઓફલાઇન શિક્ષણકાર્ય વાલીઓની સંમતિ સાથે શરૂ કરાશે. ઉલ્લેખનીય છે કે, ગત 6 જાન્યુઆરીએ 4213 કેસ આવતા 7મી જાન્યુઆરીથી ઓફલાઈન શિક્ષણકાર્ય બંધ કરાયું હતું.

ચોથા ક્વાર્ટરની ફી માટે સંચાલકોનું સરકાર પર દબાણ હતું
ગત શૈક્ષણિક વર્ષમાં સરકારે એક ક્વાર્ટરની સ્કૂલ ફી માફ કરાવી હતી. આ વર્ષે પણ એક ક્વાર્ટરની સ્કૂલ ફી જતી કરવાનું પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ વચન આપ્યું હતું. પરંતુ નવા શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ આજદિન સુધી આ મુદ્દે મગનું નામ મરી પાડ્યું નથી. હવે ત્રણ ક્વાર્ટર તો પૂર્ણ થઈ ચૂક્યા છે અને ચોથા ક્વાર્ટરની ફી ઓનલાઈન શિક્ષણના નામે જતી કરવી ના પડે તે માટે સંચાલકોનું સરકાર પર સ્કૂલો ફરી શરુ કરવા જબરદસ્ત દબાણ હોવાનું ખુદ એક સરકારી અધિકારી કબૂલી ચૂક્યા છે. આ સ્થિતિમાં સરકાર પણ સ્કૂલ સંચાલકો સામે ઝૂકી ગઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

અગાઉ 5મી સુધી ઓનલાઈન શિક્ષણ જ યથાવત રાખ્યું હતું
રાજ્ય સરકારના પ્રવક્તા અને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ અગાઉ કોરોનાના કેસ વધતાં 5 ફેબ્રુઆરી સુધી ઓફલાઈન શિક્ષણ બંધ રાખવાની જાહેરાત કરી હતી. જાન્યુઆરીમાં આમેય કોરોનાના કેસ કૂદકે ને ભૂસકે વધતા હતા. ગત 6 જાન્યુઆરીએ 4 હજારથી વધુ કેસ આવતાં સરકારે પહેલાં 31મી સુધી અને પછી 5 ફેબ્રુઆરી સુધી ધો. 1થી 9માં ઓનલાઈન શિક્ષણ ફરજિયાત કરવાનો નિર્ણય લીધો હતો.

વાલીઓની સંમતિ ફરજિયાત, ઓનલાઈન ક્લાસ ચાલુ રહેશે
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા 7મીથી ઓફલાઈન ક્લાસ શરુ કરવા સંબંધે એક પરિપત્ર બહાર પાડ્યો છે. આ મુજબ કોરોનાને લગતી જૂની SOPનો જ અમલ કરાશે અને ઓફલાઈન શિક્ષણ માટે સ્કૂલે આવતા તમામ બાળકોના વાલીઓની લેખિતમાં સંમતિ લેવાશે. સંમતિ આપશે તે વાલીના પાલ્યોને જ સ્કૂલમાં ઓફલાઈન શિક્ષણમાં પ્રવેશ અપાશે. જ્યારે બાકીના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન શિક્ષણ ચાલુ રહેશે.

મુખ્યમંત્રીની હાજરીમાં અગાઉ શિક્ષણ વિભાગની બેઠક મળી હતી
રાજ્યમાં કોરોના કેસમાં સતત ઘટાડો થતાં ધોરણ 1થી ધોરણ 9ના ક્લાસ ફરી શરૂ કરવા ખાનગી શાળા સંચાલકો ભારે દબાણ કરી રહ્યા હતા. તેમણે સરકાર સમક્ષ રજૂઆત પણ કરી હતી. આ રજૂઆતને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં અગાઉ શિક્ષણ વિભાગની મહત્ત્વની બેઠક મળી હતી, જેમાં ઓનલાઈન શિક્ષણ આપવાનો નિર્ણય લેવાયો હતો.

સ્કૂલો શરૂ કરવાનાં નિર્ણયમાં ઉતાવળઃ વાલી મંડળ
તાજેતરમાં જ વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે જણાવ્યું હતું કે, હજુ કેસ વધુ છે માટે સ્કૂલો શરૂ કરવાનાં નિર્ણયમાં ઉતાવળ છે. હજુ 15 દિવસ સુધી રાહ જોવી જોઈએ અને કેસ ઘટવા દેવા જોઈએ. કેસ સંપૂર્ણ કાબુમાં આવે ત્યાર બાદ જ ઓફલાઇન સ્કૂલ શરૂ કરવી જોઈએ. સ્કૂલો પણ ફી માટે અત્યારે ઓફલાઈન શિક્ષણ શરૂ કરી દેશે. પરંતુ બાળકોના સ્વાસ્થ્યની જવાબદારી કોઈપણ સ્કૂલ તરફથી લેવામાં નહીં આવે.

ઓનલાઈન શિક્ષણથી બાળકોને લોસ જાય છે
રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી. મહેતાએ જણાવ્યું હતું કે છેલ્લા બે માસથી બાળકો ફરી શાળાએ આવવાનું શરૂ થતાં ધીમે ધીમે સેટ થયાં હતાં અને ભણવાનું સારી રીતે શરૂ કર્યું હતું. ત્યારે ફરી એક વખત શાળા બંધ થતાં વિદ્યાર્થીઓને મોટો લોસ થઇ રહ્યો છે. આ સાથે ઓનલાઇન શિક્ષણમાં બાળકોનું ચીડિયા થવું, આંખમાં દેખાવાની સમસ્યા, મોબાઇલનું વળગણ વગેરે દૂષણનો ભય પણ વાલીઓને સતાવતો હોય છે, એવું મનોવિજ્ઞાનના સર્વેમાં પણ સામે આવ્યું છે. ત્યારે બાળકોના હિતને ધ્યાનમાં રાખી શાળા શરૂ કરવામાં આવે એવી અમારી માગ છે.

અન્ય સમાચારો પણ છે...