હાલ ગુજરાતમાં કોરોના કાબૂમાં આવી ગયો છે, જેને પગલે શિક્ષણ પણ નોર્મલ થવા લાગ્યું છે. ધોરણ 12ની સ્કૂલો અને કોલેજો ઓફલાઈન શરૂ કર્યા બાદ હવે ગુજરાત સરકાર દ્વારા ધોરણ 9થી 11 માટે ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા માટે વિચારણા શરૂ કરવામાં આવી છે, જેમાં શિક્ષણ વિભાગમાં અલગ અલગ બેઠકો ચાલી રહી છે. શાળા-સંચાલકોએ પણ DEOને આવેદનપત્ર આપીને અગાઉ રજૂઆત કરી હતી અને સરકાર નિર્ણય નહીં લે તો સંચાલકો જાતે જ શાળા શરૂ કરી દેશે એવી ચીમકી ઉચ્ચારી હતી, જેને પગલે આજે સરકાર દ્વારા સોમવારથી સ્કૂલો શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવે એવી શક્યતા છે. ત્યારે ઓલ ગુજરાત વાલીમંડળે સ્કૂલ શરૂ થયા અગાઉ સંચાલકો SOPનું પાલન કરશે એવું એફિડેવિટ લઈને આપે એવી માગણી કરી છે.
સ્કૂલો SOPનું પાલન કરશે એવી એફિડેવિટ કરાવે સરકાર
ઓલ ગુજરાત વાલીમંડળે સરકાર પાસે સ્કૂલ શરૂ કરવા અગાઉ કેટલીક માગણી કરી છે, જેમાં ધોરણ 9થી 11ના વર્ગ શરૂ કરવામાં આવે એ અગાઉ સંચાલકો પાસેથી ફરજિયાત કોરોનાથી સાવધાની માટે SOPનું પાલન કરવામાં આવશે એવી એફિડેવિટ કરાવવી, તમામ વાલીઓએ વેક્સિન લીધેલી હોવી જોઈએ અને સ્કૂલમાં વિદ્યાર્થીઓને ભણાવતા શિક્ષકોને પણ ફરજિયાત રસી લીધેલી હોવી જોઈએ. રસી લીધી હોય તેવા જ શિક્ષકોને સ્કૂલમાં આવવા દેવા, વગેરે જેવી બાબતોની એફિડેવિટમાં માગણી કરી છે.
શિક્ષકો-વાલીઓનું ફરજિયાત વેક્સિનેશન થયેલું હોવું જોઈએ
ઓલ ગુજરાત વાલીમંડળના પ્રમુખ નરેશ શાહે જણાવ્યું હતું કે ધોરણ 9થી 11ના વર્ગ ચાલુ કરવા જોઈએ, પરંતુ નિર્ણય અગાઉ શિક્ષણ વિભાગના અધિકારી, સંચાલકમંડળ અને વાલીમંડળ વચ્ચે બેઠક થવી જોઈએ, જેમાં સંકલન કરીને સ્કૂલ શરૂ કરવી જોઈએ. સ્કૂલ ખોલ્યા અગાઉ સંચાલકોએ શિક્ષણ વિભાગને ફરજિયાત એફિડેવિટ આપવું, જેમાં SOPનું પાલન કરવા બાંયધરી આપવી, શિક્ષક અને વાલીઓની ફરજિયાત વેક્સિનેશન થયેલું હોવું જોઈએ.
આજે મંત્રીમંડળની બેઠકમાં સ્કૂલ ખોલવા અંગે ચર્ચા થઈ શકે
બુધવારે રાજ્યમાં બકરી ઈદની જાહેર રજાને પગલે રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી નહોતી, જેથી આજે બપોરે 12 કલાકે મંત્રીમંડળની બેઠક મળશે, જેમાં રૂપાણી સરકારનાં પાંચ વર્ષની ઉજવણી તેમજ આગામી સપ્તાહે ધોરણ 9થી 11ની સ્કૂલો ઓફલાઈન શરૂ કરવા મામલે પરામર્શ કરવામાં આવશે.
મુખ્યમંત્રીએ જૂનાગઢના એક કાર્યક્રમ બાદ નિવેદન આપ્યું હતું કે આગામી દિવસોમાં કેબિનેટની બેઠકમાં ચર્ચા કરી ઓફલાઈન પ્રાથમિક શિક્ષણ શરૂ કરવાનો પણ સંકેત આપ્યો છે. ઉલ્લેખનીય છે કે ધોરણ 9માં અંદાજે 6 લાખ અને ધોરણ 11માં 8 લાખ જેટલા વિદ્યાર્થીઓ છે.
ઓફલાઈન શિક્ષણ લેવા માગતા વિદ્યાર્થીઓ માટે સ્કૂલો શરૂ કરવા ગતિવિધિ તેજ
ગુજરાતમાં કોરોનાને કારણે ઘણા લાંબા સમયથી સ્કૂલો બંધ રહી છે. એ પછી કોરોનાના કેસ ઘટતાં ધોરણ-12 અને કોલેજના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક કાર્ય 15 જુલાઈથી શરૂ કરી દેવામાં આવ્યું હતું. આ માટે ઓનલાઇન શિક્ષણ મેળવવા માગતા વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન શિક્ષણ ચાલુ રાખવામાં આવ્યું છે, જ્યારે માધ્યમિક સ્કૂલો એટલે કે ધોરણ 9થી 11માં પણ ઓફલાઈન શિક્ષણ મેળવવા માગતા વિદ્યાર્થીઓ માટે ઓફલાઇન ચાલુ કરવાની ગતિવિધિ હાથ ધરવામાં આવી છે.
સ્કૂલ-સંચાલકોની શિક્ષણમંત્રીને રજૂઆત
ગુજરાત સરકારે કોવિડ ગાઈડલાઈન્સ મુજબ ધોરણ-12 અને કોલેજના વિદ્યાર્થીઓને સ્કૂલમાં આવતી વખતે વાલીની સંમતિપત્ર મેળવવું ફરજિયાત કરવામાં આવ્યું છે, એવી જ રીતે ધોરણ 9થી 11ના વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન શિક્ષણની મહત્ત્વની જાહેરાત કરવામાં આવી શકે છે. આ સ્કૂલો શરૂ કરવાને લઈને સ્કૂલ-સંચાલકો દ્વારા પણ જિલ્લા કલેક્ટરોને આવેદન આપીને રજૂઆત કરવામાં આવી હતી, જેમાં ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓને સ્કૂલોએ આવવાની મંજૂરી આપવી જોઈએ. આ સંદર્ભે સ્કૂલ-સંચાલકોએ પણ શિક્ષણમંત્રી સમક્ષ રજૂઆત કરી હતી.
જાન્યુઆરી અને ફેબ્રુ.માં ઓફલાઈન શિક્ષણ શરૂ થયું હતું
આ પહેલાં 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ની સ્કૂલો ખોલવામાં હતી, જેને પગલે ધોરણ 10 અને 12, પીજી અને છેલ્લા વર્ષના કોલેજના વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ રાજ્યમાં ધો. 9 અને 11ની સ્કૂલો 1 ફેબ્રુઆરી શરૂ કરવામાં આવી હતી તેમજ ધોરણ 9થી 12 અને સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસીસને મંજૂરી આપી હતી. 9થી 12ની સ્કૂલો અને કોલેજો ખોલ્યા બાદ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે 8મી ફેબ્રુઆરીથી કોલેજોમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે વર્ગખંડ શિક્ષણ પુન: શરૂ કરવાની જાહેરાત કરી હતી.
કોરોના વકરતાં માર્ચમાં સ્કૂલો બંધ કરી
ગત માર્ચમાં ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ત્રાટકતાં રાજ્ય સરકારે શરૂઆતમાં 8 મનપા એટલે કે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગર,જૂનાગઢ અને ગાંધીનગરમાં તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં 19 માર્ચ-2021થી પ્રત્યક્ષ શિક્ષણકાર્ય બંધ કરવાનો નિર્ણય કર્યો હતો.
ધો.1થી 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું
રાજ્યમાં કોરોના મહામારી વકરતાં ગુજરાત સરકારે ધોરણ 1થી 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરી હતી. સતત બીજા વર્ષે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું હોય એવી આ પ્રથમ ઘટના હતી. ત્યાર બાદ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું.
સ્કૂલ અને વાલીઓએ આ બાબતોનું ધ્યાન રાખવું પડશે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.