તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Offline Education Of Standard 12 Will Start From Today, Heavy Rains Are Forecast In South Gujarat And Saurashtra, Union Home Ministry Orders States To Impose Ban If Corona Guideline Is Violated.

મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:આજથી ધો-12નું ઓફલાઇન શિક્ષણ શરૂ થશે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી, ગૃહમંત્રાલયનો રાજ્યોને આદેશ- કોરોના ગાઇડલાઇન્સનો ભંગ થાય તો પ્રતિબંધ લાદો

18 દિવસ પહેલા

નમસ્કાર,

આજે ગુરુવાર છે, તારીખ 15 જુલાઈ, અષાઢ સુદ પાંચમ.

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ, કચ્છમાં સામાન્ય અને ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના
2) GPSCની નર્મદા, પાણીપુરવઠા અને મેરીટાઈમ બોર્ડ સહિતના વિભાગોની વર્ગ-1 અને 2ની ભરતી માટે ઓનલાઈન અરજી કરી શકાશે
3) અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિત આજે રાજ્યમાં ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાશે
4) અમદાવાદમાં RTE પ્રવેશનો પહેલો રાઉન્ડ આજે જાહેર કરાશે, તો રિજેક્ટ થયેલાં ફોર્મ માટે વાલીઓને તક અપાય એવી શક્યતા

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચારો
1) ભરતસિંહની નોટિસ સામે પત્નીનો ખુલાસો, કહ્યું- 'કોરોનામાં સેવા કરી મેં તેમને પુનઃ જીવન આપ્યું, સાજા થયા બાદ છૂટાછેડા માટે દબાણ કરે છે
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ગુજરાત કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પોતાના વકીલ મારફત પત્ની રેશમા પટેલ વિરુદ્ધ આપેલી એક જાહેર નોટિસ પાઠવી હતી. આ નોટિસના અનુસંધાનમાં રેશમા પટેલે પોતાના વકીલ મારફત પોતાનો જાહેર ખુલાસો કર્યો છે, જેમાં તેમણે જણાવ્યું છે કે મારા પતિ ભરતસિંહ સોલંકી કોરોના મહામારીથી બીમાર હતા ત્યારે મેં તેમની ખૂબ સેવા કરી છે અને પુનઃ જીવન આપ્યું છે, પરંતુ તેઓ સાજા થયા બાદ છૂટાછેડા આપવા માટે દબાણ કરી રહ્યા છે. અને મને ઘરમાંથી કાઢી મૂકી છે. મારા પતિએ મારા પર મૂકેલા આક્ષેપો પાયાવિહોણા છે.
વાંચો સમાચાર વિગતવાર

2) ધો.10 બોર્ડમાં હવે બેઝિક અને સ્ટાન્ડર્ડ ગણિતનો વિકલ્પ અપાશે, વિજ્ઞાન પ્રવાહમાં ન જવા ઈચ્છતા વિદ્યાર્થીઓને થશે લાભ
ગુજરાતના વિદ્યાર્થીઓ ગણિતમાં કાચા પડી રહ્યા હોય એવું લાગી રહ્યું છે, જે ધોરણ 10ના પરિણામમાં ગણિત વિષયમાં માર્ક્સ પરથી જાણવા મળ્યું છે. સતત નીચે જઈ રહેલો ગ્રાફ હજુ વધુ નીચે ના જાય એ માટે શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 10ના વિદ્યાર્થીઓને ગણિત વિષયની પરીક્ષા માટે 2 વિકલ્પ આપવામાં આવશે, જેમાં સ્ટાન્ડર્ડ ગણિત અને બેઝિક ગણિત રહેશે.
વાંચો સમાચાર વિગતવાર

3) ગુજરાતમાં 23 દિવસ બાદ પહેલીવાર કેસમાં વધારો, 41 નવા પોઝિટિવ કેસ, રાજ્યમાં 689 એક્ટિવ કેસ
રાજ્યમાં કોરોનાની બીજી લહેરમાં 23 દિવસ બાદ પહેલીવાર નવા કેસ વધ્યા છે. રાજ્યના એકપણ જિલ્લા કે શહેરમાં કોરોનાના ડબલ ડિજિટમાં કેસ નોંધાયા નથી. 24 કલાકમાં 41 નવા કેસ નોંધાયા છે. એમાં પણ અમદાવાદ સહિત 7 કોર્પોરેશન વિસ્તાર અને 11 જિલ્લામાં જ કોરોનાના નવા કેસ નોધાયા છે. 113 દર્દીએ કોરોનાને માત આપી છે, જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ સુધરીને 98.69 ટકા થયો છે. તો રાજ્યમાં એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં હાલ 689 એક્ટિવ કેસ છે, જેમાંથી 8 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 681 દર્દીની હાલત સ્થિર છે.
વાંચો સમાચાર વિગતવાર

4) દેશનું 7મા નંબરનું સૌથી વ્યસ્ત અમદાવાદ અદાણી એરપોર્ટ બર્ડ હિટના બનાવો ટાળવામાં નિષ્ફળ, 3 વર્ષમાં 59 ઘટના નોંધાઈ
અમદાવાદ એરપોર્ટ બર્ડ હિટની અનેક ઘટનાઓ બનતી રહે છે. છેલ્લાં ત્રણ વર્ષની વાત કરીએ તો અહીં કુલ 59 બર્ડ હિટની ઘટના ઘટી છે. દેશનું સાતમા નંબરનું સૌથી વ્યસ્ત અદાણી એરપોર્ટ બર્ડ હિટ ટાળવામાં નિષ્ફળ રહ્યું છે. આ સિવાય અનેક અન્ય દુર્ઘટનાઓને કારણે પણ એરપોર્ટ ચર્ચામાં રહ્યું છે, જેમ કે ટાયર ફાટવું, એન્જિનમાંથી ધુમાડો નીકળવો તેમજ રનવે પર 2 વિમાન સામસામે આવી જવાં જેવી ઘટનાને પગલે હજારો પ્રવાસીઓના જીવ તાળવે ચોંટી ગયા હોય એવી ઘટનાઓ અવારનવાર બનતી રહે છે. અમદાવાદ ઉપરાંત વડોદરા, રાજકોટ, સુરત, કંડલા એરપોર્ટ પર બર્ડ હિટની ઘટનાઓ નોંધાઈ છે.
વાંચો સમાચાર વિગતવાર

5) ગુજરાતમાં સ્કૂલો શરૂ કરવાનો પરિપત્ર 24 કલાક પહેલાં જ જારી કરાયો અને એ પણ 'દિવ્ય ભાસ્કર'માં અહેવાલ પ્રસિદ્ધ થયો એ પછી!
રાજ્યમાં કોરોનાના કેસ ઘટવાને પગલે સરકારે વર્ષ 2021-22ના નવા શૈક્ષણિક વર્ષમાં 15 જુલાઈથી ધોરણ 12 માટે સ્કૂલો ઓફલાઇન શરૂ કરવાની શિક્ષણમંત્રીએ 5 જુલાઈએ જાહેરાત કરી હતી. ત્યાર બાદ 9 જુલાઈએ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકમાં આ અંગે નિર્ણય પણ લેવામાં આવ્યો હતો. જોકે આ અંગે કોઈ પરિપત્ર કે માર્ગદર્શિકા જાહેર નહીં કરાતાં સ્કૂલ-સંચાલકો મૂંઝવણમાં મુકાયાનો અહેવાલ દિવ્ય ભાસ્કરે 14 જુલાઈએ સવારે 11.30 વાગ્યે પ્રસિદ્ધ કર્યો હતો. આ અહેવાલ પ્રસિદ્ધ થયાની 45 મિનિટમાં જ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે પરિપત્ર જારી કરીને 15 જુલાઈથી સ્કૂલો ઓફલાઈન શરૂ કરવાની માર્ગદર્શિકા આપી છે.
વાંચો સમાચાર વિગતવાર

6) સરકારે મોંઘવારી ભથ્થું 17%થી વધારીને 28% કર્યું, કેન્દ્રના 50 લાખ કર્મચારી અને 61 લાખ પેન્શનર્સને ફાયદો થશે; જાન્યુઆરી 2020થી અટકાવેલું
મોદી સરકારે વધતી મોંઘવારી અને કોરોના મહામારી વચ્ચે કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ આપી છે. સરકારે કેન્દ્રીય કર્મચારીના મોંઘવારી ભથ્થામાં, એટલે કે DA 17%થી વધારી 28% કર્યું છે . સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેબિનેટ કમિટી ઓફ ઈકોનોમિક અફેર (CCEA)એ બુધવારે આ માટે મંજૂરી આપી દીધી છે. અલબત્ત, સત્તાવાર જાહેરાત થવાની બાકી છે. આ નિર્ણયથી 50 લાખ કેન્દ્રીય કર્મચારી અને 61 લાખ પેન્શનર્સને ફાયદો થશે. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીને કારણે જૂન 2021 સુધીમાં કર્મચારીઓ અને પેન્શનર્સના DAને વધારવા પર પ્રતિબંધ લગાવી દેવાયો હતો.
વાંચો સમાચાર વિગતવાર

7) ગૃહમંત્રાલયનો રાજ્યોને આદેશ, જ્યાં કોરોનાના નિયમોનું ઉલ્લંઘન થાય છે ત્યાં ફરીથી પ્રતિબંધો લગાવી દો
કોરોનાની બીજી લહેર હળવી થયા પછી અને પ્રતિબંધોમાં ઢીલ પછી લોકો ફરીથી બહાર નીકળવા લાગ્યા છે. બજારો અને પર્યટન સ્થળોમાં ભીડ એકત્રિત થઈ રહી છે. આ સિવાય માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ જેવા નિયમોનું પણ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકાર અને વડાપ્રધાને પોતે અપીલ કર્યા પછી પણ કઈ ખાસ ફરક પડ્યો નથી. એવામાં હવે ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ભીડ વધવા પર લોકડાઉન લગાવવાના નિર્દેશ આપ્યા છે.
વાંચો સમાચાર વિગતવાર

મહત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં

1) કોરોનાનો સામનો કરવા કેન્દ્રનો નિર્ણય,નેશનલ આયુષ મિશનનું આયુષ્ય વધુ 4 વર્ષ વધ્યું, દેશમાં 12 હજાર વેલનેસ સેન્ટર બનાવાશે 2) મુંબઈ એરપોર્ટની કમાન હવે ગૌતમ અદાણીના હાથમાં, હજારો નવી નોકરીઓ ઊભી કરવાનો વાયદો કર્યો 3) અફઘાન સૈનિકોએ આત્મસમર્પણ કર્યું છતાં નિર્દયી તાલિબાનોએ 22 કમાન્ડોને ગોળીઓથી વીંધી નાખ્યા 4) ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં ખોદકામ દરમિયાન 1 હજાર વર્ષ જૂના મંદિરના અવશેષો મળ્યા, 11મી સદીની મૂર્તિઓ સતત મળી રહી છે

આજનો ઈતિહાસ
વર્ષ 1979માં આજના દિવસે દેશના પહેલા બિન-કોંગ્રેસી વડાપ્રધાન મોરારજી દેસાઈને રાજીનામું આપવું પડેલું, તેમણે 2 વર્ષ 4 મહિના અને 4 દિવસ શાસન કરેલું

અને આજનો સુવિચાર
આ જગતમાં પરોપકાર સિવાય કોઈ ધર્મ નથી અને બીજાને દુ:ખ આપવા સમાન કોઈ પાપ નથી. –સંત તુલસીદાસ

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું..

અન્ય સમાચારો પણ છે...