ઓફલાઇન શિક્ષણ:રાજ્યમાં ધોરણ 6થી 8ના ઓફલાઇન વર્ગો ટૂંક સમયમાં શરૂ થશે: શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા

અમદાવાદ2 મહિનો પહેલા
  • કોર કમિટીની બેઠક બાદ ધો.6થી 8ના વર્ગ શરૂ કરવા અંગે નિર્ણય
  • અન્ન વિતરણ કાર્યક્રમ દરમિયાન શિક્ષણમંત્રીનું નિવેદન

રાજ્યમાં ધોરણ 12 અને કોલેજ બાદ ધોરણ 9થી 11ના વર્ગ 26 જુલાઈથી ઓફલાઈન શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે હવે ટૂંક સમયમાં ધોરણ 6થી 8ના વર્ગ શરૂ કરવામાં આવશે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આ અંગે આજે જણાવ્યું હતું કે તબક્કાવાર રીતે વર્ગ ચાલુ કરવામાં આવશે. આગામી સમયમાં કોર કમિટીની બેઠક મળશે, જે બાદ ધોરણ 6થી 8ના વર્ગ શરૂ કરવામાં આવશે.

ટૂંક સમયમાં ધો. 9થી 11ના વર્ગો શરૂ થશે
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન વિતરણ કાર્યકમમાં શાહીબાગ ખાતેની મ્યુનિસિપલ સ્કૂલના કાર્યક્રમમાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા હાજર રહ્યા હતા. ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કાર્યક્રમ બાદ જણાવ્યું હતું કે 9 ઓગસ્ટ સુધી સરકારનાં 5 વર્ષ પૂર્ણ થતાં ઉજવણી કરવામાં આવશે, એ બાદ કોર કમિટીની બેઠક મળશે. આ બેઠકમાં ધોરણ 6થી 8ના વર્ગ શરૂ કરવામાં અંગે ચર્ચા કરવામાં આવશે. તબક્કવાર વર્ગ ચાલુ કરવાની વાત હતી એનું અમે પાલન કર્યું છે. ધોરણ 12 અને તે બાદ 9થી 11ના વર્ગ ચાલુ છે. ત્યારે હવે ટૂંક સમયમાં 6થી 8ના વર્ગ ચાલુ કરવામાં આવશે.

આ તસવીર પ્રતીકાત્મક છે.
આ તસવીર પ્રતીકાત્મક છે.

ફી માફીનું પાલન ન કરતી સ્કૂલો સામે તપાસ કરાશે
ઉપરાંત ભૂપેન્દ્રસિંહે જણાવ્યું હતું કે 25 ટકા ફી માફીની જાહેરાત કરી છે. એ અંગે કેટલીક સ્કૂલ પાલન કરતી નથી, જેની ફરિયાદ મળી છે. આ ફરિયાદની તપાસ કરવામાં આવશે અને 25 ટકા ફી માફીનું પાલન કરાવવામાં આવશે. ધોરણ 10ના CBSE બોર્ડના પરિણામ અંગે તેમણે કહ્યું હતું કે અમે CBSE બોર્ડ કરતાં આગળ છીએ. અમે પહેલા પરિણામ જાહેર કર્યું હતું ત્યારે CBSE બોર્ડે હવે પરિણામ જાહેર કર્યું છે.

હાલ ધો. 9થી 12 અને કોલેજોમાં ઓફલાઇન શિક્ષણ ચાલુ
નોંધનીય છે કે રાજ્યમાં 15મી જુલાઇ 2021થી ધો.12ના વર્ગો, પોલિટેક્નિક સંસ્થાઓ અને કોલેજો 50% કેપેસિટી સાથે વાલીઓની સંમતિ મેળવીને શરૂ કરાઈ છે. આ સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની હાજરી મરજિયાત રાખવામાં આવી છે. આ બાદ 26મી જુલાઈથી ધો. 9થી 11ના વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન શિક્ષણ શરૂ કરાયું હતું.

સ્કૂલમાં વિદ્યાર્થીઓની હાજરી મરજિયાત
અગાઉ કોર કમિટીના બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિ અને ઉત્તરોત્તર ઘટતા જતા કોવિડ કેસોની સંખ્યાને ધ્યાનમાં લઈને શાળાના વર્ગો વગેરે રાબેતા મુજબ પૂર્વવત કરવા અંગે વિસ્તૃત સમીક્ષા અને ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી, જેમાં મુખ્યમંત્રીએ સમગ્ર રાજ્યમાં 26 તારીખ જુલાઇ-2021થી શાળાઓના ધોરણ 9થી 11ના વર્ગો શરૂ કરવા પરવાનગી આપી હતી. આ વર્ગો 50 ટકા ક્ષમતા સાથે ફરી શરૂ કરી થયા છે, સાથે જ વિદ્યાર્થીઓની હાજરી મરજિયાત રાખવામાં આવી છે.

આ તસવીર પ્રતીકાત્મક છે.
આ તસવીર પ્રતીકાત્મક છે.

વાલીઓ પાસેથી સંમતિપત્રક લેવું જરૂરી
સરકાર દ્વાર લેવાયેલા નિર્ણય મુજબ, શાળા વર્ગોમાં અભ્યાસ માટે આવનારા વિદ્યાર્થીઓએ પોતાના વાલીનું સંમતિપત્રક પણ લાવવાનું ફરજિયાત કરાયું હતું. આ સાથે ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમ પણ યથાવત્ ચાલુ રખાઈ છે. ઓફલાઈન વર્ગોમાં કોરોના સંક્રમણ નિયંત્રણની ગાઈડલાઈન-SOPનું પાલન થાય એ પણ શિક્ષણ વિભાગે સુનિશ્ચિત કરાવવાનું રહેશે.