વાઈબ્રન્ટમાં વિવાદ:​​​​​​​અધિકારીઓને વાઈબ્રન્ટનો ડર અને સરકારે પકડી છે જીદ, સરકાર અને બાબુઓ આમને-સામને, ઉદ્યોગપતિઓ સરકારને ચોખ્ખી ના પાડી શકતા નથી

અમદાવાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકાર કોઈપણ ભોગે વાઈબ્રન્ટ યોજવા મક્કમ રહેતા અધિકારીઓ અંદર ખાને સરકાર સામે નારાજ પણ બોલી શકતા નથી

ગુજરાતમાં દિન પ્રતિદિન કોરોનાના કેસ રોકેટ ગતિએ વધી રહ્યા છે. એવામાં સંજોગોમાં પણ સરકાર વાઈબ્રન્ટ સમિટ યોજવાની જીદ સાથે આગળ વધી રહી છે. જેની સામે સરકારના જ કેટલાક ઉચ્ચ અધિકારીઓ નારાજગી સાથે મુખ્યમંત્રી સહિત મંત્રીઓને વાઈબ્રન્ટ સમિટ વર્ચ્યુઅલી કરવા માટે દબાણ કરી રહ્યા છે. પરંતુ સરકારે કોઈપણ ભોગે વાઈબ્રન્ટ સમિટ યોજવા મક્કમ રહેતા અધિકારીઓ અંદર ખાને સરકાર સામે નારાજ છે પણ બોલી શકતા નથી. એટલું જ નહીં કોરોનાના કહેર વચ્ચે પણ રાજ્યના આરોગ્ય કમિશનર અને સચિવ સહિતના અધિકારીઓ કોરોનાની ઝપેટમાં આવી જતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે.

ઉદ્યોગપતિઓ અને વિદેશના પ્રતિનિધિઓ પણ નારાજ
માત્ર અધિકારીઓ જ નહીં વાઈબ્રન્ટના આમંત્રિત ઉદ્યોગપતિઓ અને વિદેશના પ્રતિનિધિઓ પણ સરકારના ઓનગ્રાઉન્ડ જ વાઈબ્રન્ટ યોજવાના વલણ સામે નારાજગી વ્યક્ત કરી છે. એમાના કેટલાક લોકોએ સરકારને વર્ચ્યુઅલ વાઈબ્રન્ટ યોજવાનો ઓપ્શન આપવાનું પણ કહ્યું હતું છતાં સરકાર મચક આપતી નહોતી તેના કારણે વાઈબ્રન્ટનો વિવાદ વધ્યો છે. આગામી 10મી જાન્યુઆરીથી વાઈબ્રન્ટ ગુજરાત ઈન્વેસ્ટર્સ સમિટ યોજવા માટે સરકારે છેલ્લા 2 મહિનાથી તૈયારીઓ શરૂ કરી હતી. તેની સાથે સાથે કોરોનાની ત્રીજી લહેર સામે લડવાનો એક્શન પ્લાન પણ તૈયાર કર્યો હતો.

વાઈબ્રન્ટ ગુજરાત ઈન્વેસ્ટર્સ સમિટ યોજવા માટે સરકારે છેલ્લા 2 મહિનાથી તૈયારીઓ શરૂ
વાઈબ્રન્ટ ગુજરાત ઈન્વેસ્ટર્સ સમિટ યોજવા માટે સરકારે છેલ્લા 2 મહિનાથી તૈયારીઓ શરૂ

10 દિવસથી રાજ્યમાં કોરોનાનો કહેર
પરંતુ છેલ્લા 10 દિવસથી ગુજરાતમાં કોરોનાના કેસના આંકડા વધી રહ્યા છે. તે સમયે વિદેશી અને અન્ય રાજ્યના મહેમાનોને બોલાવી વાઈબ્રન્ટ સમિટ કરવી ઘણી ભયજનક હોવાનું સરકારના જ ઉચ્ચ અધિકારીઓએ ચેતવણી આપી છે. વાઈબ્રન્ટ સમિટ દરમિયાન એકઠા થનારા મહેમાનોને કોરોનાથી બચાવવા માટે રાજ્ય સરકારે કેટલીક ગાઈડલાઈન બનાવી છે પરંતુ કોરોના અને ઓમિક્રોનના કહેર વચ્ચે સમિટ યોજવામાં આવે તો ગુજરાતની પરિસ્થિતિ વધુ વકરે તેવી સંભાવનાઓ છે.

અધિકારીઓની સલાહને સરકારે અવગણી
દેશના અન્ય રાજ્યોમાં કોરોનાના કેસો વધતા કડક નિયંત્રણો લાદી દીધા છે. પરંતુ રાજ્ય સરકાર હજુ કોરોનાના કેસો વધે તેની રાહ જોઈને બેઠી હોય તેમ પ્રજા પર નિયંત્રણ લાદવામાં પાછી પાની કરી રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં સરકારે જિલ્લા કલેક્ટરો, કમિશનરો સહિત કેન્દ્રના આરોગ્ય વિભાગ સાથેની બેઠકોમાં કોરોના અંગેની સમીક્ષાઓ કરી હતી. તેમાં પણ ગુજરાતમાં કોરોના વિસ્ફોટ થાય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી હતી. આ સમીક્ષાના આધારે સરકારની નજીકના કેટલાક અધિકારીઓએ સરકારને વાયબ્રન્ટ સમિટ મોકૂફ રાખવા અથવા તો વર્ચ્યુઅલી કરવા માટેની સલાહ આપી હતી. પરંતુ ગુજરાત સરકાર વાયબ્રન્ટ સમિટ યોજવા માટેની તૈયારીઓ અટકાવવાને બદલે પૂરજોશમાં કરી રહી છે.

રાજ્યમાં એક જ દિવસમાં 5 IASને કોરોના
રાજ્યમાં એક જ દિવસમાં 5 IASને કોરોના

રાજ્યમાં એક જ દિવસમાં 5 IAS કોરોના સંક્રમિત
ગુજરાત સરકારના 5 IAS કોરોના સંક્રમિત થયા છે. આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે, IAS રાજકુમાર બેનિવાલ, IAS હારિત શુક્લા, IAS મનોજ અગ્રવાલ અને જગદીશ પ્રસાદ ગુપ્તા કોરોના સંક્રમિત થયા હતા. IAS હારિત શુક્લા વર્ષ 2020માં પણ કોરોના સંક્રમિત થયા હતા. ત્યારે તેમણે હોમ ક્વોરન્ટીન થઈને સારવાર લીધી હતી.

આ અધિકારીઓ કોરોના સંક્રમિત થયા

  • મનોજ અગ્રવાલ, ACS (હેલ્થ)
  • જગદીશ પ્રસાદ ગુપ્તા, પ્રિન્સિપલ સેક્રેટરી (ફાઇનાન્સ)
  • હારિત શુક્લા, સેક્રેટરી (ટુરિઝમ)
  • જયપ્રકાશ શિવહરે, કમિશનર (હેલ્થ)
  • રાજકુમાર બેનિવાલ, કમિશનર ઓફ મ્યુનિસિપાલિટી, અમદાવાદ

મ્યુનિ. કમિશનરો અને જિલ્લા કલેક્ટરો પર કોરોના રોકવાની જવાબદારી
રાજ્યમાં આજે મુખ્ય સચિવે મહાનગરોમાં મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા કલેકટરોને કોરોનાના સંક્રમણને રોકવા માટે સંભવિત વિસ્તારોમાં સામેથી કેસો શોધવા માટે આરોગ્યની ટીમોને પ્રોએક્ટિવ ભૂમિકા દાખવીને પ્રિવેન્ટિવ કામગીરી કરવા માર્ગદર્શન આપ્યુ હતું. તેમણે કોવિડ પ્રોટોકોલના ચુસ્ત પાલન, માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન, ઓપીડી કેસોનું રોજબરોજ મોનીટરીંગ કરીને તાવ, ઉધરસના કેસો સંદર્ભે ખાનગી હોસ્પિટલો તથા IMA સાથે સંકલન કરી કોરોના નિયંત્રણ માટે ખાસ એક્શન પ્લાન તૈયાર કરી જરૂરી આયોજનો કરવા સૂચનાઓ આપી હતી.