ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે ઉમેદવારોની યાદી જાહેર કરી છે, પરંતુ હજુ સુધી અમદાવાદમાં ઉમેદવારોની યાદી જાહેર કરી નથી. આમ છતાં નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી(NCP)ના નેતા નિકુલસિંહ તોમરે નરોડા વિધાનસભા માટે પોતાના નામ અને ફોટા સાથેના બેનર છપાવી દીધા છે.
નામ જાહેર થાય એ પહેલાં જ બેનર છપાવ્યા
NCP અને કોંગ્રેસ વચ્ચે ત્રણ બેઠક પર ગઠબંધન કરવામાં આવ્યું છે. ઉમરેઠ, અમદાવાદ અને દેવગઢ બારીયા વિધાનસભા પર NCP અને કોંગ્રેસનું ગઠબંધન થયું છે. જેથી આ ત્રણ બેઠક પર NCPના ઉમેદવારો જ ચૂંટણી લડશે. પરંતુ ક્યાં ઉમેદવાર ચૂંટણી લડશે તે હજુ કોંગ્રેસ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું નથી. છતાં NCPના નેતા નિકુલસિંહ તોમરે ઉમેદવારોની યાદી જાહેર થયા પહેલા પોતાના નામના બેનર છપાવી દીધા છે. નિકુલસિંહ તોમરને NCP તરફથી મેન્ડેટ મળી ગયું હોય તેવી પૂરી શક્યતા છે.
નરોડા બેઠક પર નિકુલસિંહે ચૂંટણી લડવા તૈયારીઓ શરૂ કરી
ચૂંટણી સામગ્રી બનાવતી દુકાનમાં જ NCP નેતા નિકુલસિંહ તોમરના નરોડા વિધાનસભા ચૂંટણી લખેલા બેનર તૈયાર કરવામાં આવી રહ્યા છે. સત્તાવાર જાહેરાત પહેલા જ નરોડા બેઠક પર ચૂંટણી લડવા નિકુલસિંહે તૈયારી કરી દીધી છે. NCP ના નેતા જયંત બોસ્કીએ પણ અગાઉ જણાવ્યું હતું કે, નિકુલસિંહ તોમર નરોડાના ઉમેદવાર બનશે અને નરોડાથી જ ચૂંટણી લડશે. જોકે, નિકુલસિંહને ટિકિટ આપવાથી કોંગ્રેસના અન્ય દાવેદારો નારાજ થઈ શકે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.