91 અને 97ની બેચના અધિકારીઓને પ્રમોશન આવી શકે છે
ગુજરાત સરકારમાં આ વર્ષે સોળ જેટલાં આઇએએસ અધિકારીઓ નિવૃત્ત થવા જઇ રહ્યા છે અને તેથી આઇએએસ અધિકારીઓની વધુ ઘટ ઊભી થશે. પરંતુ આ દરમિયાન સરકાર 1991 અને 1997ની બેચના આઇએએસ અધિકારીઓને ખૂબ જલ્દી પ્રમોશન આપવાના મૂડમાં છે. જેમાં 1991 બેચના અધિકારીઓને અધિક મુખ્ય સચિવ તથઆ 1997 બેચના અધિકારીઓને અગ્ર સચિવ પદે બઢતી મળી શકે છે તેવું સચિવાલયના સૂત્રો જણાવે છે. 1997ની બેચના અધિકારીઓને બઢતી આપવાનું ડિપાર્ટમેન્ટલ પ્રમોશન કમિટીએ ક્લીઅર કરી નાખ્યું છે તેથી તેમને નજીકના ભવિષ્યમાં જ અગ્રસચિવ બનાવી દેવાય તેવું જાણવા મળ્યું છે. આ ઉપરાંત કેટલાંક અન્ય અધિકારીઓને સચિવ કક્ષાના પ્રમોશન પણ વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાત સરકાર જાહેર કરશે.
રાજેન્દ્ર ત્રિવેદીની ઓફિસમાં બેસતા માણસનું સ્ટિંગ ઓપરેશન થઇ ગયું
થોડા સમય પહેલાં સરકારી કચેરીઓમાં ચાલતી ગેરરીતિ સંદર્ભે થયેલાં સ્ટિંગ ઓપરેશનને લઇને મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ધોંસ બોલાવીને કચેરીઓમાં રેડ કરી કડક પગલાં લીધાં હતાં. પરંતુ આ દરમિયાન તેમની જ ઓફિસમાં બેસતાં એક માણસનું ભાજપના જ એક નેતાએ સ્ટિંગ ઓપરેશન કરી નાખ્યું. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ત્રિવેદીની ઓફિસમાં પ્રદેશ સ્તરના ભાજપના એક નેતાએ લાગવગથી પોતાનો વિશ્વાસુ માણસ બેસાડ્યો હતો. આ માણસની ઓળખ જ તે નેતાના ‘સેવક’ તરીકેની હતી અને તેનો રાજેન્દ્ર ત્રિવેદીને કોઇ ‘સંકેત’ ન હતો. સમય જતાં આ સેવકે પોતાનો રંગ બતાવવાનો શરૂ કર્યો અને કેટલાંક લોકો પાસેથી મંત્રીની જાણબહાર જ કામ કરાવવાના પૈસા માગવાના શરૂ કર્યું. આ બાબતથી છંછેડાઇને ભાજપના નેતાએ તે વ્યક્તિનું સ્ટિંગ કરી નાખ્યું અને તેની જાણ મંત્રીને થતાં જ આ સેવકને તાત્કાલિક તેમની ઓફિસમાં આવવાનું બંધ કરાવી દીધું. તપાસ કરતાં ખ્યાલ આવ્યો કે આ સેવક તબિયતના બહાને હવે ઓફિસમાં આવતો નથી, પણ તેના નેતા દહાડો ઉગે ને તરત જ ત્રિવેદીની ઓફિસમાં આવીને લાંબો સત્સંગ કરે છે. ભાજપના સૂત્રો કહે છે કે, પ્રદેશ સ્તરના આ નેતા સાથેની ભાઇબંધી લાંબાગાળે મંત્રી ત્રિવેદીને જ નુક્સાન કરાવી જશે.
અર્જુનસિંહે મુલાકાતીઓને બુકે નહીં, નોટબુક લાવવા કહ્યું
ધારાસભ્ય તરીકે પ્રથમવાર ચૂંટાઇને આવ્યા અને ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી બનેલા અર્જુનસિંહ ચૌહાણે એક દૃષ્ટાંતરૂપ કામ કર્યું છે. તેમને મળવા આવતાં મુલાકાતીઓને તેમણે પહેલેથી જ સ્પષ્ટ સૂચના આપી હતી કે તેઓ તેમના અભિવાદન માટે ફૂલોના બુકે નહીં, પણ તેટલી કિંમતની નોટબુક લઇને આવે અને તેમની કચેરીમાં જમા કરાવી દે. આમ કરતાં માત્ર ત્રણ જ મહિનામાં ચૌહાણની કચેરીમાં 40 હજાર નોટબુક જમા થઇ અને આ તમામ નોટબુક તેમણે ગરીબ વિદ્યાર્થીઓમાં વિતરણ કરી દીધી. સૂત્રો જણાવે છે કે અર્જુનસિંહ પોતે ખૂબ ગરીબીમાં ઉછર્યા છે અને અભ્યાસ કરતી વખતે તેમની પાસે નોટબુક લાવવાના પૈસા પણ ન હતા તેથી તેમને પોતાના અનુભવ પરથી આ વિચાર સ્ફૂર્યો અને નોટબુક મગાવવાનું શરૂ કર્યું. આ અગાઉ આનંદીબેન પટેલ જ્યારે મુખ્યમંત્રી હતાં ત્યારે તેમણે જાહેર સમારોહમાં અને વ્યક્તિગત મુલાકાતમાં બુકેના બદલે ફળોની ટોકરી મગાવવાનો આગ્રહ રાખ્યો હતો અને પાછળથી આ ફળો આંગણવાડીના ગરીબ બાળકોમાં વહેંચાતાં હતા.
શાહમીનાને કોણ હટાવી શકે ,ભલે મંત્રી નારાજ હોય ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના કેબિનેટ મંત્રી મુકેશ પટેલ 1997ની બેચના આઇએએસ અને જીયુવીએનએલના મેનેજિંગ ડિરેક્ટર શાહમીના હુસૈનથી નારાજ ચાલી રહ્યા છે. તેમના વિસ્તારમાં કેટલાંક કામો મંજૂર નહીં કરતાં હોવાની ફરિયાદ તેમણે શાહમીના વિરુદ્ધ કરી હતી અને ગયા અઠવાડિયે એક બેઠકમાં નારાજ થઇને ચાલતી પણ પકડી હતી. જાણવા મળ્યું છે કે મંત્રી ગમે તેમ કરીને શાહમીનાને તેમના હોદ્દા પરથી હટાવવા માગે છે, પરંતુ શાહમીના અઢી વર્ષથી આ પદ પર છે અને તે પહેલાં પણ તેમને ઉર્જા વિભાગમાં કામ કરવાનો અનુભવ છે. કાર્યકાળ દરમિયાન તેમના પર એકેય વાર આંગળી ઊઠી નથી તેથી દિલ્હી દરબારને પણ તેમની ક્ષમતા અને ગુણવત્તાનો ખ્યાલ છે. સચિવાલયના સિનિયર અધિકારી કહે છે કે મુકેશ પટેલ પાસે ઉર્જા વિભાગ છે અને તે સિવાય પણ તેમની પાસે બીજી ઘણી બધી ઉર્જા છે, પરંતુ શાહમીનાને હટાવવાની જીદ્દ ગમે તેટલી ઉર્જા વાપરે તેમ છતાં પૂરી થશે નહીં.
રાજીવ કુમાર વાઇબ્રન્ટનો ખર્ચ મંજૂર કરશે કે નહીં ..?
ગુજરાત સરકાર વાઇબ્રન્ટના આયોજન પાછળ મોટો ખર્ચ કરીને બેઠી અને આખરે ઇવેન્ટ કેન્સલ રહી. હવે મોટું કામ આવશે કોન્ટ્રાક્ટરોને બિલના ચૂકવણાંનું. આમ તો કુલ બજેટ ખર્ચના સિત્તેર ટકા ખર્ચ તો થઇ ગયો છે, પરંતુ કોન્ટ્રાક્ટરો સરકાર પર તેમના બાકી લ્હેણાં ચૂકવવા માટે દબાણ ઊભું કરશે. આ કોન્ટ્રાક્ટરો સાથે કાયમી સંબંધ સાચવવા માટે અમુક અધિકારીઓ તેમના બિલની ચૂકવણી માટે તૈયારી કરી તો રહ્યાં છે, પરંતુ હવે તેમને મોટો ડર રાજીવ કુમાર ગુપ્તાના કડક સ્વભાવનો છે. સચિવાલયના અધિકારીઓના જણાવ્યા મુજબ ગુપ્તા એ બાબતની કાળજી રાખશે કે કોઇપણ કોન્ટ્રાક્ટર દબાણ ઊભું કરીને કે અન્ય અધિકારીઓ સાથે મિત્રતા કરીને સરકારી નાણાં ખંખેરી નહીં જાય આ દરમિયાન તેમની નીચેના અધિકારીઓની ચિંતા ખૂબ વધી રહી હોવાનું જાણવા મળ્યું છે, કારણ કે ગુપ્તા ઢીલા પડશે નહીં અને પોતે કોન્ટ્રાક્ટરો પાસે કડકાઇ કરી શકશે નહીં.
મહેસૂલ વિભાગના સંવેદનશીલ મુદ્દાઓને લઇને દયાણીને રિપોર્ટ તૈયાર કરવા કહેવાયું
સચિવાલયના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગુજરાત સરકારે મહેસૂલ વિભાગના સચિવ કમલ કુમાર દયાણીને એક મોટી જવાબદારી સોંપી છે. આ જવાબદારી છે ભૂતકાળમાં મહેસૂલ વિભાગે ક્લીઅર કરેલી કેટલીક ફાઇલોની ફરીથી સમીક્ષા કરવાની અને તેને સંલગ્ન એક વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરવાની. ગુજરાત સરકારમાં પાછલાં વર્ષોમાં સરકારી જમીનોને લઇને થયેલાં નિર્ણયોની હાલ દયાણી ચીવટથી તપાસ કરી રહ્યાં છે. જો તેમાં કોઇપણ ગેરરીતિ જણાય તો તેને લઇને તેમણે રીપોર્ટ બનાવવાનો છે. આ ગેરરીતિ થઇ હોય તે તેની પાછળ જવાબદાર અધિકારીઓ અને વ્યક્તિએ શું ભૂમિકા ભજવી તેનો ઉલ્લેખ પણ દયાણીને કરવાનો છે. આ રિપોર્ટ તૈયાર થયા બાદ તે મુખ્યમંત્રીને સોંપાશે અને તે માટે વિશેષ તપાસ કરવા અંગે મુખ્યમંત્રી કક્ષાએથી જ નિર્ણય પણ લેવાશે. હાલ અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાના શહેરી વિસ્તારોને લગતી બાબતોની ચકાસણી ચાલી રહી હોવાનું પણ સૂત્રો મારફતે જાણવા મળ્યું છે.
ચૂંટણી પૂર્વે જનતાને ખુશ કરવા બજેટ માટે નવી બાબતોની લાંબી યાદી તૈયાર કરાઇ
ગુજરાત સરકાર માટે આ ચૂંટણીનું વર્ષ છે અને ચૂંટણી પહેલાં જ જાહેર જનતાને ખુશ કરવા માટે ગુજરાત સરકારે બજેટમાં ઘણી બધી નવી બાબતોને સમાવવા માટે તૈયારી કરી લીધી છે. અત્યાર સુધીમાં દરેક વિભાગે પોતાની સંખ્યાબંધ નવી બાબતો બજેટમાં સમાવવા માટેની યાદી નાણાં વિભાગને સોંપી દીધી છે. સરકારના સૂત્રો જણાવે છે કે વિભાગે તૈયાર કરેલી મોટાભાગની નવી બાબતો આ બજેટમાં સ્વીકારવામાં આવશે. પહેલાં નવી બાબતો પર મોટી કાતરો ફરી જતી હતી તેને બદલે હવે આ સરકાર નવી બાબતોને ખુલ્લા દિલે સ્વીકારશે તેવું ચિત્ર ઉપસાવવા પ્રયાસ થઇ રહ્યો છે, પરંતુ તેની પાછળનું મૂળ કારણ છે કે નવી સરકારને પોતાની ઇમેજ બનાવવામાં જે મુશ્કેલી આવી રહી છે તે દૂર કરવા આગામી બજેટમાં ઢગલાબંધ યોજના લાવવાનો વિચાર થઇ રહ્યો છે અને તેમાંય ચૂંટણીનું વર્ષ હોવાથી સરકારને માથે લોકાભિમુખ બજેટ રજૂ કરવાનો ટાર્ગેટ છે.
એક અધિકારી કહે છે , મારી હાય (બદદુઆ) લાગતા વાઇબ્રન્ટ મોકૂફ રહ્યું
વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-2022 યોજવાનું નક્કી થઇ ગયું હતું. તમામ આયોજન થઇ ગયા હતા. દરેક તબક્કાનું આયોજન કરવા માટે અધિકારીને જવાબદારી પણ આપી દેવામાં આવી હતી. આયોજનની તૈયારીઓ આરંભી દેવામાં આવી હતી, દરમિયાનમાં જ એક મિિટંગમાં કોઇ બાબતે ઉચ્ચ અધિકારી સાથે એક અધિકારીને વડછડ થઇ જતા તેમને પડતા મુકવામાં આવ્યા હતા.તેમને પડતા મુકયા પછીના થોડા દિવસો પછી વાઇબ્રન્ટ મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.આ અધિકારી રાજી થઇ ગયા અને કહેવા લાગ્યા કે માને વાઇબ્રન્ટમાંથી પડતી-પડતો મુકયો એટલે મારી બદદુઆ લાગી, વાઇબ્રન્ટ મોકૂફ રાખવું પડયુંને !
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.