હાઈકોર્ટની ટકોર:અધિકારીઓને ઘણી મુસાફરી કરવાની હોય છે તેમને કોર્ટરૂમમાં કેમ બોલાવ્યા? તેઓ સંક્રમિત હોય તો આપણને પણ તેમનું સંક્રમણ લાગી શકે

અમદાવાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • કોર્ટમાં અન્યને પ્રવેશ પ્રતિબંધની SOP લાગુ હોવા છતાં અધિકારી હાજર રહેતા કોર્ટે ટકોર કરી
  • સરકારી વકીલે કોર્ટની માફી માંગીને તકેદારી રાખવાની કોર્ટને ખાતરી આપી

ગુજરાત હાઈકોર્ટમાં કોરોના અંગેની SOP હોવા છતાં કોર્ટ રૂમમાં સરકારી અધિકારી હાજર રહેતાં કોર્ટે સરકારી વકીલને ટકોર કરી હતી. હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન ચીફ જસ્ટીસની ખંડપીઠના ધ્યાને આવ્યું હતું કે, બે સરકારી અધિકારીઓ કોર્ટ રૂમમા હાજર છે. કોર્ટે આ અધિકારીઓ કોણ છે તેની માહિતી મેળવી હતી. ત્યાર બાદ ચીફ જસ્ટીસે સરકારી વકીલને ટકોર કરી હતી કે, સરકારી અધિકારીઓને કોર્ટમાં શા માટે બોલાવ્યા?

સરકારી વકીલે તકેદારી રાખવાની ખાતરી આપી
ગુજરાત હાઇકોર્ટમાં ચાલુ સુનાવણી દરમિયાન કોર્ટના ધ્યાને આવ્યું કે 2 સરકારી અધિકારીઓ કોર્ટ રૂમમાં હાજર છે, જેથી ચીફ જસ્ટિસે ટકોર કરી કે 'અધિકારીઓને ઘણી મુસાફરી કરવાની થતી હોય છે અને કોર્ટમાં માત્ર વકીલોને જ પ્રવેશ માટે પરવાનગી છે, તો તેઓ અહીં કેમ આવ્યા? જો અધિકારી એસીમટોમેટિક હશે તો એને ખબર પણ નહીં હોય કે એ સંક્રમિત છે અને એનું સંક્રમણ આપને પણ લાગી શકે છે. સંક્રમણ ફેલાતું અટકે એટલે નિયંત્રણો લાદવા પડ્યા છે, એવામાં અધિકારીને કોર્ટરૂમમાં બોલાવવાની શુ જરૂર? કોર્ટની ટકોર બાદ સરકારી વકીલે કોર્ટની માફી માંગીને હવે તકેદારી રખાશે એવી ખાતરી આપી હતી.

હાઈકોર્ટમાં માત્ર વકીલોને જ પ્રવેશ,પક્ષકારોને દસ્તાવેજો-કાગળો ડ્રોપ બોક્સમાં મૂકવા વિનંતિ
હાઈકોર્ટમાં માત્ર વકીલોને જ પ્રવેશ,પક્ષકારોને દસ્તાવેજો-કાગળો ડ્રોપ બોક્સમાં મૂકવા વિનંતિ

ગુજરાત હાઇકોર્ટમાં માત્ર વકીલોને જ પ્રવેશ
રાજ્યમાં અને અમદાવાદમાં વધી રહેલા કોરોનાના કેસોને જોતાં ગુજરાત હાઇકોર્ટમાં સતર્કતા રાખવામાં આવી રહી છે. આજથી ગુજરાત હાઈકોર્ટમાં પ્રવેશ માટે ગેટ નંબર 5 સિવાય તમામ ગેટ બંધ કરી દેવાયા છે. તેમજ માત્ર વકીલોને કોર્ટમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. કોર્ટની કેન્ટીન પણ બંધ કરી દેવામાં આવી છે. તેની સાથે સાથે અમદાવાદની નીચલી કોર્ટમાં પણ સતર્કતા માટે સૂચનો જારી કર્યાં છે.

પક્ષકારોને દસ્તાવેજો-કાગળો ડ્રોપ બોક્સમાં મૂકવા વિનંતિ
અમદાવાદની સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ દ્વારા વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતાં તકેદારી રાખવા માટે કેટલાંક મહત્વપૂર્ણ સૂચનો કરવામાં આવ્યાં છે. જેમાં પક્ષકારોને અનિવાર્ય સંજોગો સિવાય કોર્ટમાં ન આવવાનું કહેવામાં આવ્યું છે. એની સાથે સાથે પક્ષકારો અને વકીલોને કેસને લગતા દસ્તાવેજો-કાગળો ડ્રોપ બોક્સમાં મૂકવા માટે વિનંતિ કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે, મહામારીને કારણે આ પહેલા 17 મહિના સુધી હાઇકોર્ટમાં વર્ચ્યુઅલ હિયરિંગ ચાલ્યું હતું. ત્યાર બાદ 17 ઓગસ્ટથી ફિઝિકલ હિયરિંગ શરૂ કરવામાં આવ્યું હતું.

કોઈ વકીલની ગેરહાજરીમાં કેસ ન ચલાવવા
આ મામલે અમદાવાદ બાર એસોસિએશન તથા સ્મોલ કોર્ટ બાર એસોસિએશન તરફથી વકીલોને વર્તમાન પરિસ્થિતિને લઈને માહિતગાર કરવામાં આવ્યા છે. શહેરમાં 24 કલાકમાં કોરોનાના કેસ બમણા થઈ રહ્યા છે તેમજ માઈક્રો કન્ટેઇન્મેન્ટ ઝોનમાં પણ કૂદકે ને ભૂસકે વધારો થઈ રહ્યો છે. કોર્ટ પરિસરમાં લોકોની અવરજવર પણ વધી રહી છે. એ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે, જેથી 20 જાન્યુઆરી સુધી બંને પક્ષકારો અને વકીલની સંમતિથી જ કેસ ચલાવવા, કોઈ વકીલની ગેરહાજરીમાં કેસ ન ચલાવવા અને એકતરફી આદેશો ન કરાવવા માટે સૂચના અપાઈ છે. આ ઉપરાંત સાક્ષીને કોર્ટમાં બોલાવવા આગ્રહ ન રાખવા માટે કહેવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...