અમદાવાદના જાહેર રસ્તા ઉપર દબાણ અને ગેરકાયદેસર બાંધકામો મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની રહેમ નજર હેઠળ થઈ જાય છે. ત્યારે હવે એસ્ટેટ વિભાગની કામગીરીને કડક કરવા માટે થઈને મ્યુનિસિપલ કમિશનર એમ. થેંન્નારેસનને એસ્ટેટ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ માટે કડક આદેશ કર્યા છે. હવેથી એસ્ટેટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ સવારે સાત વાગ્યાથી નવ વાગ્યા સુધી બે કલાક વોર્ડમાં અને ઝોનમાં રાઉન્ડ લેવાનો રહેશે. ડે. એસ્ટેટ ઓફીસર તેમજ ડે. નગર વિકાસ અધિકારીઓએ સમગ્ર ઝોનમા રાઉન્ડ લઈને તેઓને ઝોનમા ધ્યાને આવેલી ખામીઓ જેવી કે જાહેર રસ્તા તથા ફુટપાથ ઉપરના દબાણો, બિન કાયદેસરના તથા ગેરકાયદેસર બાંધકામો દૂર કરાવવાના રહેશે.
બાંધકામ પરવાનગી અનુસાર થાય તે જોવાનુ રહેશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અપાયેલી રજાચિઠ્ઠી (બાંધકામ પરવાનગી) વાળા ચાલુ બાંધકામો પણ બાંધકામ પરવાનગી અનુસાર થાય તે જોવાનુ રહેશે. ખાનગી તથા જાહેર બાંધકામોના રોડ ઉપર રોડા, પથ્થરો, ઈંટો, ભંગાર જાહેર માર્ગો ઉપર ન આવે તે અચૂક જોવાનુ રહેશે. જે અંગે ચેકીંગ કરીને જાતે ફરિયાદ નોંધીને તેને દૂર કરાવવાનો રહેશે. આસી ટી.ડી.ઓફિસર, આસી. એસ્ટેટ ઓફીસર, ઈન્સ્પેકટર, તથા સબ ઈન્સ્પેકટર કક્ષાના અધિકારી તેમજ કર્મચારીઓએ તેમના વોર્ડ અને વિભાગમા સવારના સમયે રાઉન્ડ લઈ જે પણ દબાણો દેખાય તેને દૂર કરવા અંગેની કામગીરીનો રીપોર્ટ જે તે ઝોનના ડે.એસ્ટેટ ઓફીસર, ડે.નગર વિકાસ અધિકારી મારફતે ઝોનના ડે. મ્યુનિસિપલ કમિશનરને કરવાનો રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.