શું આ વખતે મહિલાઓનો 'સાથ' નહીં?:ગૃહિણીઓના બજેટ પર પડેલી 'ખાપ'ની મતદાન પર અસર ? 83 સીટ પર ઓછું મતદાન, આ 6 સીટ પર મહિલાઓનું બમ્પર વોટિંગ

અમદાવાદ2 મહિનો પહેલા
  • માત્ર 6 સીટ પર ગત ચૂંટણી કરતાં વધુ મતદાન
  • માત્ર 6 સીટ પર જ પુરુષોથી વધુ મતદાન

ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પ્રથમ તબક્કાનું સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. ત્યારે આ ચૂંટણીમાં નિર્ણાયક ભૂમિકામાં રહેલી મહિલાઓના મતદાન અંગે જાણવું પણ જરૂરી છે. ગૃહિણીઓના બજેટ પર પડેલી 'ખાપ'ની મતદાન પર અસર જોવા મળી હોય એવું લાગી રહ્યું છે. આ વખતે 89 બેઠકમાંથી 6 બેઠકમાં પુરુષ કરતાં મહિલાઓએ દમદાર વોટિંગ કર્યું છે. ગત 2017ની ચૂંટણી કરતાં આ વખતે મહિલાઓનું જિલ્લા પ્રમાણે સરેરાશ મતદાન 3.24 ટકા ઓછું નોંધાયું છે, જ્યારે એક જિલ્લાને બાદ કરતાં તમામ જિલ્લામાં મહિલાઓના મતદાનમાં ઘટાડો નોંધાયો છે. આ સાથે જ 2017ની સરખામણીએ 83 બેઠક પર મહિલાઓના મતદાનમાં ઘટાડો નોંધાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે પુરૂષોથી પણ 5 ટકા ઓછું મતદાન નોંધાયું છે.

ઓછા મતદાન પાછળ મોંઘવારી જવાબદાર?
ગુજરાત વિધાનસભા-2022ના પ્રથમ તબક્કાની 1 ડિસેમ્બરના રોજ મતદાન પૂર્ણ થયું છે. પ્રથમ તબક્કાની 89 બેઠકમાં થયેલા મતદાનના રાજ્ય ચૂંટણીપંચ તરફથી સત્તાવાર આંકડા જાહેર કરવામાં આવ્યા છે. એમાં ચોંકાવનારી વિગત તો એ જોવા મળી છે કે આ 89 બેઠકમાંથી 6 બેઠક પર પુરુષ કરતાં મહિલાઓએ વધુ મતદાન કર્યું છે. આ સાથે જ 2017ની સરખામણીએ માત્ર 6 સીટ પર મહિલાઓના મતદાનમાં વધારો થયો છે, જ્યારે 83 સીટ પર 3 ટકા જેટલો ઘટાડો થયો છે. આમ, પુરુષો કરતાં મહિલાઓના થયેલા મતદાન પાછળ મોંઘવારી જવાબદાર છે કે પછી બીજું એ તો પરિણામ જાહેર થયાં પછી જ સ્પષ્ટ થશે.

જિલ્લા પ્રમાણે મહિલાઓનું મતદાન

જિલ્લો2017(ટકાવારી)2022(ટકાવારી)
કચ્છ62.3457.79
સુરેન્દ્રનગર61.2158.79
મોરબી69.8465.94
રાજકોટ63.1556.12
જામનગર59.8955.59
દ્વારકા53.5356.64
પોરબંદર57.4555.11
જૂનાગઢ57.8455.1
ગીર સોમનાથ67.464.06
અમરેલી57.7453.98
ભાવનગર58.0457.44
બોટાદ58.3653.57
નર્મદા78.6477.08
ભરૂચ71.2465.68
સુરત65.3660.88
તાપી77.1175.18
ડાંગ73.1867.89
નવસારી72.8170.48
વલસાડ72.9569.33
સરેરાશ65.1661.92

આ છ બેઠક પર મહિલાઓનું મતદાન પુરુષોથી વધુ

સુરત જિલ્લાની ઉધના, ચોર્યાસી અને ડાંગ જિલ્લાની ડાંગ તેમજ નવસારી જિલ્લાની જલાલપોર અને વલસાડ જિલ્લાની વલસાડ તેમજ ઉમરગામમાં પુરુષો કરતાં મહિલાઓએ વધુ મતદાન કર્યું છે. આ છ બેઠક પૈકી સુરત જિલ્લાની બે અને વલસાડ જિલ્લાની બે બેઠકનો સમાવેશ થાય છે, જ્યારે ડાંગ જિલ્લાની ડાંગ બેઠક તથા નવસારી જિલ્લાની જલાલપોર બેઠકનો સમાવેશ થાય છે.

આ બેઠકો પર 2017ની સરખામણીએ 2022માં મહિલાઓનું વધુ મતદાન

બેઠક2017(ટકાવારી)2022(ટકાવારી)
લીંબડી58.9859.01
જામજોધપુર6060.47
કેશોદ55.3756.98
ગારિયાધાર51.2656.95
વાંસદા(ST)75.1776.62
ધરમપુર(ST)76.0876.24

દ્વારકા જિલ્લામાં મહિલાઓના મતદાનમાં વધારો

દ્વારકા જિલ્લામાં 2017માં મહિલાઓનું મતદાન 53 ટકા નોંધાયું હતું, જ્યારે આ વખતે 56 ટકા મતદાન નોંધાયું છે. આ સાથે 18 જિલ્લામાં ગત ચૂંટણી કરતાં મહિલાઓનું ઓછું મતદાન નોંધાયું છે, જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની 6 સીટ લીંબડી, જામજોધપુર, કેશોદ, ગારિયાધાર, વાંસદા, ધરમપુર સીટ પર મહિલાઓના મતદાનમાં વધારો નોંધાયો છે.

ચૂંટણીમાં પુરુષ સમોવડી મહિલાઓ પણ નિર્ણાયક
રાજ્ય ચૂંટણીપંચ દ્રારા જાહેર કરવામાં આવેલા મતદાનના આંકડા મુજબ, 89 બેઠકમાં કુલ 1,24,33,362 પુરુષ મતદાર છે. તો 1,15,42,811 મહિલા અને 497 થર્ડ જેન્ડરના મળીને કુલ 2,39,76,670 મતદાર છે. તેમાંથી 81,66,905 પુરુષ તથા 70,11,795 મહિલા મતદાર અને 162 થર્ડ જેન્ડરના મતદારોએ મળીને કુલ 1,51,78,862 મતદારે મતદાન કર્યું હતું. ટકાવારીની દૃષ્ટિએ કુલ 63,31 ટકા મતદાન થયું હતું, પરંતુ આ કુલ 89 બેઠક પૈકી 6 બેઠકમાં પુરુષો કરતાં મહિલા મતદારોએ વધુ મતદાન કર્યું હોવાનું જોવા મળ્યું હતું.

મહિલાઓનું મતદાન ઓછું રહેતાં સમીકરણોમાં ફેરફારની શક્યતા.
મહિલાઓનું મતદાન ઓછું રહેતાં સમીકરણોમાં ફેરફારની શક્યતા.

દાયકાઓથી મહિલાઓનું મતદાન પુરુષોથી ઓછું
ભારતના પુરુષપ્રધાન સમાજમાં મહિલા મતદારો બહુ ઝડપથી મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત કરી રહી છે. જોકે હજુ પણ મહિલાઓનાં મતદાન ઓછું કરવામાં ઘણાં કારણો સામે આવી રહ્યાં છે. મહિલાઓનું મતદાન ઓછું થવાનું એક કારણ એ કે મતદાર તરીકે સ્ત્રીઓની નોંધણી જ પ્રથમ તો ઓછી થાય છે. મતદાર તરીકે નોંધણી થાય એ પછીય ઘરકામ છોડીને સ્ત્રી મતદાન કરવા જાય એવું પણ બને છે. દાયકાઓથી મહિલાઓનું મતદાન 3થી લઈને 6 ટકા જેટલું ઓછું થતું આવ્યું છે. 2022માં પણ મહિલાઓનું મતદાન પુરુષોથી 5 ટકા ઓછું મતદાન થયું છે, જ્યારે 2017થી પણ 3.24 ટકા જેટલું ઓછું મતદાન નોંધાયું છે.

મહિલાઓનું મતદાન વધારવા પ્રયાસો
ચૂંટણીપંચે મહિલાઓ માટે અલગ લાઇન હોય તથા કેટલીક જગ્યાએ સમગ્ર બૂથનું સંચાલન માત્ર મહિલા કર્મચારીઓ કરતી હોય એવા પ્રયોગો પણ કર્યા છે. ચૂંટણીપ્રક્રિયામાં મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત કરવા અને જેન્ડર ઈક્વાલિટી માટેની આયોગની પ્રતિબદ્ધતાને જાળવી રાખવા વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022 દરમિયાન વિધાનસભા મતવિસ્તારદીઠ મહિલા સંચાલિત 7 મતદાન મથકો - સખી મતદાન મથકની રચના કરવામાં આવી છે. રાજ્યમાં આવાં કુલ 1,256 મતદાન મથકોમાં પ્રિસાઈડિંગ ઑફિસર, પોલિંગ ઓફિસર જેવા પોલિંગ સ્ટાફ તરીકે મહિલા અધિકારી/કર્મચારીઓ ફરજ બજાવી રહ્યાં છે.

નીચેની 6 બેઠક પર મહિલાઓનું પુરુષોથી વધુ મતદાન...

ઉધનામાં 54 ટકાથી વધુ મહિલાઓએ મતદાન કર્યું
સુરતની ઉધના બેઠકમાં કુલ 1,56,317 પુરુષ મતદાર છે. એની સામે 84,515 પુરુષે મતદાન કર્યું હતું. મતલબ કે 54.07 ટકા મતદાન થયું હતું. તો મહિલા મતદાર 1,14,352 છે. એમાંથી 64,018 મહિલાઓએ મતદાન કર્યું હતું. ટકાવારીની રીતે જોઈએ તો 55.98 ટકા મતદાન કર્યું હતું. તો થર્ડ જેન્ડરના 17 મતદારો પૈકી 1 જ મતદાર, એટલે કે 5.88 ટકા મતદાન થયું હતું. આમ, સરવાળે આ બેઠક પર 2,70,686 મતદારમાંથી 1,48,534 મતદારોએ મતદાન કર્યું હતું. સરવાળે 54.87 ટકા મતદાન થયું હતું.

ચોર્યાસીમાં પણ 57 ટકાથી વધુ મહિલાઓનું મતદાન
સુરતની ચોર્યાસી બેઠકમાં પણ પુરુષ કરતાં મહિલાઓએ વધુ મતદાન કર્યું હતું, જેમાં કુલ પુરુષ મતદારો 3,21,450માંથી 1,80,861 મતદારોએ મતદાન કર્યું હતું. ટકાની દૃષ્ટિએ 56.26 ટકા પુરુષોએ મતદાન કર્યું હતું. તો 2,45,034 મહિલા મતદારોમાંથી 1,41,222 મહિલાઓએ મતદાન, એટલે કે 57.63 ટકા મતદાન થયું હતું તેમજ થર્ડ જેન્ડરના 27 મતદારો પૈકીના 10 મતદારોએ મતદાન કરીને 37.04 ટકા મતદાન કર્યું હતું. આમ, કુલ 5,66,511 મતદારોમાંથી 3,22,093 મતદારોએ મતદાન કર્યું હતું. સરવાળે 56.26 ટકા મતદાન થયું હતું.

ડાંગમાં પુરુષો સમાન મહિલાઓનું વધુ મતદાન
ડાંગ જિલ્લાની ડાંગ બેઠકમાં પણ આ જ સ્થિતિ સર્જાઈ હતી. એમાં પણ પુરુષ કરતાં મહિલાનું મતદાન વધુ થયું છે. આ બેઠકમાં કુલ પુરુષ મતદારો 96,916 છે. એમાંથી 64,728 પુરુષે મતદાન કર્યું હતું. ટકાની દૃષ્ટિએ 66.79 ટકા મતદાન કર્યું હતું. તેની સામે કુલ મહિલા મતદારો 96410માંથી 65,448 મતદાન કર્યું હતું. ટકાવારીની દૃષ્ટિએ 67.89 ટકા મતદાન કર્યું હતું. તો થર્ડ જેન્ડરના 2માંથી એક પણ મતદારે મતદાન કર્યું નહોતું, જેથી તેમનું જીરો ટકા મતદાન થયું હતું. સરવાળે કુલ 1,93,328 મતદારો પૈકી 1,30,176 મતદારો મતદાન કર્યું, 67.33 ટકા મતદાન થયું.

જલાલપોરમાં 68 ટકા મહિલાઓનું મતદાન
નવસારી જિલ્લાની જલાલપોર બેઠકમાં કુલ પુરુષ મતદારો 1,20,189 છે. તેમાંથી 79,365 મતદારોએ મતદાન કર્યું હતું, જેથી 66.03 ટકા પુરુષોએ મતદાન કર્યું હતું. એની સામે 1,16,003 મહિલા મતદારોમાંથી 78,893 મહિલાઓએ મતદાન કર્યું હતું. ટકાની રીતે જોઇએ તો 68.01 મહિલાઓએ મતદાન કર્યું હતું અને 8 થર્ડ જેન્ડરમાંથી 5 જણે મતદાન કર્યું હતું, એટલે 62.50 ટકા મતદાન કર્યું હતું. આમ, સરવાળે કુલ 2,36,200 મતદારો પૈકી 1,58,263 મતદારોએ મતદાન કરીને કુલ મતદાન 67 ટકા થયું હતું.

વલસાડમાં 66 ટકા મહિલાઓનું મતદાન
વલસાડ જિલ્લાની વલસાડ બેઠકમાં પણ કાંઇક આવું જ થયું છે. પુરુષો કરતાં મહિલાઓએ વધુ મતદાન કર્યું છે. તેમાં કુલ 1,33,505 પુરુષ મતદારોમાંથી 87,839 પુરુષોએ મતદાન કર્યું હતું. ટકાની દ્દષ્ટિએ 65.79 ટકાએ મતદાન કર્યું હતું, જ્યારે 1,30,937 મહિલા મતદારો પૈકી 87,034 મહિલાઓએ મતદાન કર્યું હતું. ટકાવારીની રીતે 66.47 ટકા મહિલાઓએ મતદાન કર્યું હતું, જ્યારે થર્ડ જેન્ડરના બંને મતદારો મતદાન કરીને 100 ટકા મતદાન કર્યું હતું. આમ, સરવાળે 2,64,444 મતદારો પૈકી 1,74,875 મતદારોએ મતદાન કરીને કુલ 66.13 ટકા મતદાન કર્યું હતું.

ઉમરગામમાં 63 ટકા મહિલાઓનું મતદાન
વલસાડની જ ઉમરગામ બેઠકની સ્થિતિ પણ આ જ પ્રકારની રહી હતી. ત્યાં કુલ 1,52, 264 પુરુષ મતદારોમાંથી 88,226 મતદારો મતદાન કરીને 57.94 ટકા મતદાન કર્યું હતું. એની સામે 1,33,755 મહિલા મતદારોમાંથી 84,614 મહિલાઓએ મતદાન કર્યું હતું. આમ, 63.26 ટકા મહિલાઓનું મતદાન થયું હતું, જ્યારે થર્ડ જેન્ડરના 3 મતદારો પૈકી 2 જણાએ મતદાન કરીને 66.67 ટકા મતદાન કર્યું હતું. સરવાળે કુલ 2,86,022 મતદારો પૈકી 1,72, 842 મતદારોએ મતદાન કર્યું હતું. સરેરાશ 60.43 ટકા મતદાન થયું હતું.

અન્ય સમાચારો પણ છે...