એક્સક્લૂઝિવ:કન્ટેન્ટમેન્ટ ઝોનમાં ફરજ પર રહેલા ગુજરાત પોલીસના પહેલા કોરોના પેશન્ટ, ફેમિલીને એમ જ હતું કે કદાચ આ હવે પાછો નહીં આવે

અમદાવાદએક વર્ષ પહેલાલેખક: આનંદ મોદી
  • અમદાવાદના કાલુપુર પોલીસ સ્ટે.ના કોન્સ્ટેબલ સંદીપ પરમાર 13 એપ્રિલે સંક્રમિત થયા હતા
  • કોરોના થયો હોવાના સમાચાર મળતાં ઘરમાં રોકકળ ચાલુ થઈ ગઈ હતીઃ કોન્સ્ટેબલનાં માતા

ગુજરાતમાં 19 માર્ચે કોરોનાનો પહેલો કેસ નોંધાવાને એક વર્ષ થઈ ગયું છે. કોરોનાને કારણે સમગ્ર દેશમાં 25 માર્ચથી 31 મે સુધી લોકડાઉન રાખવામાં આવ્યું હતું. 67 દિવસના લોકડાઉન દરમિયાન આરોગ્યકર્મચારીઓની સાથે સાથે પોલીસ જવાનો પણ 24 કલાક ખડેપગે રહ્યા હતા. મહામારી વચ્ચે પોલીસકર્મીઓએ કાયદો-વ્યવસ્થાનું પાલન કરાવવાની સાથે અનેક લોકોને જમવાનું આપવાથી લઈ વતન પહોંચાડવામાં મદદ કરી હતી, પરંતુ ફરજ દરમિયાન અનેક પોલીસકર્મચારીઓ સંક્રમિત થયા હતા. કોરોનાના એક વર્ષ નિમિત્તે આજે તમને વાત ગુજરાતના સૌપ્રથમ સંક્રમિત થનારા પોલીસકર્મી સંદીપ પરમારની જણાવીએ.

પરિવારને એમ હતું કે કદાચ આ હવે પાછો નહીં આવે
સમગ્ર ગુજરાત જ્યારે કોરોનાને કારણે લોકડાઉનમાં બંધ હતું અને લોકો પરિવાર સાથે ઘરમાં બંધ હતા ત્યારે એવા પણ લોકો હતા જે પોતાના અને પોતાના પરિવારના જીવની પરવા કર્યા વિના કન્ટેન્ટમેન્ટ ઝોનમાં કામ કરતા હતા. સમગ્ર ગુજરાતના પોલીસ વિભાગમાં અમદાવાદનો પોલીસ કોન્સ્ટેબલ સંદીપ પરમાર સૌ પહેલા કોરોના સંક્રમિત થયો હતો. એ સમયે કન્ટેન્ટમેન્ટ ઝોનમાં ફરજ બજાવી રહેલા સંદીપનો 13 એપ્રિલ 2020ના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સંદીપ પરમારના જણાવ્યા મુજબ, કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં પરિવારજનોમાં ડર પેસી ગયો હતો અને તેમને એમ હતું કે કદાચ આ હવે પાછો નહીં આવે.

કોરોના થયા બાદ સંદીપને ડર લાગવા માંડ્યો અને ભવિષ્યની ચિંતા થવા લાગી. આ સમગ્ર તકલીફોને પાર કરીને ફરી તેઓ આજે ખડેપગે ફરજ નિભાવી રહ્યા છે. કોરોના સમયે પોતાના બાળકને સ્પર્શ ના કરી શકનાર હવે એ બાળક સાથે રમે છે અને તેઓ નોર્મલ જીવન જીવી રહ્યા છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં કોરોનાની 1લી પેશન્ટ રીટાએ કહ્યું, એ 14 દિવસ હું ક્યારેય નહીં ભૂલું, એક તરફ એકલતા અને બીજી તરફ મોત આપતી બીમારી

SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા
અમદાવાદના કાલુપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા સંદીપ પરમાર ફરજ દરમિયાન સંક્રમિત થયા હોવાના સમાચાર સાંભળીને પોલીસ વિભાગમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. સંદીપ પરમાર કોરોના પોઝિટિવ આવતાં તેમને SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમના પરિવાર તથા તેઓ જેમના સંપર્કમાં આવ્યા હોય તે તમામ લોકોનું લિસ્ટ બનાવીને તમામને ક્વોરન્ટીન કરવામાં આવ્યા હતા.16 દિવસની સારવાર બાદ સંદીપ પરમાર કોરોનાને હરાવી ઘરે પરત ફર્યા હતા.

પોલીસમાં પોઝિટિવ આવનાર સૌપ્રથમ હોવાથી ડર લાગતો હતો
સંદીપ પરમારે પોતાને લાગેલા કોરોના સંક્રમણના અનુભવ અંગે DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાત પોલીસમાં તેઓ સૌપ્રથમ પોઝિટિવ આવ્યા હોવાથી ડર લાગતો હતો. પરિવારને જાણ થઈ ત્યારે પરિવારના સભ્યો દુઃખી હતા અને રિકવરી થશે એવી આશા પણ છોડી દીધી હતી. હોસ્પિટલમાં દાખલ કર્યા ત્યારે સૌથી વધારે સાજા થવા કરતા પરિવારની વધુ ચિંતા રહેતી હતી, કારણ કે પરિવારમાં 2 વર્ષનો દીકરો, પત્ની, માતા- પિતા, ભાઈ,બહેન હતાં. જ્યારે હું ઘરમાં સૌથી મોટો દીકરો હતો, જેથી પરિવારનું ગુજરાન ચલાવવા અને સારસંભાળ રાખવાની જવાબદારી મારા પર હતી. કોરોનાને કારણે શરૂઆતમાં રિકવરી ઓછી થતી અને મોત વધુ થતાં હોવાથી ખૂબ ડર લાગતો હતો.

પોઝિટિવ એનર્જી આપવા સાથી પોલીસકર્મીઓ સતત ફોન કરતા
સંદીપ પરમાર આગળ કહે છે, પોલીસ વિભાગનો પણ સહકાર સારો મળ્યો હતો. પોલીસ કમિશનર, ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ, સ્થાનિક PI અને સાથી પોલીસકર્મીઓ નિયમિત ફોન કરતા હતા, જેથી પોઝિટિવ એનર્જી મળતી હતી. પોલીસ દ્વારા પરિવારનું પણ ધ્યાન રાખવામાં આવતું હતું. પરિવાર ક્વોરન્ટીન હતો ત્યારે જીવનજરૂરિયાતની વસ્તુઓ અને અન્ય સગવડો પણ પોલીસ વિભાગ દ્વારા પૂરી પાડવામાં આવી હતી. નિયમિત આરામ અને દવા લીધા બાદ 16 દિવસે ઘરે પરત ફર્યો હતો.

આ પણ વાંચોઃ ગુજરાતમાં કોરોનાના 1લા પેશન્ટ નદીમે કહ્યું, 'આ તો જેને થાય તેને જ ખબર પડે, 3 મહિના ઘરની ચાર દિવાલમાં રહ્યો, સાજો થતાં જ પુત્રને પેટ પર બેસાડ્યો'

માસ્ક વિના ઘર બહાર જતા નથી
16 દિવસની સારવાર બાદ જ્યારે ઘરે પરત ફર્યો ત્યારે પરિવાર અને આસપાસના લોકોએ ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું હતું.પોલીસ સ્ટેશનમાં ફૂલહાર પહેરાવીને સ્વાગત કરાયું હતું. કોરોનાને કારણે જિંદગી બદલાઈ ગઈ છે. અગાઉ નોકરીથી આવીને સીધા દીકરાને બાથમાં લઇ લેતો હતો. હવે નોકરીએથી ઘરે આવ્યા બાદ પહેલા બાથરૂમમાં જઈને કપડાં પલાળીને નાહવા જાઉં છું અને બાદમાં ઘરમાં પ્રવેશું છું. હાથ પણ નિયમિત સેનિટાઇઝ કરું છે. ઘરની બહાર માસ્ક વિના જતો નથી. ખાવાપીવામાં પણ ખૂબ ધ્યાન રાખું છું. બહારનું ખાવાપીવાનું ટાળું છે. કોરોના વખતે જે સાવધાની રાખતો હતો એમાંથી 50 ટકા અત્યારે પણ રાખું જ છું.

લોકો પણ કહેતા કે બહાર ના આવતાઃ કોન્સ્ટેબલનાં માતા
જ્યારે પોલીસકર્મી સંદીપનાં માતા નયનાબેન જણાવ્યું હતું કે તેઓ બપોરે ઘરે સૂતાં હતાં અને અચાનક જ પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો કે તમારા દીકરાને કોરોના પોઝિટિવ છે, ત્યારે પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ઘરમાં રોકકળ ચાલુ થઈ ગઈ હતી. કોર્પોરેશન અને હોસ્પિટલના માણસો આવી ગયા હતા અને ઘર ક્વોરન્ટીન કર્યું હતું. આસપાસના લોકો પણ કહેતા કે બહાર ના આવતા. સંદીપને 108માં હોસ્પિટલ લઈ ગયા અને 16 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યા.ઘરે પરત આવ્યા ત્યારે ખુશીનો પાર નહોતો અને ભવ્ય સ્વાગત કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...