મોંઘવારી વચ્ચે મોંઘી મીઠાઈની બોલબાલા:અમદાવાદમાં બની રૂ.25000ની એક કિલો મીઠાઈ, જેમા રૂ.6 હજારના કિલોવાળા તો નૌજા ડ્રાયફ્રૂટ્સ વપરાયા, રૂ.10 લાખની મીઠાઈ વેચાઈ

અમદાવાદએક મહિનો પહેલાલેખક: અનિરુદ્ધસિંહ મકવાણા
  • ગોલ્ડન પિસ્તાં બોલ અને ગોલ્ડન પિસ્તાં ડિલાઇટનો ભાવ પ્રતિ કિલો રૂ.25 હજાર
  • એક ગોલ્ડન પિસ્તાં નોજા ડિલાઇટનું વજન અંદાજે 20 ગ્રામ

દિવાળીના તહેવારમાં મીઠાઈના ભાવોમાં આ વર્ષે 10થી 15 ટકા જેટલો વધારો થયો હોવા છતાં લોકો મીઠાઈ ખરીદી રહ્યા છે. મીઠાઈના ભાવો ગમે તેટલા હોય પરંતુ અમદાવાદીઓ મીઠાઈની મજા માણવા હવે રૂ. 25000 પ્રતિ કિલો ભાવની મીઠાઈ પણ ખરીદી રહ્યા છે. અમદાવાદના સિંધુ ભવન રોડ પર આવેલી ગ્વાલિયા સ્વીટ્સ દ્વારા આ વર્ષે રૂ. 25 હજાર પ્રતિકિલોના ભાવની ગોલ્ડન પિસ્તાં બોલ અને ગોલ્ડન પિસ્તાં ડિલાઇટ નામની મીઠાઇ બનાવી છે. આ બંને મીઠાઈનું 40 કિલો બુકિંગ અને વેચાણ થઇ ગયું છે. આમ 10 લાખ રૂપિયાની મીઠાઈનું વેચાણ થઈ ગયું છે.

આ મીઠાઈ ઉપર ગોલ્ડન વરખ તો છે જ સાથે તેમાં નૌજા ડ્રાયફ્રૂટસ ( 4થી 6 હજાર પ્રતિ કિલો) અને મામરા બદામનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કાળઝાળ મોંઘવારી વચ્ચે પણ લોકો આ મીઠાઈ ખરીદી રહ્યા છે.

ખાસ ટર્કીથી શેફને બોલાવવામાં આવ્યા હતા
આ ઉપરાંત આ મીઠાઇને રાખવા માટે ખાસ પ્રકારનું જ્વેલરી બોકસ બનાવવામાં આવ્યું છે. આ મીઠાઇ બનાવવા માટે ખાસ ટર્કીથી શેફને બોલાવવામાં આવ્યા હતા. આ મીઠાઇને બનાવવા માટે દુનિયાનું સૌથી મોંઘા ડ્રાયફ્રૂટ નૌજાનો ઉપયોગ કરવામાં આવે છે.

ડાબેથી ગોલ્ડન પિસ્તાં બોલ અને ગોલ્ડન ડિલાઇટ
ડાબેથી ગોલ્ડન પિસ્તાં બોલ અને ગોલ્ડન ડિલાઇટ

ગોલ્ડન પિસ્તા બોલમાં મામરા બદામનો સ્વાદ આવશે
ગ્વાલિયા સ્વીટ્સના ડાયરેક્ટર જય શર્માએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ વર્ષે ગોલ્ડન પિસ્તાં નૌજા ડિલાઇટ તેમજ ગોલ્ડન પિસ્તા બોલ નામની મીઠાઈ બનાવવામાં આવી છે, જેમાં ગોલ્ડન વરખનો ઉપયોગ કરવામાં આવ્યો છ. 24 કેરેટ ગોલ્ડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મોંઘી ડ્રાયફ્રૂટ એવા મામરા બદામનો ઉપયોગ ગોલ્ડન પિસ્તા બોલમાં કરવામાં આવી છે. જ્યારે ગોલ્ડન પિસ્તા ડીલાઈટમાં પિસ્તા, નોજા કેસર વગેરેનો ઉપયોગ કરી બનાવવામાં આવી છે.

ઇરાન, ઇરાક અને અફઘાનિસ્તાનથી આવે છે નૌજા ડ્રાયફ્રૂટ
રૂ. 25 હજાર પ્રતિકિલોની આ બંને મીઠાઈનું 40 કિલો બુકિંગ અને વેચાણ થઇ ગયું છે. આ મીઠાઈ બનાવવા માટે ઉપયોગી એવા નૌજા ડ્રાયફ્રૂટ ઇરાન, ઇરાક, કાબુલ અને અફઘાનિસ્તાનથી આવે છે. જેનો પ્રતિકિલો ભાવ રૂ. 6 હજાર હોય છે. એક ગોલ્ડન પિસ્તાં નોજા ડિલાઇટનું વજન અંદાજે 20 ગ્રામ હોય છે. આ મીઠાઇ આટલી મોંઘી હોવા છતાં તેની માગ પણ સારી હોવાથી તેનુ વેચાણ થઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...