નવરંગપુરાની શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગમાં 8 દર્દીના કરુણ મોત નીપજ્યાં છે. આ દુર્ઘટનામાં નવરંગપુરામાં જ રહેતા લીલાવતીબેન શાહનું પણ મૃત્યુ છે. તેમનો 12 દિવસ પહેલાં જ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને સારવાર માટે SMS હોસ્પિટલ બાદ શ્રેય હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. 11 દિવસથી તેઓ ICUમાં સારવાર લઇ રહ્યાં હતાં. મૃતકનાં પરિવારજનોએ જણાવ્યું હતું કે, રાત્રે 10 વાગ્યાની આસપાસ વીડિયોકોલ પર લીલાવતીબેને પુત્ર રાજુભાઈ સાથે વાત કરી હતી. રાજુભાઈને લીલાવતીબેને કહ્યું હતું કે, મારે ઘરે આવવું છે, ક્યારે આવવાનું છે ?, ત્યારે પુત્રએ કહ્યું હતું કે, કાલે તમને પહેલાં માળે વોર્ડમાં શિફ્ટ કરશે અને પછી રજા આપવામાં આવશે. પરંતુ રાતે જ આવી ઘટના બની હતી અને કમનસીબે તેમનું મૃત્યુ થયું હતું.
ત્રણ દિવસ પહેલાં જ પતિને રજા અપાઈ હતી
લીલાવતીબેનને હોસ્પિટલમાં દાખલ કરાયા તેના પહેલાં જ તેમના પતિ ચંદ્રકાંત શાહને શ્રેય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્રણ દિવસ પૂર્વે જ તેમને રજા આપવામાં આવી હતી. તેમણે 6.50 લાખ રૂપિયા જેટલી રકમ પણ ભરી હતી. મૃતકના દૌહિત્રી પ્રિયાંશી શેઠે કહ્યું હતું કે અમને સવારે મીડિયા મારફતે જાણ થઇ હતી. અમે અહી આવ્યા પછી ખબર પડી હતી. નાનાને પણ અમે અહીં જ દાખલ કર્યા હતા, તેઓને હોસ્પિટલમાં અછૂત હોય તેવું વર્તન કરતા અને સારી રીતે ન રાખતા તેઓને પણ ઘરે આવવું છે તેમ કહેતા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.