તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કુલપતિ-ઉપકુલપતિ ગાયબ!:કુલપતિ ફોરેન્સિક ડીપાર્ટમેન્ટમાંથી ગુજરાત યુનિ.નું સંચાલન કરે છે, ઉપકુલપતિ પણ ભાગ્યે જ દેખાય છે, લોકો ધક્કો ખાઈને પાછા ફરે છે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુજરાત યુનિ.ની ફાઈલ તસવીર - Divya Bhaskar
ગુજરાત યુનિ.ની ફાઈલ તસવીર
  • વિદ્યાર્થીઓ, વિદ્યાર્થી સંગઠન કે કોઈ રજૂઆત કરવા આવે ત્યારે કુલપતિ કે ઉપકુલપતિ મળતા પણ નથી
  • કોઈ અંગત કે નજીકના વ્યક્તિ મળવા કે પછી રજૂઆત લઈને આવે ત્યારે કુલપતિ હાજર રહે છે

ગુજરાત યુનિવર્સિટીમાં હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. યુનિવર્સિટીમાં કોઈને કોઈ રજૂઆત કે પ્રશ્ન લઈને વિદ્યાર્થીઓ, વિદ્યાર્થી સંગઠન, વાલી કે અન્ય લોકો આવતા હોય છે. દરેક વ્યક્તિ એક આશા સાથે યુનિવર્સીટી આવે છે, પરંતુ અહીં આવીને જયારે યુનિવર્સિટીના કુલપતિ કે ઉપકુલપતિને મળવા કે રજૂઆત કરવા પ્રયત્ન કરે ત્યારે બંને હોદ્દેદારો કોઈને મળતા નથી કે કોઈને ફોન પર પણ જવાબ આપતા નથી.

કુલપતિની યુનિ. ઓફિસમાં ગેરહાજરી
યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યા અને ઉપકુલપતિ જગદીશ ભાવસારના માથે મોટી જવાબદારી છે. બંને હોદ્દેદારો યુનિવર્સિટી સાથે જોડાયેલ વિદ્યાર્થીઓ, વાલીઓ, વિદ્યાર્થી સંગઠન કે અન્ય લોકોના પ્રશ્નને વાચા આપવા જવાબદાર છે. યુનિવર્સિટીમાં નવું સત્ર શરુ થશે અને હવે નવા એડમીશન પણ શરુ કરવામાં આવશે તથા ચાલુ વર્ષની અનેક રજૂઆત માટે રોજબરોજ અનેક લોકો યુનિવર્સિટી આવતા હોય છે. ત્યારે યુનિવર્સિટી પહોંચ્યા બાદ નીચેથી સિક્યુરીટી દ્વારા જ બંને હોદેદાર ના હોવાનું જણાવી દેવામાં આવે છે.

કુલપતિ હિમાંશુ પંડ્યાની ફાઈલ તસવીર
કુલપતિ હિમાંશુ પંડ્યાની ફાઈલ તસવીર

માત્ર અંગત કે નજીકના વ્યક્તિને મળવા હાજર રહે છે
હકીકતમાં કુલપતિ મોટા ભાગે ડીપાર્ટમેન્ટ ઓફ બાયો કેમેસ્ટ્રી એન્ડ ફોરેન્સિક સાયન્સમાં હાજર હોય છે. હિમાંશુ પંડ્યા આ ડીપાર્ટમેન્ટના HOD તરીકે પણ જવાબદારી સંભાળે છે. પરંતુ ત્યાં જરૂરિયાત કરતા વધુ સમય રહીને ત્યાંથી જ બેઠા બેઠા ગુજરાત યુનિવર્સિટીનું સંચાલન કરી રહ્યા છે. જયારે કોઈ અંગત કે નજીકના વ્યક્તિ મળવા કે પછી રજૂઆત લઈને આવે ત્યારે કુલપતિ હાજર રહે છે નહીં તો બાકીના સમયમાં ફોરેન્સિક ડીપાર્ટમેન્ટમાં જ હાજરી આપે છે જેથી એ પણ પ્રશ્ન થાય છે કે કુલપતિ માત્ર ફોરેન્સિક ડીપાર્ટમેન્ટના જ છે કે પછી ગુજરાત યુનિવર્સીટીના?

ઉપકુલપતિ પણ ચેમ્બરમાં ભાગ્યે જ જોવા મળે છે
ઉપકુલપતિ જગદીશ ભાવસાર પણ આ સ્થિતિમાં જ છે. યુનિવર્સિટી ટાવરમાં આવેલ પોતાની ચેમ્બરમાં તેઓ પણ ક્યારેક જ જોવા મળે છે. અગાઉ ભાજપના હોદેદાર રહી ચુકેલા ઉપકુલપતિ જગદીશ ભાવસાર પણ કુલપતિની જેમ જયારે કોઈ રજૂઆત કરવા આવે ત્યારે હાજર રહેતા નથી. મોટા ભાગની જવાબદારી પણ રજીસ્ટ્રારને સોંપી દેવામાં આવી છે. જયારે કોઈ ફોન પર વાત કરવાનો કે રજૂઆત કરવાનો પ્રયત્ન કરે તો ફોન પર પણ જવાબ આપવા સમય ફાળવતા નથી.

NSUIએ કુલુપતિની ગેરહાજરીને લઈને કર્યો આક્ષેપ
NSUIના પ્રવક્તા સુભાન સૈયદે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અત્યારે ફી માફી, પ્રવેશ પ્રક્રિયા, પરીક્ષા, વિદ્યાર્થીઓની મુશ્કેલી સહિતના પ્રશ્ન માટે રજૂઆત કરવા અમે અનેક વખત ગુજરાત યુનિવર્સીટી ગયા છીએ. જ્યાં અમને કુલપતિ કે ઉપકુલપતિને મળવા માંગતા હોઈએ ત્યારે બંનેમાંથી એક પણ હાજર હોતા નથી. પરંતુ ABVPની રજૂઆત કે સેનેટ સભ્યોનો કાર્યક્રમ હોય ત્યારે બંને હોદ્દેદારો અચૂકથી હાજર રહે છે.