શહેરના અલગ-અલગ ત્રણ વિસ્તારમાં અકસ્માત થતાં ત્રણ લોકોના મોત નીપજ્યાં હતાં, જેમાં ઠક્કરબાપાનગરમાં બાઈકચાલકે ટક્કર મારતા રિક્ષાચાલકે અચાનક બ્રેક મારતાં રિક્ષામાં બેઠેલા પુરુષનું માથુ સ્ટિયરિંગ પર પટકાતાં મોત થયું હતું. બીજી ઘટનામાં ખોખરામાં બહેનને સ્કૂલે મૂકીને ઘરે જઈ રહેલા યુવકને કારચાલકે અડફેટે લેતાં તેનું મોત થયું હતું, જ્યારે ત્રીજી એક ઘટનામાં રાતે ઘરે જઇ રહેલા રિક્ષાચાલકને કારચાલકે ટક્કર મારતા મોત થયું હતું. આ મામલે ટ્રાફિક પોલીસે ત્રણેય ફરાર આરોપીને પકડવા તપાસ આદરી છે.
બાઇક-રિક્ષાના અકસ્માતમાં પુરુષનું મોત
ઘટના 1: ઓઢવમાં રહેતો મુકેશ યાદવ સસરા અચ્છેલાલ અને સાળા સાથે રિક્ષામાં ઘરે જઈ રહ્યો હતો, ત્યારે બાઈકચાલકે સાથે રિક્ષા અથડાતાં રિક્ષાચાલકે અચાનક બ્રેક મારતા અચ્છેલાલનું માથું સ્ટિયરિંગ પર પટકાયું હતું, જેમાં ગંભીર ઇજા થતા તેમને હોસ્પિટલ લઇ જતાં રસ્તાામાં તેમનું મોત નીપજ્યું હતું.
ઘટના 2: રખિયાલમાં રહેતા કાંતિલાલ ખરાદીનો ભત્રીજો રજનીકાંત બહેન પલ્સીને સ્કૂલે મૂકીને આવતો હતો ત્યારે કારચાલકે અડફેટે લેતા તે હવામાં 5 ફૂટ જેટલો ફંગોળાઇને પટકાયો હતો. હોસ્પિટલમાં ડોક્ટરે રજનીકાંતને મૃત જાહેર કર્યો હતો.
ઘટના 3: ઘોડાસરના જયંતી ચંદેલ રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાત ચલાવે છે. સોમવારે કાંકરિયા મ્યુનિ.શાળા પાસે આઈસરચાલકે તેમની રિક્ષાને અડફેટે લેતાં જયંતીભાઈને ગંભીર ઈજા થઈ હતી. તેથી હોસ્પિટલે લઈ જતા ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.