સોશિયલ મીડિયાના કારણે દેશ જ નહીં, દુનિયાના અજાણ્યા લોકો પણ એકબીજાના સંપર્કમાં આવી રહ્યા છે. એમાં પણ એક રેકેટ એવું ચાલી રહ્યું છે, જેમાં સામેથી કોઈ અજાણી વ્યક્તિ વીડિયો કોલ કરે અને ગલગલિયા કરતી વાતો કરે છે. ત્યાર બાદ વાત કરતાં કરતાં એક પછી એક કપડાં ઉતારવા લાગે છે. આવું થાય એટલે તમે મર્યા સમજો! વીડિયો કોલ કરીને કપડાં ઉતારવાના બનાવમાં પહેલાં પુરુષો શિકાર બનતા હતા, જોકે ચોંકાવનારા આવા બનાવમાં હવે મહિલાઓના પણ આવા કિસ્સા સામે આવ્યા છે. અમદાવાદ સાયબર ક્રાઇમમાં એક ફરિયાદ આવી છે, જેમાં મહિલાએ ફરિયાદ કરી છે કે તેની સામે અન્ય મહિલાએ કપડાં ઉતરાવીને તેનો વીડિયો બનાવી લીધો છે. વાત આટલે જ અટકી ન હતી, પરંતુ પછી પૈસા પડાવવાનો ખેલ શરૂ થયો હતો. દેશમાં છેલ્લા લાંબા સમયથી સેક્સટોર્શનના બનાવ બની રહ્યા છે. અમદાવાદમાં થયેલી અરજી પર પોલીસની તપાસ ચાલી રહી છે અને એક નવું રેકેટ સામે આવી રહ્યું છે.
સેક્સટોર્શન અંગે સાયબર પોલીસ શું કહે છે?
અમદાવાદ સાયબર ક્રાઇમના DCP અજિત રાજિયાણે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે સેક્સટોર્શન કેસમાં મહિલાની સામે મહિલા હોય એવી વિગત અમારી પાસે આવી છે. અમે તપાસ કરી રહ્યા છીએ. હવે આ ગેંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે. અમે લોકોને સમજાવવા માગીએ છીએ કે તમે કોઈપણ અજાણી વ્યક્તિનો વીડિયો કોલ રિસીવ ન કરો. કોઈપણ વાત તમારા ધ્યાન પર આવે તો પોલીસનો સંપર્ક કરો.
કરોડોની ખંડણી આપ્યા બાદ પણ ફરિયાદ કરતા ડરે છે
અનેક કિસ્સાઓમાં એવું સામે આવ્યું છે કે પુરુષોને ફોન કરીને યુવતીઓ ફસાવે છે. આવી રીતે લાખો લોકોને અનેક વીડિયો કોલ થયા છે. કોઈએ લાખો ગુમાવ્યા તો કોઈ કરોડો ગુમાવે છે, પરંતુ સમાજમાં આબરૂ જશે એવી ચિંતામાં સેક્સમાં રુચિ દર્શાવતા લોકો ટાર્ગેટ બનતાં એક ક્ષણ પણ લાગતી નથી. સેક્સટોર્શનનો શિકાર બનેલા લોકોએ આવા સાયબર ઠગને કરોડો રૂપિયા આપ્યા પછી પણ ફરિયાદ કરતા નથી.
સેક્સટોર્શન કરનાર રોબિન હૂડ?
અમદાવાદ શહેરમાં અનેક લોકો એવા છે, જેઓ પોતાના લાખો કરોડો રૂપિયા આ સેક્સના રેકેટમાં આપી ચૂક્યા છે. એ હવે માત્ર અમદાવાદ પૂરતું સીમિત રહ્યું નહીં, પરંતુ આખા ગુજરાતમાં સેક્સ વીડિયો મારફત બ્લેકમેઈલિંગ કરીને કરોડો રૂપિયા ખંખેરવાનું રેકેટ ચાલી રહ્યું છે. આ રૂપિયા પડાવનાર પોતે પોતાના પ્રદેશમાં રોબિન હૂડ બની ગયા છે. તેઓ એક બિઝનેસમેનને પણ શરમાવે એવી લાઈફસ્ટાઈલ જીવી રહ્યા છે. તેમને પકડવા માટે અનેક પ્રયાસો થાય છે, પણ તેમને ત્યાંના લોકોને એ રીતે જકડી રાખ્યા છે કે કોઈપણ વસ્તુની જરૂર હોય તો તેઓ એ પૂરી કરે છે. લોકોને મકાન, રોજગારી, જીવનજરૂરી ચીજવસ્તુ, પ્રસંગોમાં જરૂરિયાતની તમામ વસ્તુઓ આ ભેજાબાજ લોકો આપી રહ્યા છે.
કિસ્સો નંબર -1
અમદાવાદના મોટા ઘરની વહુ રેકેટનો શિકાર બની
અમદાવાદની એક ગર્ભ શ્રીમંત પરિવારની પરિણીતા અમદાવાદ સાયબર ક્રાઇમની ઓફિસે આવી હતી. પ્રથમ દૃષ્ટિએ તેમની સાથે કોઈ આર્થિક ફ્રોડ થયો હોય એવું લાગતાં તેમને અરજી આપવા જણાવ્યું હતું, પરંતુ તેમણે અધિકારી સાથે જ વાત કરશે એવી જીદ કરી હતી. ત્યાર બાદ આ મહિલાનો ભાવ બદલાઈ ગયો હતો અને તે ત્યાંથી જવા લાગી હતા. ત્યારે ત્યાં હાજર એક અધિકારીએ મેડમ શું થયું છે? જણાવો કહેતાં આ મહિલા રડી પડી હતી. કઈ રીતે વાત કરવી અને તેમની સાથે શું થયું એ જણાવવા માટે શું કહેવું એ બાબત તેમને મૂંઝવતી હતી.
અધિકારીએ બાંયધરી આપી કે તમારી જે પણ સમસ્યા હોય એ કહો. અમે તમારી સાથે છીએ. થોડીવાર પછી મહિલા અધિકારી પણ ત્યાં આવ્યાં અને તેમણે વાતચીત કરવાનું શરૂ કર્યું હતું. સાયબર ક્રાઈમ આવેલી આ મહિલા ખૂબ જ મોટા પરિવારની વહુ છે. તેણે જણાવ્યું, પરિવારના બધા લોકો વ્યસ્ત હોવાના કારણે તે મોટા ભાગનો સમય મોબાઇલમાં સોશિયલ મીડિયા મારફત વિતાવતી હતી. થોડા સમય પછી અજાણ્યા લોકો તેમના ફોટો વીડિયો લાઈક કરવા લાગ્યા અને તેમને પણ આ ગમતું હતું. આ દરમિયાન એક યુવતી તેમના પરિચયમાં આવી અને તેમની સાથે મિત્રતા કેળવીને ધીમે ધીમે અંગત વાતો કરવા તરફ આગળ વધી હતી.
ઇન્ટરનેટ પર અનેક સમલૈંગિક સંબંધોનાં ગ્રુપ હતાં, જેમાં તેઓ એકાદ વખત ચેક કરવા માટે ગયાં હતાં. ત્યાર બાદ આ અજાણ યુવતી તેમની સાથે વાતો કરતાં કરતાં સમલૈંગિક વાતો કરવા લાગી હતી. એકલતાના સમયે ગર્ભ શ્રીમંત પરિણીતાને પણ આ વાતો ગમતી હતી અને તે યુવતી સાથે આ બાબતે રિપ્લાય પણ કર્યા હતા, પણ એક દિવસ તેને એટલો બધો વિશ્વાસ થઈ ગયો કે તેણે તેને વીડિયો કોલ કર્યો હતો, સામે એક યુવતી હતી, જે ધીમે ધીમે પોતાનાં કપડાં ઉતારતી ગઈ અને પીડિતાને પણ આમ કરવા માટે કહેતી ગઈ. યુવતીની વાતમાં પરિણીતા આવતી ગઈ અને આમ કરતાં કરતાં ત્રણથી ચાર મિનિટની વાત થઈ અને ફોન સામેથી કટ થઈ ગયો હતો. ત્યાર બાદ આ તમામ અંગત પળના વીડિયો મોટા ઘરની વહુના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આવ્યો હતો, જેમાં તેની પાસે રૂપિયા માગવામાં આવ્યા હતા. શરૂઆતમાં તો તેણે થોડાઘણા રૂપિયા આપી દીધા હતા. ત્યાર બાદ એક બાદ એક અલગ અલગ લોકો પણ પૈસા પડાવવાના સેકસટોર્શનના રેકેટમાં જોડાતા ગયા હતા. હવે પીડિતા પાસે સેક્સટોર્શન કરનારને વધુ રૂપિયા આપવા માટે કોઈ બહાનું બચ્યું ન હતું, જેથી આ ગેંગથી કંટાળીને તે સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરવા પહોંચી હતી.
કિસ્સા નંબર -2
સોશિયલ મીડિયામાં મજા કરવી ભારે પડી!
અમદાવાદની એક યુવતી સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી હતી. એક દિવસ તે સોશિયલ મીડિયા એકાઉન્ટમાં આનંદ માણવા ગઈ અને તે પણ સેક્સટોર્શનના રેકેટમાં ફસાઈ ગઈ છે. આ યુવતી અમદાવાદના પૂર્વ વિસ્તારની છે. તેને કોલેજના સમય બાદ બપોરના સમયે તે રોજ અલગ અલગ અજાણ્યા લોકો સાથે મિત્રતા કરતી હતી. તેમાંથી તેને સમલૈંગિક યુવતી સાથે મિત્રતા થઈ હતી. એક દિવસ તેને પણ નગ્ન વીડિયો મોકલવામાં આવ્યો હતો અને તેની સામે રહેલી યુવતીએ વીડિયો કોલ પર કપડાં ઉતરાવીને તેનો આ પ્રકારનો વીડિયો બનાવી દીધો હતો. પછી સોશિયલ મીડિયામાં મોકલી દીધો અને વીડિયો બતાવીને બ્લેકમેઈલ કરવાનું શરૂ કર્યું હતું. આ પ્રકારે પરેશાન યુવતીએ આ રેકેટનો ભોગ બન્યા બાદ પોતાનો ફોન વાપરવાનું બંધ કરી દીધું હતું. આ વીડિયો તેનાં પરિવારજનોને સોશિયલ મીડિયામાં મોકલવામાં આવ્યો હતો અને બ્લેકમેઇલ કરવામાં આવ્યું હતું.
કઈ રીતે રેકેટ ચાલે છે?
સમગ્ર દેશમાં લોકોને અજાણ્યા નંબરથી વીડિયો કોલ આવે છે. આ વીડિયો કોલ ઉપાડનારને સામેથી યુવતી દેખાય છે. પહેલાંના સમયમાં આ રેકેટમાં સામે યુવતીઓ જ હતી, પરંતુ હવે આ ગેંગના લોકો સામેથી ફોન ઉપાડનારને સ્ક્રીન પર વીડિયો દેખાડે છે. એક એક પ્રકારનો પોર્ન વીડિયો દેખાડવામાં આવે છે, સાથે સાથે જે બાજુમાંથી અવાજ આવે છે એ રેકોર્ડેડ હોય છે. હવે સામે વીડિયો બતાવવાની સાથે સાથે બાજુમાં આ ગેમનો સભ્ય ચેટ કરતો હોય છે, એટલે સામેવાળા ટાર્ગેટને તે લાઈવ છે એવું લાગે છે અને થોડો વીડિયો રેકોર્ડ થઈ ગયા બાદ ફોન કટ થઈ જાય છે.
ક્યાંથી ચાલે છે રેકેટ
સેક્સટોર્શનના કેસમાં અત્યાર સુધીની પોલીસની તપાસમાં અલગ અલગ જગ્યાએ આ રેકેટ ચાલતું હોવાની વાતો આવતી હતી, પરંતુ હવે આ રેકેટ રાજસ્થાનના ભરતપુર અને હરિયાણાના મેવાત નજીકથી ચાલતું હોવાનું સામે આવ્યું હતું. પોલીસની તપાસમાં આવા ગુનેગારોનું કનેક્શન અહીં સુધી પહોંચે છે.
સેક્સટોર્શનમાં ટેક્નોલોજીનો ઉપયોગ
આ સેક્સટોર્શનના રેકેટના કેસમાં હવે ટેક્નોલોજી એ પણ એટલું જ મહત્ત્વનો રોલ નિભાવે છે. શરૂઆતના સમયમાં જે વીડિયો કોલ થતા હતા એમાં ખરેખર યુવતીઓ હતી, પરંતુ હવે રેકોર્ડેડ વીડિયો અલગ અલગ એજની યુવતીઓના બનાવી રાખ્યા છે. ફોન શરૂ થાય એટલે એની જગ્યાએ ફોન મૂકી દેવામાં આવે છે, જેથી સામેવાળી વ્યક્તિને એ જ દૃશ્ય દેખાય. બીજી તરફ ઘણી વખત જેવી રીતે સ્ટુડિયોની અંદર ટેક્નોલોજીમાં પાછળનું દૃશ્ય બદલાય છે એ રીતે અહીં પણ એ રીતનું સેટઅપ કરવામાં આવ્યું હોય છે. આ લોકોની ટીમ પણ ટેક્નોલોજિકલ એટલી સાઉન્ડ છે કે વીડિયો રેકોર્ડ થયા બાદ તરત સામેવાળી વ્યક્તિના કોમન ફ્રેન્ડને આ થતા સ્ક્રીનશોટ અને દરેક વસ્તુ મોકલી દેવામાં આવે છે.
રાજસ્થાન અને હરિયાણાની ગેંગ એક્ટિવ
જેવી રીતે જામતાડા જેવાં ગામોમાં લોકોને આર્થિક રીતે છેતરતી ગેંગો સક્રિય છે. તેવી રીતે રાજસ્થાનના ભરતપુર અને હરિયાણાના મેવાત નજીક આવી ગેંગો એક્ટિવ છે. એ ગેંગની આખી અલગ સ્ટાઇલ છે. જો આ રીતે લોકોને લૂંટે છે અને તે રૂપિયામાંથી અમુક રૂપિયા ગામમાં વાપરે છે. આ ગુનેગારોએ આ વિસ્તારમાં રહેણાક મકાનો કોલોની બનાવી છે, જેની અંદર રહેતા લોકોને તમામ વ્યવસ્થા કરી આપવામાં આવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ ગુનેગારોએ થોડા સમય પહેલાં એક પોલીસ કર્મચારીના પરિવારના લગ્નમાં પણ રૂપિયા આપ્યા હતા, એટલે તેમને દરેક રીતનું રક્ષણ મળી રહે છે. આ ગેંગના લોકો રોબિન હૂડ સ્ટાઇલમાં લૂંટ કરે છે અને લોકોમાં વહેંચે છે, એટલે તેઓ ઘણી જગ્યાએ બચી જાય છે અને રાજ્યની પોલીસ તેમના સુધી પહોંચતાં આડસ કરીને તેમને રોકે છે.
એક વ્યક્તિ પાસે રૂપિયા નહોતા તો તેનું બેન્ક એકાઉન્ટ વાપરી લીધું
આ ગેંગની મોડેસ ઓપરેન્ડી એટલી જોરદાર છે કે પોલીસ-તપાસમાં સામે આવ્યું હતું કે એક વ્યક્તિને તેમણે આવા રેકેટમાં ફસાવી હતી. તેની પાસે રૂપિયા પડાવવાનો પ્રયાસ કરતી આ ગેંગને ખબર પડી કે હવે આની પાસે કશું રહ્યું નથી. થોડા સમય પછી આ ગેંગના લોકોએ તેનું બેન્ક એકાઉન્ટના યુઝર આઇડી અને પાસવર્ડ મેળવી લીધા હતા. એમાં તેમણે અન્ય લોકો પાસેથી લૂંટેલી રકમ નખાવી હતી અને આ રૂપિયા ઉપાડી લીધા હતા. આ પ્રકારે પણ આ ગેંગ લોકોને ફસાવે છે.
ભરતપુરની ગેંગે અમદાવાદના વૃદ્ધ પાસે પોણા ત્રણ કરોડ રૂપિયા પડાવ્યા
અમદાવાદના નવરંગપુરામાં રહેતા 68 વર્ષીય કંપનીના ડાયરેકટરને યુવતીએ વીડિયો કોલ મારફત વર્ચ્યુઅલ સેક્સ કરાવી વીડિયો રેકોર્ડ કરી લીધો હતો. ત્યાર બાદ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ કરવાની ધમકી આપી કરોડો રૂપિયા પડાવ્યા હતા. યુવતીએ ડાયરેકટરને કારણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું કહી સીબીઆઈ અધિકારીથી માંડી દિલ્હી પોલીસના પીઆઈ તરીકે ઓળખાણ આપી 12 શખસની ટોળકીએ ડાયરેકટર પાસેથી 2.69 કરોડ પડાવી લીધા હતા. આ સમગ્ર મામલે કંપની ડાયરેક્ટરે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે. સાયબર બ્રાન્ચની ટીમે હનીટ્રેપના મુખ્ય આરોપીની રાજસ્થાનના ભરતપુરથી ધરપકડ કરી હતી. 68 વર્ષીય વૃદ્ધને મોરબીની કથિત અજાણી યુવતીએ મેસેજ કર્યો હતો અને ત્યાર બાદ યુવતીએ વૃદ્ધ ડાયરેકટર સાથે મિત્રતા કરી હતી. થોડાક દિવસ બાદ વીડિયો કોલમાં તેણે વૃદ્ધનો અશ્લીલ વીડિયો રેકોર્ડ કરી લીધો હતો. એ બાદ વીડિયો કોલ કાપી નાખ્યો હતો. ત્યાર બાદ વૃદ્ધ ડાયરેકટરને બ્લેકમેઇલ કરીને ન્યૂડ રેકોર્ડિંગ ક્લિપ સોશિયલ મીડિયામાં વાઈરલ કરવાની તેને ધમકી આપી પૈસા પડાવ્યા હતા. પહેલા રૂ. 50 હજાર પડાવ્યા અને બાદમાં યુવતીએ આત્મહત્યા કરી હોવાથી વૃદ્ધ વિરુદ્ધ ફરિયાદ થઈ હોવાનું કહી અલગ અલગ અધિકારીઓ તરીકેની ઓળખ આપી ભોગ બનનાર વૃદ્ધને ડરાવીધમકાવીને ટુકડેટુકડે પોણાત્રણ કરોડ રૂપિયા પડાવાયા હતા.
ઝૂંપડામાંથી કોલ સેન્ટર 10 નાપાસ સાયબર ક્રિમિનલ છેતરે છે
ઝારખંડનું જામતાડા સાયબર ઠગ માટે દેશભરમાં બદનામ છે, પરંતુ હવે મેવાત પણ નવું જામતાડા બન્યું છે. દેશમાં ક્યાંય પણ સાયબર ફ્રોડ થાય, એના 70% તાર મેવાત સાથે જોડાયેલા હોય છે. જામતાડામાં તો હવે ફક્ત કાર્ડ ક્લોનિંગ જ કરાઈ રહ્યું છે, બાકી દરેક પ્રકારની સાયબર ઠગાઈ મેવાતમાંથી કરાઈ રહી છે. મેવાત ત્રણ રાજ્યની બોર્ડરનો વિસ્તાર છે. હરિયાણાનું નૂંહ, યુપીનું મથુરા અને રાજસ્થાનનું ભરતપુર, અલવર અને ભિવાડી. ભાસ્કરે સાયબર છેતરપિંડીના આ નેટવર્કની તપાસ હાથ ધરી તો ઘણાંબધાં અચંબિત કરતાં તથ્યો સામે આવ્યાં હતાં. જેલમાં એક્સપર્ટ્સ સાથે તાલીમ લઈને ઠગોએ અહીં પોતાનું આધિપત્ય સ્થાપિત કરી દીધું હતું. અહીં કાર્ય કરતા લોકો 10 નાપાસ હોવા છતાં કોલ સેન્ટરની માફક અંગ્રેજીમાં 5-7 વાક્ય બોલીને પ્રતિ દિવસ 300થી 400 લોકોને ઠગી રહ્યા છે, એટલે કે જોવા જઈએ તો 3 શહેરનાં 150 ગામમાં 8 હજારથી વધુ સાયબર ઠગો રોજ 1.6થી 2.4 કરોડ રૂપિયાની લૂંટ કરી રહ્યા છે.
150 ગામમાં હજારો યુવાનો ઠગ વેપાર સાથે જોડાયેલા
બેન્કના નકલી કર્મચારી બનીને ફોન કરવાથી માંડીને OLX પર ઠગાઈ કરવાનું કૌભાંડ અહીંથી ચલાવાઈ રહ્યું છે. ગામના હજારો યુવાનો આમાં સામેલ છે અને રોજના 3થી 4 હજાર રૂપિયા કમાય છે. જયપુર રેન્જના IGએ જણાવ્યું હતું કે ભરતપુર, અલવર અને ભિવાડીનાં 150 ગામથી હજારો યુવાનો રોજ આ પ્રકારનું કૌભાંડ કરી રહ્યા છે. આ તમામ ઠગો ખોટા ડોક્યુમેન્ટ્સ, સિમકાર્ડ, એકાઉન્ટ અને સરનામાનો ઉપયોગ કરતા હોવાથી તેમને પકડવા ઘણા મુશ્કેલ છે. અમે વિશેષ વ્યૂહરચના બનાવી રહ્યા છીએ.
કેવી હોય છે સેક્સટોર્શનની મોડસ ઓપરેન્ડી?
પોલીસસૂત્રોના જણાવ્યા મુજબ, સોશિયલ મડિયા પર કોઈ વ્યક્તિ સાથે કઈ રીતે નજીકતા વધારવામાં આવે છે. પછી તેને કઈ રીતે વીડિયો કોલ પર આવવાની લાલચ અપાય છે. વીડિયો કોલ પર તે શિકાર સામે આવે ત્યારે રેકોર્ડેડ પોર્ન વીડિયો એ રીતે ચલાવાય છે કે એ લાઈવ લાગે. પોર્ન વીડિયો પ્લે કરાય ત્યારે કોલ પર સામે આવેલી વ્યક્તિને કપડાં ઉતારવાનું કહેવાય છે. ત્યાર બાદ સાયબર ક્રિમિનલ તેની સ્ક્રીનને રેકોર્ડ કરી લે છે. પછી આ જ રેકોર્ડેડ સ્ક્રીનના વીડિયો મોકલીને પીડિત કે પીડિતાને બ્લેકમેઇલ કરવાાય છે.
સેક્સટોર્શનની જાળમાં ફસાઈ ગયા છો તો શું કરવું?
પ્રથમ સ્ટેપ: સાયબર નિષ્ણાત જણાવે છે કે 'સૌથી પહેલા તો એ એકાઉન્ટની લિંક અથવા નંબર સેવ કરી લો, કારણ કે એની મદદથી પોલીસ એ આઇપી એડ્રેસ સુધી પહોંચી શકે છે, જ્યાંથી બ્લેકમેઇલર્સ ઓપરેટ કરતા હોય.
બીજું સ્ટેપ: યુપી પોલીસની સાયબર શાખાના એસપી ત્રિવેણી સિંહનું કહેવું છે કે જો તમે 'સેક્સટોર્શનના શિકાર થયા છો, તો તાત્કાલિક લોકલ સાયબર સેલ અથવા નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવો. આવા કિસ્સાઓમાં ફરિયાદીની ઓળખ સંપૂર્ણ રીતે ગુપ્ત રખાય છે. બ્લેકમેઇર્સ નંબર બદલી-બદલીને ફોન કરે છે, પોલીસને આ બધા જ નંબરની સંપૂર્ણ વિગતો જણાવો.'
ત્રીજું સ્ટેપ: સુપ્રીમ કોર્ટના વકીલ વિરાગ ગુપ્તા કહે છે, ઘણી વખત પોલીસ પીડિતને જ સવાલ-જવાબ કરે છે. એવા સવાલોથી પરેશાન ન થવું, પણ FIR દાખલ કરાવવા પર ભાર આપો. આવા કેસમાં આઇટી એક્ટ, છેતરપિંડી (કલમ 420) અને આઇપીસીની અન્ય કેટલીક કલમોમાં કેસ દાખલ કરી શકાય છે. પોલીસ પાસેથી FIRની નકલ જરૂરથી લેવી. જો પોલીસની કાર્યવાહીમાં જરા પણ નરમ વલણ દાખવવામાં આવે તો તરત જ કોઈ વકીલની મદદ લેવી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.