જોગણી માતાનું મંદિર ‘ભૂવા’માં:‘હે ભગવાન! તારા બનાવેલા હવે તને જ બનાવે છે!’, જૂના વાડજ પાસે બાંકડા સાથે મંદિર જમીનમાં ઊતર્યું!

અમદાવાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડીસિલ્ટિંગ માટે કોન્ટ્રાક્ટરોને 23 કરોડની લહાણી, અધિકારીઓમાં ‘રેવડી’ વહેંચાયાનો આક્ષેપ

શહેરમાં જૂના વાડજ પાસે વધુ એક ભૂવો પડતાં ભૂવાની સંખ્યા 65ને પર થઈ ગઈ છે. બુધવારે પડેલા આ ભૂવામાં જોગણી માતાનું મંદિર (દેરી) અને બે બાંકડા પણ અંદર ગરકાવ થઈ ગયા હતા. બીજી તરફ બુધવારે મ્યુનિ. બોર્ડ બેઠકમાં પણ વરસાદ દરમિયાન શહેરભરમાં ભરાયેલા પાણી, તૂટેલા રોડ, ભૂવા અને ખાડા મુદ્દે વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો.

વિપક્ષી નેતા શહેજાદ પઠાણે આક્ષેપ કર્યો હતો કે, છેલ્લા 1 વર્ષ દરમિયાન પ્રિ-મોન્સૂન એક્શન પ્લાન અંતર્ગત 23 કરોડના ખર્ચે ડિશિલ્ટિંગ કરવામાં આવ્યું હતું. છતાં શહેર વરસાદમાં જળબંબાકાર થઈ ગયું હતું. એટલું જ નહીં લોકોના ઘરોમાં પણ 3-3 દિવસ સુધી પાણી ભરાયેલું રહ્યું હતું. પ્રિમોન્સૂન હેઠળ ખર્ચાયેલા નાણાં ‘રેવડી’ સ્વરૂપે મ્યુનિ. અધિકારીઓમાં વહેંચાઈ ગયા. જેથી મેયર રાજીનામું આપવું જોઈએ તેની માગ સાથે સૂત્રોચ્ચાર અને બેનરો દર્શાવ્યા હતા. જો કે, વિપક્ષના આક્ષેપ અને હોબાળા સામે ભાજપે ભેદી મૌન સેવ્યું હતું. ભાજપે આ મુદ્દે હરફ સુદ્ધાં ન ઉચ્ચારતા અંતે વિપક્ષી સભ્યો મેયર સામે ધસી ગયા હતા ત્યારે મેયરે બોર્ડ આટોપી લીધું હતું.

લઠ્ઠાકાંડના મૃતકો માટે શોક ઠરાવ રજૂ ન કરતા વિપક્ષનો હંગામો
અમદાવાદ જિલ્લા અને બોટાદના વિવિધ ગામોમાં બનેલી લઠ્ઠાકાંડની ઘટનામાં 50થી વધુ લોકોના મૃત્યુ થયા છે. જે સંદર્ભે મ્યુનિ. બોર્ડ બેઠકમાં ભાજપના શાસકોએ શોક ઠરાવ રજૂ ન કરતાં વિપક્ષે બોર્ડ શરૂ થતાં જ શોક ઠરાવ રજૂ કરવાની માગણી કરી હતી. જો કે, અધ્યક્ષસ્થાનેથી મેયરે શોક ઠરાવ પસાર કરવાનો ઈન્કાર કરતા વિપક્ષી સભ્યો મેયરના ડાયસ સુધી ધસી ગયા હતા. ઉલ્લેખનીય છે કે, આ પહેલી દુ:ખદ ઘટના એવી છે જેમાં ભાજપના શાસકોએ શોક ઠરાવ રજૂ કર્યો ન હતો.

ઝોનવોર્ડકોન્ટ્રાક્ટરરકમ
દક્ષિણખોખરાવી.એન. એન્જિનિયરિંગ40.39
લાંભાવી.એન. એન્જિનિયરિંગ50.63
વટવાકેપિટલ એન્જિનિયરિંગ105
ઉ. પશ્ચિમગોતાસાંઈ ટ્યૂબવેલ51.38
થલતેજબાલીબોલ ઈન્ડિયા103.93
ગોતાસાંઈ ટ્યૂબવેલ50.99
બોડકદેવવી.એન. એન્જિનિયરિંગ59.98
બોડકદેવરૂબિકોન ઈન્સ્પેક્શન સિસ્ટમ77.49
ગોતાસાંઈ ટ્યૂબવેલ51.49
ગોતાસાંઈ ટ્યૂબવેલ42.85
દ. પશ્ચિમમક્તમપુરાસાંઈ ટ્યૂબવેલ197.55
વેજલપુરવી.એન. એન્જિનિયરિંગ113
સરખેજસાંઈ ટ્યૂબવેલ100.7
સરખેજબાલીબોય ઈન્ડિયા332.15
પશ્ચિમરાણીપરૂબિકોન ઈન્સ્પેક્શન સિસ્ટમ34.9
રાણીપરૂબિકોન ઈન્સ્પેક્શન સિસ્ટમ77.49
નારણપુરાબાલીબોય ઈન્ડિયા127.45
નવરંગપુરાવી.એન. એન્જિનિયરિંગ53.07
ઉત્તરવિ. વોર્ડબાલીબોય ઈન્ડિયા133.23
વિ. વોર્ડબાલીબોય ઈન્ડિયા102.47
સરદારનગરવી.એન. એન્જિનિયરિંગ273.13
પૂર્વવસ્ત્રાલઅરૂણકુમાર ગોએલ46.75
મધ્યઅસારવાકેપિટલ એન્જિનિયરિંગ40.52
અસારવાકેપિટલ એન્જિનિયરિંગ34.61
શાહપુરબાલીબોય ઈન્ડિયા37.01
કુલ23 કરોડ

પહેલીવાર મ્યુનિ. બોર્ડમાં ભાજપનું ભેદી મૌન

વરસાદ દરમિયાન શહેરમાં સર્જાયેલી પરિસ્થિતિ અંગે વિપક્ષે બોર્ડમાં શાસકોને આડે હાથે લીધા હતા. તૂટેલા રોડ, ભૂવા અને જળબંબાકારની સ્થિતિનો વિપક્ષે હિસાબ માગી મેયરના રાજીનામાની પણ માગ કરી હતી. જો કે, ભાજપે કોઈપણ પ્રકારનો જવાબ આપવાનું ટાળ્યું હતું અને વિપક્ષના દરેક આક્ષેપોને શાંતિથી સાંભળ્યા હતા. પહેલીવાર એવું બન્યું કે, ભાજપે વિપક્ષ સામે ભેદી મૌન સેવ્યું હતું. વિપક્ષી તમામ સભ્યોએ કાળા કપડાં પહેરીને વિરોધ દર્શાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...