તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાલીઓ સાવચેત:અમદાવાદના કાલુપુરમાં અનુપમ અને નૂતન આદર્શ કન્યા વિદ્યાલયની માન્યતા રદ કરેલી હોવાથી વિદ્યાર્થીઓને એડમિશન ન લેવા સૂચન

અમદાવાદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વર્ષ 2020માં એક જ બિલ્ડિંગમાં ચાલતી અનુપમ અને નૂતન આદર્શ કન્યા વિદ્યાલયની માન્યતા રદ કરાઈ.
  • માન્યતા રદ કરવાના નિર્ણય સામે શાળા મંડળે શિક્ષણ વિભાગમાં અપીલ કરી હતી.
  • ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે જૂનો નિર્ણય માન્ય રાખ્યો.

શિક્ષણ બોર્ડ દ્વારા અમદાવાદ શહેરના કાલુપુર વિસ્તારમાં આવેલી અનુપમ વિદ્યાવિહાર અને નૂતન આદર્શ કન્યા વિદ્યાલયની માન્યતા રદ કરવામાં આવી હતી. એક જ બિલ્ડીંગમાં ત્રણ પ્રાથમિક શાળા અને બે માધ્યમિક શાળા ચાલવા ઉપરાંત શાળા પાસે શાળા મકાન વપરાશ અંગેનું પ્રમાણપત્રો ન હોવા સહિતની અનેક ગેરરીતિઓ હોવાનું કારણ આપી ગત 28 જૂન 2020ના રોજ શિક્ષણ બોર્ડે સ્કૂલની માન્યતા રદ કરવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણય સામે શાળા મંડળ શિક્ષણ વિભાગમાં અપીલ દાખલ કરી હતી. જોકે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે જૂનો નિર્ણય માન્ય રાખ્યો હતો. આ સાથે જ બંને સ્કૂલોમાં વિદ્યાર્થીઓએ પ્રવેશ ન લેવો તેમ કહેવામાં આવ્યું છે.

વિદ્યાર્થીઓને સ્કૂલમાં પ્રવેશ ન લેવા સૂચના
​​​જિલ્લા શિક્ષણાધિકારી અમદાવાદ શહેરની એક અખબારી યાદીમાં જણાવાયું છે કે, સ્કૂલની માન્યતા રદ કરવાના હુકમ સામે શાળા મંડળે નામદાર હાઇકોર્ટમાં દાદ માંગતા હાઈકોર્ટે મનાઈ હુકમ આપેલ નથી. જેથી આજની તારીખે આ શાળા સરકારની માન્યતા ધરાવતી શાળા ન હોય, આ શાળામાં કોઇ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવવો નહીં, જો પ્રવેશ મેળવશે તો તેની અંગત જવાબદારી વાલી- વિદ્યાર્થીની રહેશે. જેની સર્વે નોંધ લેશો.

કયા કારણે સ્કૂલની માન્યતા રદ કરાઈ?
શિક્ષણ બોર્ડે સ્કૂલોની માન્યતા રદ કરવા અંગેના કારણો દર્શાવતા જણાવ્યું હતું કે, શાળા મકાનમાં ચોથો અને પાંચમો માળ ગેરકાયદેસર બાંધવામાં આવેલો હતો અને વર્ષ-2016માં ઈમ્પેક્ટ ફી ભરીને ચોથો અને પાંચમા માળનું બાંધકામ નિયમિત કરાયુ છે. મકાનમાં ભોંયતળિયે દુકાનો આવેલી છે અને મકાનના ભોંયરાનો અન્ય કોઈ વ્યક્તિ દ્વારા ભંગાર ભરીને ગોડાઉન તરીકે ઉપયોગ કરાય છે. શાળા મકાનમાં પહેલા માળથી પાંચમાં માળ સુધી જવા ત્રણ ફૂટ પહોળાઈ ઘરાવતી એક માત્ર જ દાદર (સીડી) છે. શાળા પાસે રમત-ગમતનું મેદાન નથી. મકાનમાં ફાયર સેફ્ટીના નિયમોનો ભંગ થઈ રહ્યો હોવાથી સુરતમાં બની તેવી ઘટના બને તો અત્યંત ભયજનક સ્થિતિ ઉભી થાય તેમ છે. જેથી એક મકાનમાં પાંચ શાળાઓ ચાલુ રાખવી યોગ્ય નથી.આ મુદે બોર્ડના સચિવ અને શહેર ડીઈઓનો સંપર્ક કર્યો પણ થઈ શક્યો નહોતો