કોરોનાનાં કેસમાં ફરીથી વધારો થઈ રહ્યો છે ત્યારે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં કોરોના ટેસ્ટિંગનાં બૂથ ફરીથી જોવા મળી રહ્યાં છે. જેની સંખ્યા એએમસી હેલ્થ ઓફિસરનાં જણાવ્યા મુજબ 50 જેટલી છે. કોરોના ટેસ્ટિંગ માટે નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતાં સ્ટુડન્ટ્સને ડ્યૂટી સોંપવામાં આવી છે. ત્યારે ટેસ્ટિંગ માટે પીપીઈ કિટ પહેરીને લોકોનો કોરોના ટેસ્ટ કરી રહેલા સ્ટુડન્ટ્સ ધોમધખતા તાપમાં પણ પોતાની ફરજ બજાવી રહ્યાં છે.
તેઓ ઉનાળાની ગરમીમાં પણ પોતાના સ્વાસ્થ્યની ચિંતા વગર કામ નિષ્ઠા પુર્વક કરી રહ્યા છે. કાળઝાળ ગરમીમાં પણ પીપીઈ કિટ પહેરીને કામ કરવું તેમનાં મુશ્કેલ હોવા છતાં ગરમી, પરસેવો અને ડિહાઇડ્રેશનની ચિંતા કર્યાં વગર કોરોના ટેસ્ટિંગનું કામ કરી રહ્યાં છે. જેથી તેમની હેલ્થ પર પણ અસર થઇ શકે છે.
પીપીઈ કિટ પહેરતાં શરીરનું તાપમાન વધે છે. હોસ્પિટલ્સમાં ડ્યૂટી અપાઈ છે પણ પીપીઈ કિટ પહેરીને કામ કરવું અઘરુ છે. પીપીઈ કિટ પહેર્યા બાદ હવાનું આવાગમન બંધ થઈ જાય છે. જેથી શરીરનું તાપમાન વધે છે જેમા કામ કરવું મુશ્કેલ છે. -હેતલ વણકર
બપોર થતાં પીપીઈ કિટ ગરમી વધારી દે છે
સવારની શિફ્ટ હોય ત્યારે પીપીઈ કિટ પહેરીને કામ કરવામાં વાંધો નથી આવતો પણ બપોરનો સમય આવે તેમ મુશ્કેલી વધે છે. પેશન્ટ્સનો ઘસારો ઓછો થાય ત્યારે પીપીઈ કિટ કાઢીને રિલેક્સ થાઉં છુ. - ચાર્મી પટેલ
કિટમાં પરસેવો થતાં ડિહાઇડ્રેશન થઇ શકે છે
પીપીઈ કિટ પહેરીને કામ કરવુ મુશ્કેલ છે જ પણ લોકોનાં સ્વાસ્થ્ય માટે જરૂરી છે. બપોરે કિટ પહેરીને ટેસ્ટ કરવા અઘરાં પડે છે. ગરમીને લીધે બફારો અને પરસેવા સાથે ડિહાઈડ્રેશન થઇ શક છે. -એકમી પટેલ
1100 સ્ટુડન્ટ્સ ટેસ્ટિંગ બૂથ પર કામ કરે છે
શહેરમાં માર્ગો પર 50 ટેસ્ટિંગ બૂથ છે. જ્યાં લોકો ટેસ્ટ કરાવે છે. બૂથ પર નર્સિંગનો અભ્યાસ કરી રહેલાં સ્ટુડન્ટ્સ છે. તે 2 શિફ્ટમાં કામ કરે છે. 1100થી વધુ વિદ્યાર્થી બૂથ પર છે. દરેક બૂથ પર 3 વિદ્યાર્થીઓની ટીમને બે શિફ્ટમાં મોકલાય છે. -ડો. હેમાંગીની કયાસ્થ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.