તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:મ્યુનિ. કમિશનરને પત્ર લખીને NSUIએ વિનંતી કરી, 'ખાનગી વાહન કે એમ્બ્યુલન્સમાં આવતા ગંભીર દર્દીઓને પણ દાખલ કરો'

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
રીક્ષામાં બેસીને હોસ્પિટલ પહોંચેલા દર્દીની તસવીર - Divya Bhaskar
રીક્ષામાં બેસીને હોસ્પિટલ પહોંચેલા દર્દીની તસવીર
  • 108 મારફતે જ સરકારી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓને દાખલ કરાતા ગંભીર દર્દીઓ મોતને ભેટી રહ્યા છે
  • NSUIએ ખાનગી વાહનોમાં આવતા દર્દીઓને પણ દાખલ કરવા મ્યુનિ. કમિશનરને વિનંતી કરી.

ગુજરાતમાં જાણે કોરોનાની સુનામી આવી હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. અમદાવાદ શહેરની જ વાત કરીએ તો સરકારી હોસ્પિટલોમાં 108 મારફતે આવનારા દર્દીઓને જ દાખલ કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ 108માં 12-12 કલાક લાંબું વેઈટિંગ છે, અમુક કિસ્સાઓમાં તો 24 કલાકે દર્દીને 108ની સેવા મળી છે. એવામાં ગંભીર સ્થિતિમાં હોય તેવા ખાનગી વાહન કે એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ પહોંચતા દર્દીઓને સમયસર સારવાર ન મળવાના અભાવે મોત થવાના મામલા પણ સામે આવી રહ્યા છે. ત્યારે ગુજરાત પ્રદેશના NSUIના મહામંત્રી ગૌરાંગ મકવાણાએ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને 108 સિવાય અન્ય ખાનગી વાહનમાં આવતા દર્દીઓને પણ એડમિટ કરાય તેવી વિનંતી કરી છે.

NSUIએ મ્યુનિ. કમિશનરને પત્ર લખ્યો
ગૌરાંગ મકવાણાએ પત્રમાં અમદાવાદના મ્યુનિસિપલ કમિશનરને લખ્યું છે કે, હાલની કોરોનાની મહામારીની બીજી લહેરમાં ગુજરાતનું અમદાવાદ કોરોનાનું એપી સેન્ટર બન્યું હોય તેવી હાલત થઈ રહી છે. ઓક્સિજન ન મળવાના કારણે તો ક્યાંક દવાખાનામાં જગ્યાના અભાવે દર્દી મૃત્યુ પામી રહ્યા છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા 108ને પ્રાધાન્ય આપવાના કારણે કેટલાય દર્દીઓના જીવ જોખમાઈ રહ્યા છે. 108માં 12-12 કલાકનું વેઈટીંગ હાલની પરિસ્થિતિને કારણે સર્જાયું છે. ગઈકાલે જ GMDCમાં નવી બનેલી કોવિડ હોસ્પિટલ બહાર એક દર્દીનું મૃત્યું થયું, જેનું કારણ દર્દી ખાનગી વાહનમાં આવ્યું હોવાનું હતું.

NSUI દ્વારા લખવામાં આવેલો પત્ર
NSUI દ્વારા લખવામાં આવેલો પત્ર

ખાનગી વાહનોમાં આવતા ગંભીર દર્દીઓને પણ સારવાર આપવા વિનંતી
પત્રમાં વધુમાં કહેવાયું છે કે, હાલની પરિસ્થિતિને જોતા મારી આપને વિનંતી છે કે ગંભીર દર્દીઓને ખાનગી વાહન કે એમ્બ્યુલન્સમાં તાત્કાલિક પ્રવેશ આપી તેની સારવાર હાથ ધરવામાં આવે. જેથી કરી વધુમાં વધુ લોકોના જીવ બચાવી શકીએ. અમારી માંગણી પર ત્વરિત વિચાર કરી અમલ કરવામાં આવે તેવી આગ્રહ ભરી વિનંતી.

ધન્વંતરિ કોવિડ હોસ્પિટલમાં માત્ર 108માં આવતા લોકોને જ સારવાર
નોંધનીય છે કે, અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલમાં શરૂ થયેલી ધન્વંતરિ કોવિડ હોસ્પિટલ માં દર્દીઓને દાખલ કરવામાં સરકારે જડ વલણ અપનાવી માત્ર 108માં આવનારને જ દાખલ કરવાનો તઘલખી નિર્ણય લેતા અનેક ગંભીર દર્દીઓ રઝળતા થઈ ગયા હતા અને સરકારની આવી નીતિ સામે ભારે રોષ ઠાલવી રહ્યા છે, તે સંજોગોમાં સરકારે પણ ફેરવિચારણા કરવી જરૂરી બની ગઈ છે. ખાનગી વાહનોમાં આવતા દર્દીઓને દાખલ ન કરવામા આવતાં દર્દીના પરિવારજનો રોષે ભરાયા હતા. હોસ્પિટલ બહાર લોકો રીતસર સારવાર વિના ટળવળતા જોવા મળ્યા હતા. પરંતુ સરકારની જડ નીતિઓ અને તઘલખી નિર્ણયોને કારણે લોકોના ટપોટપ મોત થઈ રહ્યાં છે.

108 એમ્બ્યુલન્સ માટે કલાકો લાંબું વેઈટિંગ ચાલી રહ્યું છે
108 એમ્બ્યુલન્સ માટે કલાકો લાંબું વેઈટિંગ ચાલી રહ્યું છે

108 એમ્બ્યુલન્સ માટે કલાકો લાંબું વેઈટિંગ
​​​​​​​
બીજી તરફ કોરોનાના કેસમાં વધારો થતાં હવે 108 એમ્બ્યુલન્સ હોસ્પિટલમાં દાખલ થવાના કોલમાં ઉછાળો આવ્યો છે. અમદાવાદ સહિત રાજ્યના મુખ્ય શહેરોમાંથી 108ને મળતાં ઇમરજન્સી કોલ્સનો આંકડો 7થી 8 હજારથી વધીને 40થી 50 હજારે પહોંચ્યો છે, જેથી જો એક વ્યકિત 108ને પાંચ વાર ફોન કરે તો પણ અંદાજે 10 હજાર લોકો હોસ્પિટલમાં દાખલ થવા માટે એમ્બ્યુલન્સની રાહ જોઇ રહ્યાં છે. જેમાં દર્દીને હોસ્પિટલમાં 108 દ્વારા લવાયેલા દર્દીને જ દાખલ કરવાની કોર્પોરેશની નીતિ તેમજ 70 ટકા દર્દીને અમદાવાદની 1200 બેડમાં ધકેલાતા હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સની લાંબી લાઇનો ખડકાય છે.