આગામી સમયમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષોએ શહેરમાં ઠેર ઠેર દિવાલો પર પક્ષના ચિહ્નના ચિત્રો દોર્યાં છે. ત્યારે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીની ચારેબાજુ ચિત્રો દોરવામાં આવતાં NSUI એ વિરોધ કર્યો છે. NSUI એ ગુજરાત યુનિવર્સિટીના વિભાગમાં કચરો નાખીને વિરોધ પ્રદર્શન કર્યું છે અને આ ચિત્રો હટાવવા માંગણી કરી છે.
એસ્ટેટ વિભાગની ઓફિસમાં કચરો ઠાલવીને વિરોધ કર્યો
NSUI દ્વારા આજે ગુજરાત યુનિવર્સિટી પહોંચીને યુનિવર્સિટીની તમામ દીવાલો પર ભાજપના ચિત્રો લગાવવા મામલે વિરોધ કરવામાં આવ્યો હતો.NSUI ના કાર્યકરોએ યુનિવર્સિટીના એસ્ટેટ વિભાગના અધિકારીની કચેરી બહાર સુત્રોચાર કર્યા હતા અને એસ્ટેટ વિભાગની ઓફિસમાં કચરો ઠાલવીને વિરોધ કર્યો હતો. NSUI એ માંગણી કરી છે કે તમામ દીવાલો પર કલર કરીને ભાજપના ચિત્રો હટાવવામાં આવે નહીં તો આગામી દિવસમાં હજુ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.
ચિત્રો દોરવાની પરવાનગી કોને આપી?
આ મામલે NSUI ના નેતા નારાયણ ભરવાડે જણાવ્યું હતું કે એસ્ટેટ વિભાગ અને ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ભાજપના એજન્ટ છે. વર્ષમાં 4 વખત દીવાલ નવી બનાવવામાં આવે છે. હવે દીવાલો પર કમળ દોરવામાં આવ્યા છે તો તે માટે પરવાનગી કોને આપી અને હવે યુનિવર્સિટીને જાણ થઈ તો કમળના ચિત્રો હટાવ્યા કેમ નહીં. આ ચિત્રો તાત્કાલિક હટાવવા જોઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.