તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ પ્રદર્શન:અમદાવાદમાં GLS કેમ્પસમાં ગ્રાન્ટેડ કોલેજના ખાનગીકરણ મામલે NSUIએ વિરોધ કર્યો

અમદાવાદએક મહિનો પહેલા
NSUIએ વિરોધ દર્શાવ્યો
  • બુધવારે અમદાવાદમાં અધ્યાપક મંડળ દ્વારા કોલેજોના ખાનગીકરણ મુદ્દે વિરોધ કરાયો હતો.
  • ગ્રાન્ટેડ કોલેજના ખાનગીકરણના કારણે અધ્યાપકોને મળતા પેન્શન અને અન્ય લાભ બંધ થશે.
  • ગ્રાન્ટેડ કોલેજને ખાનગી યુનિવર્સિટીઓને સોંપવામાં આવે તો સરકારનો બોજ ઘટશે પરંતુ વિદ્યાર્થીઓને બોજ વધશે.

રાજ્યમા ગ્રાન્ટેડ કોલેજ હવે ખાનગી યુનિવર્સિટી હસ્તક જશે એટલે કે ગ્રાન્ટેડ કોલેજોનું ખાનગીકરણ કરવામાં આવશે.આ નિર્ણય સામે ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. તેની સાથે NSUI દ્વારા પણ વિરોધ શરૂ કરાયો છે. આજે NSUI દ્વારા અમદાવાદમાં GLS કેમ્પસ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આજથી NSUI દ્વારા એક મહિના સુધી અલગ અલગ કાર્યક્રમ કરીને કોલેજના ખાનગીકરણનો વિરોધ કરવામાં આવશે. બુધવારે અધ્યાપક મંડળ દ્વારા સી.યુ.શાહ કોલેજમાં વિરોધ કરવામાં આવ્યો હતો.

હવે વિદ્યાર્થી સંગઠન પણ વિરોધ કરી રહ્યું છે
ગ્રાન્ટેડ કોલેજોમાં ખાનગીકરણ કરવામાં આવશે જે મામલે અધ્યાપકો વિરોધ કરી રહ્યા છે પરંતુ હવે વિદ્યાર્થી સંગઠન પણ વિરોધ કરી રહ્યું છે.GLS કેમ્પસમાં આજે NSUIના કાર્યકરો મોટી સંખ્યામાં એકઠા થયા હતાં અને નારા લગાવી વિરોધ કર્યો હતો. NSUIએ જ્યાં સુધી નિર્ણય પાછો ના લેવાય ત્યાં સુધી વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી છે. NSUIના પ્રમુખ નારાયણ ભરવાડે જણાવ્યું હતું કે કોલેજોનું ખાનગીકરણ થશે તો સરકારને ફાયદો થશે પરંતુ વિદ્યાર્થીઓને નુકસાન થશે જેથી અમે આજથી ખાનગીકરણના વિરોધમાં વિરોધ શરુ કર્યો છે. આજથી એક મહિના સુધી સતત વિરોધ કરીશું જેમાં વિદ્યાર્થીઓને પણ સાથે જોડીશું.

GLS કેમ્પસમાં NSUIએ વિરોધ પ્રદર્શન કર્યું હતું
GLS કેમ્પસમાં NSUIએ વિરોધ પ્રદર્શન કર્યું હતું

કોલેજનું સંચાલન ખાનગી યુનિવર્સિટી હસ્તક જશે
આ અંગે ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળના પ્રમુખ પંકજ શ્રીમાળીએ જણાવ્યું હતું કે અનેક ગ્રાન્ટેડ કોલેજ ખાનગી યુનિવર્સિટીના સોંપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.આ નિર્ણય ખોટો છે.નિર્ણયથી પ્રોફેસર,વિદ્યાર્થીઓનો અને વાલીઓને નુકસાન થશે.ખાનગીકરણના કારણે કોલેજનો સરકારી રીતે ઉપયોગ નહીં થઈ શકે. કોલેજનું સંચાલન ખાનગી યુનિવર્સિટી હસ્તક જશે જેથી વિદ્યાર્થીઓને જે કોર્ષ 1800થી 2000 રૂપિયા સુધીમાં ભણાવવામાં આવે છે તે કોર્ષ માટે પણ હવે 50-55 હાજર ફી ખર્ચવી પડશે.

સરકારનો બોજ ઘટશે પરંતુ વિદ્યાર્થીઓને બોજ વધશે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે ગ્રાન્ટેડ કોલેજના ખાનગીકરણના કારણે અધ્યાપકોને મળતા પેન્શન અને અન્ય લાભ બંધ થશે. ગ્રાન્ટેડ કોલેજમાં જે જાતી આધારિત પ્રવેશ આપવામાં આવે છે તે પણ નહિ અપાય. વિદ્યાર્થિનીઓની ફી લેવામાં આવતી નથી તે ફી પણ લેવામાં આવશે.આમ ગ્રાન્ટેડ કોલેજને ખાનગી યુનિવર્સિટીઓને સોંપવામાં આવશે તો સરકારનો બોજ ઘટશે પરંતુ વિદ્યાર્થીઓને બોજ વધશે.

નિર્ણય રદ નહીં થાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી
નિર્ણય રદ નહીં થાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી

પ્રાઈવેટ યુનિ.એક્ટ 2009માં તાજેતરમાં સુધારો કરાયો
રાજ્ય સરકારે પ્રાઈવેટ યુનિ.એક્ટ 2009માં તાજેતરમાં સુધારો કરીને ગ્રાન્ટેડ કોલેજોને પ્રાઈવેટ યુનિ.માં ન જોડાવાની જોગવાઈ રદ કરી દીધી છે ત્યારે તેનો લાભ લઈને પ્રાઈવેટ યુનિ.ઓના ટ્રસ્ટ પોતાની ગ્રાન્ટેડ કોલેજોને સરકારી યુનિ.ઓમાંથી છુટી કરીને પ્રાઈવેટ યુનિ.ઓમાં જોડી રહ્યા છે. હાલ દક્ષિણ ગુજરાત યુનિ.થી માંડી જીટીયુ અને ગુજરાત યુનિ.અને એસપી યુનિ.સહિતની સરકારી યુનિ.ઓમાંથી 10થી વધુ ગ્રાન્ટેડ કોલેજો છુટી પડી રહી છે અને ખાનગી યુનિ.ઓમાં જોડાઈ રહી છે.

ઘણી ગ્રાન્ટેડ કોલેજોને છુટી કરવા માટે અરજીઓ થઈ છે
રાજ્યની સૌથી બે મોટી સરકારી યુનિ.ઓ એવી ગુજરાત યુનિવર્સિટી અને જીટીયુમાં ખાનગી યુનિ.ઓએ પોતાના ટ્રસ્ટની ગ્રાન્ટેડ કોલેજોને છુટી કરવા માટે પ્રક્રિયા શરૃ કરી દેતા અરજીઓ પણ કરી દીધી છે.જ્યારે સરદાર પટેલ યુનિવર્સિટી તેમજ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પણ ઘણી ગ્રાન્ટેડ કોલેજોને છુટી કરવા માટે અરજીઓ થઈ છે.આગામી એક-બે વર્ષમાં લગભગ તમામ ગ્રાન્ટેડ કોલેજો સરકારી યુનિ.ઓમાથી છુટી પડશે અને જે તે પ્રાઈવેટ યુનિ.ઓમાં જોડાઈ જશે.

અધ્યાપકોએ સી.યુ.શાહ કોલેજ ખાતે વિરોધ પ્રદર્શન કર્યુ હતું
અધ્યાપકોએ સી.યુ.શાહ કોલેજ ખાતે વિરોધ પ્રદર્શન કર્યુ હતું

અધ્યાપક મંડળની રાજ્ય સરકારને અનેક રજૂઆતો
આ મુદ્દે અધ્યાપક મંડળે રાજ્યપાલથી માંડી રાજ્ય સરકારને રજૂઆતો પણ કરી છે.સરકાર દ્વારા ગ્રાન્ટેડ કોલેજોને અધ્યાપકોને અને વિદ્યાર્થીઓને નુકશાન ન થાય રીતે ગ્રાન્ટ આપવા સહિતના લાભો ચાલુ રખાશે તેવી બાયંધરી અપાય છે પરંતુ સરકાર દ્વારા લેખિત કોઈ પણ સ્પષ્ટતા કરાઈ નથી. ગ્રાન્ટેડ કોલેજો પ્રાઈવેટ યુનિ.ઓમાં જોડાતા ફી પણ વધી શકે છે અને વિદ્યાર્થીઓને નુકશાન પણ થઈ શકે છે.

અમદાવાદની આ કોલેજો ખાનગી યુનિવર્સિટીમાં જોડાય તેવી શક્યતાઓ

  • HL કોમર્સ કોલેજ
  • LD આર્ટસ કોલેજ
  • LA શાહ લો કોલેજ
  • CU શાહ કોમર્સ
  • CU શાહ કોમર્સ-સાયન્સ કોલેજ
  • LC મહેતા આર્ટ્સ કોલેજ
  • સીટી CU શાહ કોમર્સ કોલેજ
  • કોમર્સ અને લો કોલેજ GLS
  • LD આર્ટ્સ કોલેજ,
  • MG સાયન્સ કોલેજ
  • LM ફાર્મસી કોલેજ