કોંગ્રેસમાં અસંતોષ:NSUI કે યુથ કોંગ્રેસમાંથી આવેલાં નેતાને જ પ્રદેશ પ્રમુખ બનાવવા સોશિયલ મીડિયામાં NSUIના આગેવાનોની માંગણી

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
રાહુલ ગાંધી સાથે ડાબેથી નરેશ રાવલ, પરેશ ધાનાણી, અમિત ચાવડા, અમીબેન યાજ્ઞિક અને નારણ રાઠવા - Divya Bhaskar
રાહુલ ગાંધી સાથે ડાબેથી નરેશ રાવલ, પરેશ ધાનાણી, અમિત ચાવડા, અમીબેન યાજ્ઞિક અને નારણ રાઠવા
  • કોંગ્રેસના નવા પ્રદેશની પ્રમુખની થોડા દિવસમાં જાહેરાત થશે
  • તાજેતરમાં રાહુલ ગાંધી સાથે કોંગ્રેસના ટોચના 25 નેતાઓએ કરી હતી ચર્ચા

તાજેતરમાં ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ માટે દિલ્હીમાં મંથન થયું હતું. ગુજરાતના કોંગી નેતાઓની રાહુલ ગાંધી સાથે બેઠક બાદ ભરતસિંહ સોલંકી પ્રદેશ પ્રમુખ નહીં બને પરંતુ તેમની ભૂમિકા હવે ગુજરાત માટે અહેમદ પટેલ જેવી બનશે તેવું સ્પષ્ટ થયું છે. કોંગ્રેસના નવા પ્રદેશની પ્રમુખની થોડા દિવસમાં જાહેરાત થશે, ત્યારે કોંગ્રેસની જ વિદ્યાર્થી પાંખ NSUIએ અગાઉની જેમ આ વખતે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને NSUI કે યુથ કોંગ્રેસમાંથી આવનાર વ્યક્તિને જ પ્રદેશ પ્રમુખ બનાવવા જોઈએ. જરૂર પડે ત્યારે NSUI અને યુથ કોંગ્રેસ જ ગુજરાત કોંગ્રેસ સાથે ઉભું રહે છે તેવો કટાક્ષ પણ કરવામાં આવ્યો છે.

હાઈકમાન્ડે NSUI અને યુથ કોંગ્રેસને સાંભળવા જોઈએ
સોશિયલ મીડિયામાં NSUIએ નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત અગાઉ જ પોતાની માંગણી મૂકી છે. NSUIના આગેવાને સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને જણાવ્યું છે કે ગુજરાત કોંગ્રસ અંગે કોઈ પણ નિર્ણય લેતા પહેલા હાઈકમાન્ડે NSUI અને યુથ કોંગ્રેસને સાંભળવા જોઈએ. ગુજરાત કોંગ્રેસને જરૂર પડે ત્યારે NSUI અને યુથ કોંગ્રેસ સાથે ઉભું રહે છે. કોંગ્રેસમાં NSUI કે યુથ કોંગ્રેસમાંથી આવેલા નેતાને જ સ્થાન મળવું જોઈએ અને નવા પ્રદેશ પ્રમુખ NSUI કે યુથ કોંગ્રેસ કેડરના બનાવવા જોઈએ.

આ પહેલા ઇન્દ્રવિજયસિંહને પ્રદેશ પ્રમુખ બનાવવા માંગણી કરી હતી
અગાઉ પણ NSUI દ્વારા પ્રદેશ પ્રમુખના રાજીનામાં બાદ ઇન્દ્રવિજયસિંહ ગોહિલને પ્રદેશ પ્રમુખ બનાવવા માંગણી કરી હતી. સોશિયલ મીડિયામાં અગાઉ પણ પોસ્ટ મૂકીને માંગણી કરવામાં આવી હતી, જે પ્રમાણે હવે ફરીથી માંગણી કરવામાં આવી રહી છે. જેમાં નવા આવેલાની જગ્યાએ જૂના અથવા NSUI અને યુથ કોંગ્રેસમાંથી આવેલાંને પ્રદેશ પ્રમુખ બનાવવાની માંગણી કરવામાં આવી છે.

પ્રદેશ પ્રમુખ પદે જગદીશ ઠાકોર-વિપક્ષ નેતા પદે ઠુમ્મરના નામ નક્કી
હાઈકમાન્ડમાં થયેલી ચર્ચા બાદ ભરતસિંહ સોલંકીને કોંગ્રેસ ગુજરાતમાં કેમ્પેઇન કમિટીના ચેરમેન બનાવશે. કોંગ્રેસ પ્રમુખ તરીકે પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર અને વિધાનસભામાં વિપક્ષ નેતા પદે વીરજી ઠુમ્મર લગભગ નિશ્ચિત મનાય છે.

ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર, પાટીદાર અને ઓબીસીનું સમીકરણ
આ બંને નેતાની નિયુક્તિ સાથે કોંગ્રેસ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપરાંત પાટીદાર અને ઓબીસીને પ્રતિનિધિત્વના સમીકરણ પણ સાચવી લેશે. હાર્દિકને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ પદે યથાવત્ રાખવામાં આવશે. ગુજરાતની ચૂંટણી ઉપરાંત અન્ય રાજ્યોની ચૂંટણીઓ માટે પણ હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણી અને કનૈયા કુમારને મોટી જવાબદારી સોંપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...