તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ પ્રદર્શન:રિપીટર્સની પરીક્ષા રદ કરવા વિદ્યાર્થીઓ અને NSUIની માંગ, શિક્ષણમંત્રી હાય હાય ના નારા લગાવ્યા

અમદાવાદ25 દિવસ પહેલા
NSUI અને રિપીટર વિદ્યાર્થીઓ કલેક્ટર કચેરીએ ભેગા થયા હતા
  • સરકાર રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી શકે છે તો રિપીટર વિદ્યાર્થીઓને કેમ નહીં?

કોરોના મહામારીને કારણે ધોરણ 10 અને 12ના નિયમિત વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. પરંતુ 15 જુલાઈથી રિપીટરોની પરીક્ષા લેવામાં આવશે. આ મામલે રિપીટરોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં શિક્ષણમંત્રીએ પણ સ્પષ્ટતા કરી છે કે રિપીટરોની પરીક્ષા યોજાશે, કોઈ પણ સંજોગોમાં પરીક્ષા રદ થશે નહીં. ત્યારે NSUI અને રિપીટર વિદ્યાર્થીઓને મેદાને ઉતર્યા છે અને પરીક્ષા રદ કરીને માસ પ્રમોશનની માંગણી કરી છે. શિક્ષણમંત્રી હાય હાય ના નારા સાથે કલેકટર કચેરીએ NSUI અને રીપીટર વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો.

રિપીટર વિદ્યાર્થીઓ કલેક્ટર કચેરીએ ભેગા થયા
હાલ ધોરણ 10-12ના રિપીટરોની હોલ ટિકિટ પણ ઓનલાઈન મુકી દેવામાં આવી છે. રિપીટરોના વિરોધ વચ્ચે પણ સરકાર પરીક્ષા લેવા મક્કમ છે. બીજી તરફ વિદ્યાર્થી સંગઠનો અને કેટલાક વિદ્યાર્થીઓ નિર્ણયની વિરુદ્ધ છે. આજે NSUI અને રિપીટર વિદ્યાર્થીઓ કલેક્ટર કચેરીએ ભેગા થયા હતા. જ્યાં શિક્ષણમંત્રી અને શિક્ષણ વિભાગ હાય હાય ના નારા લગાવી પરીક્ષા રદ કરવાની માંગણી કરી હતી. આ માંગણી સાથે કલેકટરને આવેદન પત્ર પણ આપ્યું હતું.

સરકાર અમારી સાથે અન્યાય કરે છેઃ ધ્રુવ પંચાલ
સરકાર અમારી સાથે અન્યાય કરે છેઃ ધ્રુવ પંચાલ

આર્ટિકલ 14 મુજબ તમામને સરખો ન્યાય મળવો જોઈએ
ધ્રુવ પંચાલ નામના રિપીટર વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે સરકાર રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી શકે છે તો રિપીટર વિદ્યાર્થીઓને કેમ નહીં?.આર્ટિકલ 14 મુજબ તમામને સરખો ન્યાય મળવો જોઈએ તો સરકાર અમારી સાથે અન્યાય શા માટે કરે છે. અમે ગુજરાતના વિદ્યાર્થીઓ ભેગા મળીને ઉગ્ર ઉપવાસ આંદોલન કરીશું.

4.91 લાખ રિપીટર્સની માગ
બોર્ડની પરીક્ષામાં રિપીટર્સ વિદ્યાર્થીઓની વાત કરીએ તો ધોરણ 10માં 3.62 લાખ, ધોરણ 12 સાયન્સમાં 32 હજાર 400 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 97 હજાર જેટલા રિપીટર્સ વિદ્યાર્થી નોંધાયા હતા. સરકારે ધોરણ 10માં માત્ર રેગ્યુલર વિદ્યાર્થીઓની જ પરીક્ષા રદ કરી માસ પ્રમોશન આપ્યું હોવાની સ્પષ્ટતા કરી હતી.

ધો. 10 અને 12ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન
ગુજરાતમાં ધોરણ 10 અને 12ના નિયમિત, રિપીટર, ખાનગી અને પૃથક્ક ઉમેદવારોની બોર્ડની જાહેર પરીક્ષા પહેલી જુલાઈના રોજ લેવાનો નિર્ણય સરકારે કર્યો હતો, પરંતુ કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ પરીક્ષાઓ મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે આ રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાને લઈને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ના વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના રિપીટર, ખાનગી અને પૃથક્ક ઉમેદવારોની પરીક્ષા આગામી 15 જુલાઈના રોજ યોજાશે.