તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરકાર VS સંગઠન:રાજ્યમાં જો ધોરણ 12ની પરીક્ષા લેવાશે તો વિદ્યાર્થી સંગઠનોની આંદોલનની ચીમકી, શિક્ષણમંત્રી નિર્ણય નહીં લે તો DEO કચેરીનો ઘેરાવ કરશે

અમદાવાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેન્દ્ર સરકારના નિર્ણય બાદ NSUIના વિદ્યાર્થીઓની પણ ધો.12ની પરીક્ષા રદ કરવાની માગ

રાજ્યમાં ધોરણ 12ની વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું ટાઇમ ટેબલ જાહેર કરી દેવામાં આવ્યું છે. ઘણા સમયથી આ પરીક્ષા લેવાશે કે નહીં એની ચર્ચાએ જોર પકડ્યું હતું. આખરે આ પરીક્ષા લેવા માટે સરકારે જાહેરાત કરી હતી, પરંતુ ગઈકાલે વડાપ્રધાન સહિત અનેક અધિકારીઓ વચ્ચે CBSE બોર્ડની પરીક્ષા માટે એક હાઇ લેવલની મીટિંગમાં CBSE બોર્ડની ધોરણ 12ની પરીક્ષાઓ રદ કરવાનો નિર્ણય લીધો. એ બાદ હવે ગુજરાતમાં ધોરણ 12 GSEB બોર્ડના વિદ્યાર્થીઓ અસમંજસમાં મુકાયા છે, સાથે જ NSUIના વિદ્યાર્થીઓએ પણ પરીક્ષા રદ કરવા માટે માગણી કરી છે.

પરીક્ષા રદ નહિ થાય તો NSUI દ્વારા આંદોલન કરવામાં આવશે
ગઈકાલે GSEB બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થયો અને સાંજે બીજી તરફ વડાપ્રધાને નિર્ણય લીધો હતો, એટલે આ નિર્ણયનો અભ્યાસ કરીને આજે શિક્ષણમંત્રી મહત્ત્વનો નિર્ણય લઈ શકે છે. જોકે બીજી તરફ NSUIના વિદ્યાર્થીઓએ પણ આ પરીક્ષા રદ કરવા માટે માગણી કરી છે. તેમણે જણાવ્યું હતું કે જો કેન્દ્ર સરકાર આ નિર્ણય વિદ્યાર્થીઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને લઈ શકે તો ગુજરાતના વિદ્યાર્થીઓ માટે પણ શિક્ષણમંત્રીએ આ બાબત ધ્યાનમાં લઈને નિર્ણય લેવો જોઈએ. આ નિર્ણય લેવામાં નહીં આવે તો NSUI દ્વારા આંદોલન કરવામાં આવશે અને DEO કચેરીનો ઘેરાવ કરીને વિરોધપ્રદર્શન પણ કરવામાં આવશે.

તસવીર પ્રતીકાત્મક છે.
તસવીર પ્રતીકાત્મક છે.

પરીક્ષાને લઈને ટૂંક સમયમાં થઈ શકે છે જાહેરાત
મહત્ત્વનું છે કે રાજ્યમાં કોરોના અને મ્યુકોરમાઇકોસિસ એમ 2 મહામારીનો કહેર યથાવત્ છે. આ પરિસ્થિતિમાં પરીક્ષા લેવામાં આવવાની હતી, જોકે હવે કેન્દ્ર સરકારના નિર્ણયનો અભ્યાસ કરીને આજે શિક્ષણમંત્રી આ પરીક્ષા લેવાશે કે નહીં એ અંગે મહત્ત્વની જાહેરાત ટૂંક સમયમાં કરી શકે છે.

અમદાવાદમાં NSUIના આગેવાનોએ વસ્ત્રાપુર ખાતે જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી હતી.
અમદાવાદમાં NSUIના આગેવાનોએ વસ્ત્રાપુર ખાતે જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી હતી.

પહેલાં પરીક્ષા MCQ આધારિત યોજવાની માગ હતી
થોડા દિવસો પહેલાં અમદાવાદમાં વસ્ત્રાપુર ખાતે જિલ્લા શિક્ષણ અધિકારીને NSUIના આગેવાનોએ રજૂઆત કરી હતી. તેમણે શિક્ષણ અધિકારીને કહ્યું હતું કે કોરોનાના કેસ ઘટ્યા છે, પરંતુ કોરોના નાબૂદ નથી થયો, જેથી ધોરણ 12ના વિદ્યાર્થીઓની ઓફલાઈન પરીક્ષાની જગ્યાએ ઓનલાઈન પરીક્ષા યોજવામાં આવે અને પરીક્ષા MCQ આધારિત જ યોજાય, જેથી વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત ના થાય. સરકારના પરીક્ષાના નિર્ણયનો સ્વીકાર છે, પરંતુ વિદ્યાર્થીઓની ઓફલાઈન પરીક્ષા ત્રીજી લહેરને આમંત્રણ આપી શકે છે. ઉપરાંત સ્કૂલની ફીમાં પણ 50 ટકા ઘટાડો કરવાની માગણી કરવામાં આવી હતી.​​​​​​​​​​​​​​

ધોરણ 12ની બોર્ડની પરીક્ષા રદ કરવા કોંગ્રેસની માંગ​​​​​​​
કોંગ્રેસ પ્રવકતા મનીષ દોશીએ જણાવ્યું હતું કે સરકારને પણ ત્રીજી લહેર અંગે ડર છે જેમાં બાળકોને વધુ અસર થવાની સંભાવના છે. વડાપ્રધાન દ્વારા બાળકોના હિતમાં નિર્ણય લઈને CBSE પરીક્ષા રદ કરવામાં આવી છે તો ગુજરાત સરકારે પણ પરીક્ષા રદ કરવી જોઈએ.જે પ્રમાણે કેન્દ્રની પરીક્ષા રદ કરવાની ગાઈડ લાઈન છે તે જ ગાઈડ લાઇન નું ગુજરાતીમાં ટ્રાન્સ્લેટ કરીને જાહેરત કરવી જોઈએ..