ચિંતા ના કરો:ધોરણ 10 અને 12ની માર્કશીટમાં ક્યાંય 'માસ પ્રમોશન'નો ઉલ્લેખ નહીં થાય, રૂટિન જેવી જ માર્કશીટ અપાશે

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પાસિંગ માર્ક જેટલા પણ માર્ક નહીં થતા હોય તે વિદ્યાર્થીઓની માર્કશીટમાં Qualified For Secondary School Certificate લખાશે

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કર્યા બાદ વાલી-વિદ્યાર્થીઓમાં ચિંતા છે કે માર્કશીટમાં માસ પ્રમોશન લખેલું આવશે તો ભવિષ્યમાં કારકિર્દીમાં સમસ્યા ઊભી તો નહીં થાય ને? ના, ધોરણ 10 કે 12ની માર્કશીટમાં માસ પ્રમોશનનો કોઈ ઉલ્લેખ નહીં હોય, પણ ફક્ત ગ્રેડિંગ સાથે સામાન્ય માર્કશીટ જ તૈયાર કરવામાં આવશે.

હવે વિદેશ જવામાં કોઈ અડચણ નહીં નડે
ધોરણ 10 અને 12માં માસ પ્રમોશન તો સરકારે જાહેર કરી દીધું, પણ તેની માર્કશીટ તૈયાર કરવાની પદ્ધતિમાં શિક્ષણ બોર્ડ ગૂંચવાઈ ગયું હતું. પરિણામે, ખાસ સમિતિ બનાવી હતી, એનાં તારણો અને ફોર્મ્યુલાના આધારે માર્કશીટ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ધોરણ 10 અને 12ના તેજસ્વી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં હજુ પણ મૂંઝવણ છે કે પરિણામ સારું આવશે, પણ એમાં માસ પ્રમોશન લખેલું હશે તો ઉચ્ચ અભ્યાસથી માંડીને વિદેશ જવામાં નડતરરૂપ બનશે તો કારકિર્દી રોળાઈ જશે. વાલી-વિદ્યાર્થીઓની આ ચિંતાથી માધ્યમિક શિક્ષણ બોર્ડ પણ સજાગ હોવાથી તેણે નક્કી કર્યું છે કે ધોરણ 10 અને 12ની માર્કશીટમાં માસ પ્રમોશનનો ઉલ્લેખ કરવામાં આવશે નહીં.

તસવીર પ્રતીકાત્મક છે.
તસવીર પ્રતીકાત્મક છે.

કોઈ બાળકને નુકસાન ન થાય એવી પદ્ધતિ બોર્ડ અપનાવશે
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, બોર્ડની માર્કશીટમાં કયાંય માસ પ્રમોશનનો ઉલ્લેખ નહીં હોય. કોઈ બાળકને નુકસાન ન થાય એવી પદ્ધતિ બોર્ડ અપનાવશે નહિ. એટલું જ નહીં, કોઈ બાળકને ભવિષ્યમાં કોઈ એવું કહીને નહીં જાય કે પરીક્ષા વગર વિદ્યાર્થી પાસ થયો છે, એ પદ્ધતિથી માર્કશીટ તૈયાર કરવામાં આવશે. ધોરણ 10ની માર્કશીટ તૈયાર કરવા માટે માધ્યમિક શિક્ષણ બોર્ડે જાહેર કરેલી ફોર્મ્યુલામાં સાવ ઠોઠ કે સામાન્ય પરીક્ષામાં પણ પૂરતા માર્ક ના લાવી શકતા હોય તેવા વિદ્યાર્થીઓની માર્કશીટમાં Qualified For Secondary School Certificate લખવામાં આવશે.

તસવીર પ્રતીકાત્મક છે.
તસવીર પ્રતીકાત્મક છે.

નબળા વિદ્યાર્થીઓના પરિણામપત્રકમાં ગ્રેડ-ડી દર્શાવાશે
નબળા વિદ્યાર્થીઓ માટે માસ પ્રમોશનને કારણે પાસ થવામાં ખૂટતા ગુણની તૂટ બોર્ડ દ્વારા પરિણામમાં દર્શાવી ગુણ તૂટ ક્ષમ્ય ગણવામાં આવશે. વિદ્યાર્થીને પાસ થવામાં જેટલા ગુણ ખૂટતા હશે એટલા ગુણની તૂટ માફ કરીને પરિણામ પાસ જાહેર કરવામાં આવશે. આવા ઉમેદવારના પરિણામ પત્રકમાં ગ્રેડ-ડી દર્શાવાશે. ધોરણ-10 પરીક્ષામાં દરેક વિષયમાં 80 ગુણમાંથી 26 ગુણ અને 20 ગુણમાંથી 7 ગુણ મેળવી શક્યા ન હોય તેવા ઉમેદવારોને માસ પ્રમોશનને કારણે પાસ જાહેર કરવામાં આવશે. આવા વિદ્યાર્થીઓના પરિણામમાં Qualified For Secondary School Certificate લખવામાં આવશે.