ભાસ્કર ઓરિજિનલ:નવી લહેર, નવો વાઈરસ, નવી ગાઈડલાઈન - ‘હવે વાઈરસ શરીરમાં 5 દિવસ જ ટકે છે, આ સમય ખતરનાક; પછી ખતરો 80% સુધી ખતમ’

અમદાવાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • ગુજરાતની કોવિડ સ્પેશિયલ ટાસ્ક ફોર્સના ટોપ-5 ડૉક્ટર પાસેથી સમજો...
  • હોમ આઈસોલેશનનનો સમય 14થી ઘટાડીને 7 દિવસ કરવાનું કારણ
  • નવી ગાઈડલાઈન મુજબ આઈસોલેશન પછી માસ્ક ફરજિયાત, પણ રિ-ટેસ્ટિંગમાંથી મુક્તિ
  • માન્યું કે ઓમિક્રોન ઘાતક નથી, પરંતુ બીમારી તો છે જ. એટલે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ અને રસી જરૂરી

કોરોનાની ત્રીજી લહેરમાં લોકોને ડેલ્ટા અને ઓમિક્રોન વેરિયન્ટની ઓછી અસર થશે તેમ વિશ્વભરના વિજ્ઞાનીઓ માને છે. અમેરિકાના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શને ડિસેમ્બરમાં હોમ આઈસોલેશનનો સમય ઘટાડીને પાંચ દિવસ કર્યો હતો. આ દરમિયાન ભારત સરકારે પણ ગાઈડલાઈનમાં ફેરફાર કરીને હોમ આઈસોલેશનનો સમય સાત દિવસનો કર્યો.

મહત્તમ લોકોએ બંને ડોઝ લીધા
કેન્દ્ર સરકારે કરેલા આ ફેરફારોની હકીકત જાણવા ‘દિવ્ય ભાસ્કર’એ ગુજરાત સરકારે બનાવેલી સ્પેશિયલ કોવિડ ટાસ્ટ ફોર્સના પાંચ સભ્ય સાથે વાત કરી. આ પાંચેય સિનિયર ડૉક્ટરોનો એક જ સૂર હતો કે, મ્યુટેટ થયેલા ઓમિક્રોન વાઈરસની મહત્તમ અસર પાંચ દિવસ રહે છે. ત્યાર પછી તેની અસરકારકતા ઘટી જાય છે. આ કારણે તકેદારીના ભાગરૂપે હોમ આઈસોલેશનની મર્યાદા સાત દિવસ કરાઈ છે. આ ઉપરાંત ભારતમાં મહત્તમ લોકોએ બંને ડોઝ લઈ લીધા છે અને અત્યાર સુધી ખૂબ મોટી સંખ્યામાં લોકોને કોરોના સંક્રમણ થઈ ચૂક્યું છે, જેથી હર્ડ ઈમ્યુનિટી પણ ડેવલપ થઈ ચૂકી છે. તેથી ત્રીજી લહેરમાં હોસ્પિટલાઈઝેશન અને ઓક્સિજનની પણ ખૂબ ઓછી પડશે.

ઓમિક્રોન વધુ ટકી શકતો નથી
વિજ્ઞાનીઓને પણ દુનિયાભરના ટ્રેન્ડના વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે, ઓમિક્રોન શરીરમાં પાંચ દિવસથી વધુ ટકી શકતો નથી. એટલે જ અનેક દેશોએ 14 દિવસના હોમ આઈસોલેશનનો સમય ઘટાડીને સાત દિવસ કર્યો છે. જોકે, હોમ આઈસોલેશન બાદ દર્દીને છેલ્લા ત્રણ દિવસમાં તાવ આવ્યો નહીં હોય, તો પણ તેણે ફરજિયાત માસ્ક પહેરવું પડશે અને ત્યાર પછી રિ-ટેસ્ટિંગ કરવાની પણ જરૂર નહીં પડે.

ઉપર ડાબે ડૉ. તેજસ પટેલ અને જમણે પ્રો. દિલીપ માવલંકર, નીચે ડાબે ડૉ. અમી પરીખ અને જમણે ડૉ. તુષાર પટેલ - ફાઇલ તસવીર
ઉપર ડાબે ડૉ. તેજસ પટેલ અને જમણે પ્રો. દિલીપ માવલંકર, નીચે ડાબે ડૉ. અમી પરીખ અને જમણે ડૉ. તુષાર પટેલ - ફાઇલ તસવીર

ઓમિક્રોન બુસ્ટર ડોઝ સાબિત થઈ શકે છે
ઓમિક્રોન નબળો વાઈરસ છે. વૈશ્વિક અભ્યાસ મુજબ ઓમિક્રોનના દર્દીનો ચોથા કે પાંચમા દિવસે રિપોર્ટ નેગેટિવ આવી જાય છે. તે વિશ્વભરના લોકો માટે ચોક્કસ બુસ્ટર ડોઝ સાબિત થઈ શકે છે. આ કારણે જ ભારત સરકારે હોમ આઈસોલેશન પિરિયડ ઘટાડીને સાત દિવસ કર્યો છે. - ડૉ. તેજસ પટેલ, જાણીતા કાર્ડિયોલોજિસ્ટ

વાઈરસના સંક્રમણનો પિરિયડ પાંચ દિવસ છે
દુનિયામાં કોરોના આવ્યા પછી સમયાંતરે અનેક વૈજ્ઞાનિક અભ્યાસ કરાયા, જેના આધારે વિવિધ દેશોએ તેમની ગાઈડલાઈનમાં ફેરફાર કર્યા છે. સંશોધનો પ્રમાણે, ઓમિક્રોન વાઈરસનો ઈન્ફેક્ટિવિટી પિરિયડ પાંચ દિવસનો છે. તેથી સરકારે હોમ આઈસોલેશન પિરિયડ ઘટાડ્યો હોઈ શકે. - ડૉ. અમી પરીખ, હેડ, મેડિસિન વિભાગ, એસવીપી

એક દર્દી 5 દિવસ સુધી બીજાને સંક્રમિત કરી શકે
અમેરિકાના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલના સરવે પ્રમાણે, સંક્રમિત વ્યક્તિ પાંચ દિવસ સુધી વાઈરસનો ફેલાવો કરી શકે છે. મોટાભાગે વાઈરસનો શરીરમાં પ્રવેશ થયા બાદ બે દિવસે ચિહ્નો દેખાય છે અને તેના ચાર દિવસ બાદ રિકવરી આવે છે. એટલે અમેરિકામાં પણ હોમ આઈસોલેશનનો પિરિયડ પાંચ દિવસનો જ છે. - પ્રો. દિલીપ માવલંકર, ડિરેક્ટર, IIPH

રસી-હર્ડ ઈમ્યુનિટીના બેવડી સુરક્ષાનો લાભ
કોરોનાની પહેલી અને બીજી લહેરમાં સંક્રમણના કારણે લોકોમાં હર્ડ ઈમ્યુનિટી આવી છે. આ ઉપરાંત દેશની મોટા ભાગની વસતીએ રસીના બંને ડોઝ લઈ લીધા છે. આ હિસાબે પણ લોકોને બેવડી સુરક્ષા મળી ગઈ છે. ઓમિક્રોન વાઈરસની ઘાતકતા ઘણી ઓછી છે, જેથી સરકારે ગાઈડલાઈનમાં ફેરફાર કર્યો છે. - ડૉ. વી.એન.શાહ, હેડ, ઝાયડસ હોસ્પિટલ

ટી સેલ અને મેમરી સેલ વાઈરસ ટકવા નથી દેતા
ઓમિક્રોનના દર્દીમાં મોટાભાગે માઈલ્ડ અને એસિમ્પટમેટિક લક્ષણો જોવા મળે છે. આ પ્રકારના લક્ષણોના કારણે શરીર પર વાઈરસનીખાસ કોઈ અસર થતી નથી. પરિણામે 98 ટકા દર્દીઓ હોમ આઈસોલેશનમાં જ સાજા થઈ જાય છે. શરીરના ટી સેલ અને મેમરી સેલ જ નવા વાઈરસને શરીરમાં ટકવા દેતા નથી. - ડૉ. તુષાર પટેલ, પલ્મોનોલોજિસ્ટ

અન્ય સમાચારો પણ છે...