ચૂંટણી પ્રચાર:હવે રંગમાં આવ્યા નેતા... પક્ષ હોય કે વિપક્ષ, ગુજરાત ચૂંટણીમાં સમગ્ર ફોકસ મોદી પર જ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શિવરાજસિંહે કેજરીવાલને બાવળ અને રાહુલને નકામું ઘાસ ગણાવ્યા
  • યોગીએ ચૂંટણીને રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રવિરોધીઓ વચ્ચેની લડાઈ ગણાવી તો દિગ્વિજયે પૂછ્યું, શું મોદી પહેલા ગુજરાતની અસ્મિતા નહોતી?
  • જાકી રહી ભાવના જૈસી, ‘પ્રભુ’ મૂરત દેખી તિન તૈસી

રાજ્યમાં બન્ને તબક્કાની બેઠકોના ઉમેદવારો નક્કી થઈ ગયા બાદ શુક્રવારે પ્રચારની ગતિ તેજ થઈ હતી. ભાજપે કાર્પેટ બોમ્બિંગના ભાગરૂપ યુપીના સીએમ યોગી આદિત્યનાથ, મધ્ય પ્રદેશના સીએમ શિવરાજસિંહ ચૌહાણ, કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર, મનસુખ માંડવિયા સહિતના નેતાઓને મેદાનમાં ઉતાર્યા હતા. તો કોંગ્રેસના અગ્રણી દિગ્વિજય સિંહે વડોદરામાં પાર્ટીના નેતાઓ સાથે મુલાકાત કરીને શહેરની બેઠકોમી સમીક્ષા કરી હતી. દિગ્વિજય સિંહે કેજરીવાલ અને ઓવૈસીની પાર્ટી ભાજપની બી ટીમ હોવાનો આક્ષેપ કર્યો હતો. ભાજપના પ્રમુખ જેપી નડ્ડાએ રાજકોટ, નવસારી, અંકલેશ્વરમાં સભા કરી હતી તો મહારાષ્ટ્રના ડે.સીએમ ફડણવીસે સુરતમાં સભાને સંબોધન કર્યું હતું.

મોરબીમાં... ગાંધીજી, સરદાર અને મોદીજીએ ગુજરાતને સન્માન અપાવ્યું

વડાપ્રધાન મોદીજી કલ્પવૃક્ષ સમાન છે. જે માગો એ મળશે. કેજરીવાલ છે બાવળનું વૃક્ષ, માત્ર કાંટા આપશે. જ્યારે રાહુલબાબા નીંદણ છે.ગુજરાતને ગાંધીજી, સરદાર અને મોદીએ સન્માન અપાવ્યું છે.- શિવરાજ સિંહ ચૌહાણ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી

વડોદરામાં... અહંકાર રાવણનો પણ ન રહ્યો, તમારો પણ રહેશે નહીં

મોદી અહંકારમાં ડૂબેલા છે. મોદી કહે છે કે મેં ગુજરાત બનાવ્યું. જાણે તેમના જન્મ પહેલાં ગુજરાત હતું જ નહીં. ગુજરાતની અસ્મિતા પણ નહોતી. આ અહંકાર છે. અહંકાર તો રાવણનો પણ રહ્યો નહોતો. તમારો પણ નહીં રહે. > દિગ્વિજય સિંહ, મધ્યપ્રદેશના પૂર્વ CM

વાંકાનેરમાં... કોંગ્રેસનું શાસન હોત તો શું કાશ્મીરમાં કલમ 370 દૂર થઈ હોત?
આ લડાઈ રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રવિરોધીઓ વચ્ચેની છે. જો કોંગ્રેસનું શાસન હજુ હોત તો શું કાશી વિશ્વનાથ મંદિર બની શક્યું હોત? શું કાશ્મીરમાં 370ની કલમ નાબૂદ થઈ હોત? કોંગ્રેસના શાસનમાં આવું કંઈ પણ શક્ય બન્યું હોત? - યોગી આદિત્યનાથ, યુપીના મુખ્યમંત્રી

નવસારી... મોદીજીએ મોટું વિચારવાની પ્રેરણા આપી

​​​​​​​ગુજરાતે દેશ નહીં વિદેશમાં પણ સ્થાન મેળવ્યું છે. હું મંત્રી બન્યો ત્યારે મોદીજીએ મોટું વિચારવાની પ્રેરણા આપી હતી. હું વોટ માગવા આવ્યો નથી પણ સરકારની યોજનાઓ પર મહોર મારવા આવ્યો છું. - જે. પી. નડ્ડા, ભાજપ અધ્યક્ષ

સુરત... મોદી આવ્યા પછી બોઝને ખરું સન્માન મળ્યું

દેશને જોડનારા સરદાર પટેલને કોંગ્રેસે સન્માન આપ્યું નહીં. નેતાજી સુભાષચંદ્ર બોઝને પણ ખરું સન્માન મોદીજીના આવ્યા પછી મળ્યું. તેમની નીતિના કારણે ગુજરાત મોડેલ સ્ટેટ બન્યું. - દેવેન્દ્ર ફડણવીસ, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી

માંગરોળ... મોદીજીએ એક દિવસ પણ રજા લીધી નથી

દેશનો સૌથી મોટો નર્મદા ડેમ મોદીજીએ બનાવડાવ્યો. તેઓ એક દિવસ પણ રજા લીધા વિના કામ કરે છે. રાજ્યમાં 24 કલાક વીજળી આપવાનું કામ પણ મોદીજીએ જ કર્યું છે.- અનુરાગ ઠાકુર, કેન્દ્રીય મંત્રી

અન્ય સમાચારો પણ છે...