ભાજપ, હિન્દુત્વ અને ગુજરાત:હવે શિક્ષણમાં પણ હિન્દુત્વના પ્રયોગો ગુજરાતમાં; રાજકારણમાં હિન્દુત્વના પ્રયોગો પણ ભાજપે ગુજરાતમાં કર્યા હતા

3 મહિનો પહેલાલેખક: યશપાલ બક્ષી
  • ધોરણ 6થી 12માં ગીતાનો કોર્સ દાખલ કર્યો, GTU અને MS યુનિવર્સિટીમાં હિન્દુત્વના કોર્સ શરૂ થયા

ભારતીય જનતા પાર્ટી માટે ગુજરાત મોડલ સ્ટેટ રહ્યું છે. ગુજરાતમાંથી જ ભાજપનો જન્મ થયો, એટલે ભાજપ માટે કાયમ ગુજરાત રાજ્ય લેબોરેટરી બની રહ્યું છે. 1990માં ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ સોમનાથથી અયોધ્યા સુધીની યાત્રા કાઢી હતી, ત્યારથી ગુજરાતમાં કેસરિયા હિન્દુત્વની શરૂઆત થઈ. 1995માં ગુજરાતમાં ભાજપ સંપૂર્ણ બહુમતી સાથે સત્તામાં આવ્યો ત્યારે કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા. એ વખતથી ગુજરાતમાં સતત ભાજપનું એકહથ્થું શાસન છે. ભાજપે જે પ્રયોગ રાજનીતિમાં કર્યા એ ગુજરાતમાં કર્યા. હવે નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં પણ ભાજપે હિન્દુત્વ પર ભાર આપ્યો છે અને શિક્ષણમાં હિન્દુત્વના પ્રયોગો પણ ભાજપે ગુજરાતથી શરૂ કર્યા છે.

ગુજરાતના રાજકારણમાં હિન્દુત્વનો પ્રયોગ સોમનાથથી...
શ્રીરામનું મંદિર અયોધ્યામાં જ બનશે, એવા નિર્ધાર સાથે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ સોમનાથથી અયોધ્યા સુધીની રથયાત્રા કાઢી હતી. ભાજપના હિન્દુત્વવાદની વિચારધારા અહીંથી જ વહેવાનું શરૂ થયું. એ સમયે અડવાણીજી 62 વર્ષના હતા, આજે તેઓ 92 વર્ષના છે. અડવાણીજીની રથયાત્રાને અયોધ્યા પહોંચતાં પહેલાં અટકાવી દેવામાં આવી હતી, પરંતુ તેમણે રામ મંદિરની તરફેણમાં લાગણી જગાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ વિચારધારાને કારણે જ દેશની રાજનીતિમાં ભાજપને મજબૂત સ્થિતિમાં લાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી. રથયાત્રાના એ સમયગાળા દરમિયાન 'બચ્ચા બચ્ચા રામ કા, જન્મભૂમિ કે કામ કા' જેવા નારા ખૂબ ગુંજતા હતા.
1990ની યાત્રાનો ફાયદો 1995માં થયો
ગુજરાતમાં કોંગ્રેસની સરકાર હતી અને ભાજપ એટલો જાણીતો નહોતો જેટલો અત્યારે છે, પણ સોમનાથથી અયોધ્યાની યાત્રાને કારણે ગુજરાતમાં ભાજપની સ્થિતિ મજબૂત થવા લાગી અને 1995માં પહેલીવાર ગુજરાતમાં ભાજપનું સંપૂર્ણ બહુમત સાથે શાસન આવ્યું.
ગુજરાતમાં ભાજપનું હિન્દુત્વ
ભાજપ માટે ગુજરાત એ કોઈપણ પ્રયોગ કરવા માટેની લેબોરેટરી રહ્યું છે, કારણ કે ભાજપ ગુજરાતમાં કાંઈપણ કરે છે તો તેને એમાં સફળતા મળે છે. કેશુભાઈ પટેલ પછી 2001માં જ્યારે મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી આવ્યા, એ પછી ભાજપની હિન્દુત્વની વિચારધારાને વેગ મળ્યો. સોમનાથની કાયાપલટ થઈ. પાવાગઢમાં 500 વર્ષ પછી ધ્વજા ફરક્યો.
ગયા મે મહિનામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ એક નિવેદન કર્યું હતું કે 'ગુજરાત એ ગવર્નન્સની લૅબોરેટરી છે અને હાલની ભૂપેન્દ્ર પટેલની સરકાર તે સ્ટ્રેટજીનો એક ભાગ છે.' આ નિવેદને ખાસ્સી ચર્ચા જગાવી હતી.

ગુજરાતના શિક્ષણમાં હિન્દુત્વના પ્રયોગો
કેન્દ્ર સરકારે નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ ઘડી છે, પણ કોરોનાને કારણે આ નીતિનો અમલ હવે છેક કરવામાં આવી રહ્યો છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં એક મુદ્દો અધ્યાત્મના કોર્સનો પણ છે, એમાં હિન્દુત્વનો કોર્સ શરૂ કરવાની યોજના છે. જીટીયુ એટલે ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી અને વડોદરાની એમ,એસ. યુનિવર્સિટીમાં હિન્દુત્વના કોર્સની જાહેરાત કરી દેવાઈ છે. ગુજરાતના શિક્ષણમંત્રી જિતુભાઈ વાઘાણીએ ગુજરાતની શાળાઓમાં ધોરણ 6થી 12માં શ્રીમદ્ ભગવદ ગીતાનો કોર્સ દાખલ કરવાની જાહેરાત ગયા મહિને જ કરી. શાળા પ્રવેશોત્સવ દરમિયાન ગુજરાતની શાળાના વિદ્યાર્થીઓને શ્રીમદ્ ભગવદ ગીતાનાં પુસ્તકો ભેટમાં અપાયાં અને સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ, ગીતાના સવા કરોડ પુસ્તકો છાપવામાં આવ્યાં છે, એટલે ગુજરાતમાં ભાજપે પોતાના હિન્દુત્વના પ્રયોગો કર્યા અને એનો અમલ દેશભરમાં કર્યો. હવે નવી શિક્ષણનીતિનો અમલ પણ ગુજરાતથી થઈ રહ્યો છે. ગીતાનો અભ્યાસક્રમ અને હિન્દુત્વના કોર્સની શરૂઆત થઈ ચૂકી છે. ગુજરાતમાં સફળતા મળ્યા પછી એનો રાષ્ટ્રીય સ્તરે અમલ થશે. ભાજપ માટે ગુજરાત રાજકારણના હિન્દુત્વની પ્રયોગશાળા પછી હવે શિક્ષણમાં પણ હિન્દુત્વની લેબોરેટરી બનશે.

MS યુનિ.માં કોર્સની ડિઝાઇન
વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં અધ્યાત્મના કોર્સ શરૂ થવા જઈ રહ્યા છે, એમાં કોર્સની ડિઝાઇન નક્કી કરી લેવામાં આવી છે, જેમાં હિન્દુ દર્શનનો પરિચય, યોગશાસ્ત્રનો પરિચય, હિન્દી, અંગ્રેજી, પ્રાચીન ભારત, મધ્યકાલીન ભારત, એડવાન્સ સંસ્કૃત, પર્યાવરણ વિજ્ઞાન, વેદોનો પરિચય, ઉપનિષદોનો પરિચય, આધુનિક ભારત (1707-1857),ભારતનું રાષ્ટ્રીય આંદોલન, હિન્દુ મનોવિજ્ઞાન, ભગવદ ગીતાનો પરિચય, રામાયણ, મહાભારતનો પરિચય, પુરાણ પરિચય, આધુનિક વિશ્વનો ઇતિહાસ, દક્ષિણ-પૂર્વ એશિયામાં હિન્દુ સંસ્કૃતિ, હિન્દુ ન્યાય વ્યવસ્થા, આયુર્વેદનો પરિચય,ધર્મશાસ્ત્રમાં આચાર, ભક્તિ ચળવળ, શૈવ, વૈષ્ણવ અને શક્તિ પરંપરા, બુદ્ધ તથા જૈન પરંપરા. ભારતનું સાંસ્કૃતિક પ્રવાસન, નાટ્યશાસ્ત્રનો પરિચય, ઇસ્લામ અને ખિસ્તી ધર્મનો પરિચય અને દક્ષિણ એશિયામાં ફેલાવો, કાવ્યશાસ્ત્રનો પરિચય, પુનર્જન્મ, બંધન, મોક્ષ વિમર્સા સહિતના વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ગ્રાફિક્સ : હરિઓમ શર્મા

અન્ય સમાચારો પણ છે...