વિદ્યાર્થી જ વિદ્યાર્થીને ભણાવી કમાણી કરશે:હવે અમદાવાદની સ્કૂલોમાં પણ રોબોટિક્સ કોર્સ ભણાવાશે, જાણો ફી અને સમયગાળો

અમદાવાદ6 દિવસ પહેલાલેખક: આનંદ મોદી

ટેકનોલોજીના યુગમાં વિદ્યાર્થીઓને સ્કૂલ લેવલથી જ રોબોટિક્સ એન્જીનિયરિંગ તરફ રુચિ વધે તેવા આશયથી હવે ધોરણ 6થી 12ના વિદ્યાર્થીઓને પણ રોબોટિક્સ એન્જિનિયરિંગના પાઠ ભણાવવામાં આવશે. અમદાવાદ શહેરની ત્રણ CBSE સ્કૂલોમાં અને સપ્ટેમ્બર બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત 40 સ્માર્ટ સ્કૂલોમાં રોબોટિક્સ એન્જિનિયરિંગના પાઠ ભણાવવામાં આવશે. પોલિટેકનિકના જે વિદ્યાર્થી સ્કૂલમાં જઈને ભણાવશે તેમને તેના બદલામાં વળતર રૂપે કેટલાક પૈસા પણ આપવામાં આવશે એટલે વિદ્યાર્થી જ વિદ્યાર્થીને ભણાવીને પૈસા કમાશે.

વિદ્યાર્થીઓ દ્વારા સ્ટાર્ટ અપ શરૂ કરાયું
નવી શિક્ષણ નીતિ પ્રમાણે વિદ્યાર્થીઓને પાયાના શિક્ષણમાં જ સ્કિલ બેઝ શિક્ષણ મળે તે વાત ધ્યાનમાં રાખીને સરકારી પોલિટેકનિક અમદાવાદના પ્રોજેક્ટ અને ઇનોવેશન લેબ, ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કન્ટ્રોલ પેનલના વિદ્યાર્થીઓ દ્વારા સ્ટાર્ટ અપ શરૂ કરાયું છે. ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટીના બોર્ડ ઓફ સ્ટડીઝના મેમ્બર ઉર્વીશ સોનીએ જણાવ્યું હતું કે ગવર્નમેન્ટ પોલિટેકનિક રોબોટિક્સ ક્લબના વિદ્યાર્થીઓ, સ્ટાર્ટઅપ્સ અને ફેકલ્ટી સ્કૂલોમાં જશે.

પોલિટેકનિક સાથે ટાઇઅપ કરવામાં આવ્યું
CBSE(સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન)ના સ્કિલ હબ દ્વારા સરકારી પોલિટેકનિક સાથે ટાઇઅપ કરવામાં આવ્યું છે. પોલિટેકનિકની ફેકલ્ટીઝ નક્કી કરવામાં આવેલી CBSEની સ્કૂલોમાં જશે અને વિદ્યાર્થીઓને રોબોટિક્સ એન્જિનિયરિંગ ભણાવશે. કોર્સ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ પણ આપવામાં આવશે. જે અંતર્ગત ત્રિપદા ઇન્ટરનેશનલ સ્કૂલ અને HB કાપડિયા સ્કૂલમાં પણ આ કોર્સ ભણાવવામાં આવશે.

AMCની સ્માર્ટ સ્કૂલમાં બનાવાઈ રોબોટિક્સ સ્કૂલ
આ જ રીતે અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની સ્કૂલો સાથે પણ વાતચીત કરવામાં આવી છે. જોકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નવી 40 સ્માર્ટ સ્કૂલ તૈયાર થઈ રહી છે. જેમાં રોબોટિક્સ લેબ બનાવવામાં આવી છે. આ લેબ બનતા ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓને વિના મૂલ્યે રોબકટિક્સ કોર્સ ભણાવવામાં આવશે. મહત્વનુ છે કે હાલમાં ઇન્ડસ્ટ્રીઝ મેન પાવર રિડક્શન અને ઓટોમેટિક મશીનરીને પ્રાધાન્ય આપી રહી છે.

અન્ય સમાચારો પણ છે...