તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

6 વર્ષ જૂની વિઝિટર પોલીસીનો અમલ:અમદાવાદની એલજી હોસ્પિ.માં આજથી OPD-વોર્ડમાં દર્દી સાથે એક વ્યક્તિને જ પ્રવેશ, દર્દીની મુલાકાતનો સમય બપોરે 3થી 5 જ રહેશે

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
દર્દીઓના  સગા અને બાઉન્સરો વચ્ચે ઘર્ષણ વધતા નિર્ણય - Divya Bhaskar
દર્દીઓના સગા અને બાઉન્સરો વચ્ચે ઘર્ષણ વધતા નિર્ણય
  • ઇમરજન્સી સારવાર, ઓપરેશન રૂમ અને સ્પેશિયલ રૂમમાં દર્દી સાથે બે સગા રહી શકશે
  • ICUમાં અંદર એક અને બહાર જરૂર પડ્યે એક વ્યક્તિને રહેવા દેવાની છૂટ અપાશે

અમદાવાદ શહેરની એલજી હોસ્પિટલમાં ભૂતકાળમાં હત્યા અને અવારનવાર મારામારીના કિસ્સા સામે આવ્યા છે. દર્દીઓ અને તેમનાં સગાઓ વચ્ચે હોસ્પિટલમાં પ્રવેશ મામલે ઘર્ષણની ઘટનાઓ બને છે. મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં દર્દીઓ સાથે આવતા સગાઓના પ્રવેશને લઇ વિઝિટર પોલીસી બનાવવામાં આવી હતી. જેનો આજથી કડક અમલ શરૂ કરવામાં આવ્યો છે. હોસ્પિટલની બહાર ગેટ અને દરવાજા પર વિઝિટર પોલિસીના બેનર લગાવી દેવામાં આવ્યા છે. આજથી જનરલ ઓપીડી અને વોર્ડમાં દર્દી સાથે એક જ વ્યક્તિ રહી શકશે. બાળ દર્દી હોય તો બે વ્યક્તિ રહી શકશે. ઇમરજન્સી સારવાર, ઓપરેશન રૂમ અને સ્પેશિયલ રૂમમાં દર્દી સાથે બે સગા રહી શકશે જ્યારે ICUમાં અંદર એક અને બહાર જરૂર પડ્યે એક વ્યક્તિને રહેવા દેવા પરમિશન આપવામાં આવશે. દર્દીઓને તેમના સગા હવે બપોરે 3 થી 5 દરમ્યાન જ મળી શકશે.

એક દર્દી સાથે એક વ્યક્તિને જ રહેવા દેવાશે
એલજી હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. લીના ડાભીએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હોસ્પિટલમાં દરરોજ હજારો દર્દીઓ આવે છે અને સાથે તેમના સગાઓ પણ આવે છે. એક સાથે ત્રણથી ચાર લોકો આવી જતા હોય છે જેથી ઘણી તકલીફ પડે છે. સિક્યુરિટી સ્ટાફ તેઓને સમજાવે છે ત્યારે તેમની વચ્ચે ઘર્ષણ થાય છે. જેથી હવે વિઝિટર પોલીસીનો કડક અમલ આજથી શરૂ કરવામાં આવ્યો છે. એક દર્દી સાથે એક જ વ્યક્તિને રહેવા દેવામાં આવશે.

હોસ્પિટલની બહાર ગેટ અને દરવાજા પર વિઝિટર પોલિસીના બેનર લગાવી દેવામાં આવ્યા
હોસ્પિટલની બહાર ગેટ અને દરવાજા પર વિઝિટર પોલિસીના બેનર લગાવી દેવામાં આવ્યા

દર્દીના સગાઓ કેમ્પસમાં જમતા હોવાથી ગંદકી વધે છે
હોસ્પિટલ કમિટિના ચેરમેન પરેશ પટેલે DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હોસ્પિટલમાં દર્દીઓની સાથે સગાઓની સંખ્યા વધી જાય છે. તેમના સાથે આવતા સગાના કારણે અનેક મુશ્કેલીઓ સામે આવી રહી છે. જેમાં તેમની બેસવાની વ્યવસ્થા અને લિફ્ટનો ઉપયોગ ઉપરાંત ટિફિન તેમજ ફૂડપેકેટ બહારથી લાવી હોસ્પિટલ કેમ્પસમાં જમે છે, જેનાથી કૂતરા અને કચરો પણ વધી રહ્યો છે. ગંદકીનું પ્રમાણ પણ વધી રહ્યું છે. જેથી હવે નિયંત્રણ મુકવા જરૂરી હોવાથી દર્દી સાથે એક જ વ્યક્તિ રહેવા દેવા અને સાંજે બે કલાક દર્દીને મળવાનો સમય નક્કી કરવામાં આવ્યો છે.

થોડા દિવસ પહેલા દર્દીઓ અને બાઉન્સરો વચ્ચે મારામારી થઈ હતી
થોડા દિવસ પહેલા હોસ્પિટલમાં દર્દીઓ અને બાઉન્સર સાથે મારામારી થઈ હતી બાદમાં બાઉન્સરો ને દર્દીના સગા દ્વારા માર મારવામાં આવ્યો હતો. કમ્પાઉન્ડમાં માર મારતા સામસામે ફરિયાદ મણિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. જે મામલે આજે એલ જી સત્તાધીશો અને મનપાના સત્તાધીશો દ્વારા વિઝિટર પોલિસી બહાર પાડવામાં આવી છે. જોકે હવે એલ જી હોસ્પિટલમાં બપોરે 3થી 5 મળવા દેવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...