અમદાવાદના PG ઓવરફ્લો:વાર્ષિક 700 કરોડનો ધંધો, ભાડાંમાં 2000નો વધારો છતાં 25 હજાર વિદ્યાર્થી વધ્યા, જાણો કયા વિસ્તારમાં કેટલું ભાડું

અમદાવાદ3 મહિનો પહેલાલેખક: અર્પિત દરજી

કૂદકે ને ભૂસ્કે અમદાવાદ વિકાસ કરી રહ્યું છે. શહેરના વિકાસ સાથે વસવાટ અને કારકિર્દી માટે દેશભરમાંથી લોકો અમદાવાદ તરફ દોટ મૂકી રહ્યા છે. અહીં ભણતર અને કારકિર્દી બનાવવા માટે ગુજરાતભરથી યુવાધન અમદાવાદ આવી રહ્યું છે. ત્યારે ભણવા માટે શહેરની સરકારી અને ખાનગી હોસ્ટેલમાં રહેતા હોય છે. જોકે તમામને ત્યાં સ્થાન મળવું મુશ્કેલ છે ત્યારે એક જગ્યા બચે છે PG એટલે કે પેઈંગ ગેસ્ટ. PGમાં રહેવા માટે 6 હજારથી માંડીને 15 હજાર સુધી રહેનારે ખર્ચવા પડતા હોય છે.

અમદાવાદમાં હાલ 75 હજાર જેટલા વિદ્યાર્થીઓ PGમાં રહે છે, જેમાં વિદ્યાર્થીદીઠ સરેરાશ મહિને રૂ.8000 હજાર જેટલો ખર્ચ આવે છે. આમ, PG-સંચાલકોને માસિક 60 કરોડનો અને વર્ષે સરેરાશ 700 કરોડનો ધંધો છે.

યુવાઓ તકની શોધમાં અમદાવાદની ‘રાહ’ પકડે છે
અમદાવાદમાં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓને રહેવા માટે પીજી મળવાનું મુશ્કેલ બન્યું છે. શહેરના મોટા ભાગના પીજી હાઉસફુલ થઈ ગયાં છે. એટલું જ નહીં, પરંતુ પીજીમાં મોંઘવારીને જોતાં ભાડાંમાં જોતજોતાંમાં 1500-2000 સુધીનો વધારો આવ્યો છે, પરંતુ પૈસા આપવા છતાંય વિદ્યાથીઓને પીજી નથી મળીતા. જાણકારોનું માનીએ તો હવે શહેરો પ્રત્યે આકર્ષણ અને તકો હોવાને કારણે યુવાનોમાં પહેલી પસંદ અમદાવાદ છે. રસપ્રદ બાબત એ છે કે પોતાનાં સંતાનોને અમદાવાદ મૂકવા આવતા વાલી પોતાનું બાળક શહેરમાં જ ભણે અને સેટલ થાય એ માટે અમદાવાદમાં રાખવા માટે પ્રાધાન્ય આપી રહ્યા છે.

કોરોનાકાળમાં પીજીની હાલત ખૂબ ખરાબ રહી
અમદાવાદમાં અભ્યાસ માટે આવ્યા હોવ અથવા પરિવારમાં કોઈ આવ્યું હોય તો આ સમાચાર તમારા માટે મહત્ત્વના છે. કોવિડનાં 2 વર્ષ બાદ અમદાવાદ સહિત રાજ્યનાં મહાનગરોના પીજી ખાલી થઈ ચૂક્યાં હતાં, ત્યાં હવે રહેવા માટે પડાપડી થઇ રહી છે. લાંબા સમયથી પીજીના વ્યવસાય સાથે સંકળાયેલા કાર્તિક મોદીએ જણાવ્યું હતું કે અગાઉ પીજીની પૂછપરછ માટે રોજના 80-90 કોલ્સ આવતા, પરંતુ હવે એમાં સતત વધારો થઈ રહ્યો છે. દિવસના 130-150 કોલ્સ પીજીમાં રહેવાની પૂછપરછ માટે આવી રહ્યા છે.

પીજી માંડ માંડ રહેવા મળ્યું એ પણ સમાધાન કરીને
અમદાવાદમાં અભ્યાસ માટે આવેલા વિદ્યાર્થીઓ પણ કેટલીય તપાસ અને ફર્યા બાદ પીજી મળે છે. અમદાવાદમાં જૂનાગઢથી અભ્યાસ માટે આવેલી ખુશી ગોસ્વામીનું કહેવું છે કે ઘરથી દૂર રહેવા માટે આવી ત્યારે સારા વિસ્તારમાં અનુકૂળ વાતાવરણમાં પીજી મળે એ મહત્ત્વનું હોય છે. પાછલા બે-ત્રણ મહિના છે, તેઓ પીજી માટેની તપાસ કરી રહ્યા હતા, પરંતુ અંતે તેમને પીજી મળ્યું. તો બીજી તરફ રાજસ્થાનથી અમદાવાદ અભ્યાસ માટે આવેલી રીમઝીમ મૈયત્રીનું કહેવું છે કે અહીં આવ્યા બાદ પણ પીજી મળવું મુશ્કેલ હતું, કેટલાક દિવસો નિર્ધારિત સંખ્યા અથવા તો રૂમની ક્ષમતા કરતાં 1-2 લોકોએ વધારે રહેવાની ફરજ પડી હતી.

પીજીમાં રહેનારની સંખ્યામાં મોટો ઉછાળો
મોટી વાત એ છે કે પીજીના ભાડામાં રૂપિયા 1500-2000 સુધીનો વધારો જોવા મળી રહ્યો છે. અગાઉ કોરોના પહેલાં એટલે કે 2020 અગાઉ અમદાવાદ શહેરમાં અંદાજે 50 હજાર યુવાનો પીજીમાં રહેવા માટે આવતા હતા. જોકે હવે એક અંદાજ પ્રમાણે 70-75 હજાર વિદ્યાર્થી અમદાવાદમાં અભ્યાસ માટે આવ્યા છે, જેથી શહેરના તમામ પીજી હાઉસફુલ જોવા મળી રહ્યાં છે. એક અંદાજ અનુસાર અમદાવાદમાં હાલ રજિસ્ટર્ડ થયેલાં 1200થી વધુ પીજી કાર્યરત છે, જેમાં કોઈ એક બિલ્ડિંગમાં માત્ર વિદ્યાર્થીને જ રહેવા માટેની સગવડ હોય.

કોરોનાકાળમાં સ્ટુડન્ટને ઘર સદી ગયું
બોપલ વિસ્તારમાં પીજી ધરાવતાં ખ્યાતિબેન પુરોહિતે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં જણાવ્યું હતું કે હમણાં પરિસ્થિતિ એવી થઈ છે કે ગયા વર્ષે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. કોલેજ શરૂ થઈ, પરંતુ કોરોનાને કારણે ફરી બંધ થઈ હતી, જેથી વિદ્યાર્થીઓએ ઘરે રહેવાનું પસંદ કર્યું. ઉપરાંત બે વર્ષ કોરોના દરમિયાન કેટલાંક પીજી બંધ પણ થયાં, પણ હવે પરિસ્થિતિ સામાન્ય બની છે, જેને કારણે આ વર્ષે પાસ થયેલા વિદ્યાર્થીઓ અને ગયા વર્ષે પાસ થયેલા વિદ્યાર્થીઓ એમ બંને વર્ષની બેંચના વિદ્યાર્થીઓ આ વર્ષે અમદાવાદ આવ્યા, એટલે પીજી મળવું મુશ્કેલ બન્યું છે.

વાલીઓ પણ ઈચ્છે કે બાળકો અમદાવાદમાં સેટ થાય
કાર્તિક મોદીએ જણાવ્યું હતું કે હાલના સમયમાં સૌથી મોટી વાત એ છે કે જે વાલીઓ પોતાનાં બાળકોને અમદાવાદ મૂકવા આવે છે. તેમનું કહેવું છે કે જો બાળક અમદાવાદમાં ભણે, રહે અને સેટ થાય તો તેમના લગ્ન વિશેનો પ્રશ્ન પણ નડતો નથી, કેમ કે જો દીકરો શહેરમાં સેટ હોય તો કામ સરળ રહે છે. બિલ્ડર અને પીજીના વ્યવસાય સાથે જોડાયેલા કેતનભાઇ કુંડળિયાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના ફ્લોને જોતાં તેમના મિત્રો સાથે મળીને નવરંગપુરામાં 1 હજાર વિદ્યાર્થીઓની ક્ષમતાવાળું પીજી બનાવી રહ્યા છે.

જેવો વિસ્તાર એવાં ભાડાંના દર
અમદાવાદમાં પેઈંગ ગેસ્ટ તરીકે રહેવા માટે શહેરમાં ઠેરઠેર પીજી ચાલી રહ્યાં છે. જોકે વિસ્તાર પ્રમાણે પીજીમાં રહેવામાં ભાડાં અલગ અલગ છે, જેમ કે પાલડીમાં કોઈ સ્ટુડન્ટને પીજીમાં રહેવું હોય તો 7-8 હજાર ચૂકવવા પડે છે. એજ્યુકેશન હબ એવા યુનિવર્સિટી વિસ્તાર નવરંગપુરા આસપાસ રહેવામાં માટે 10થી લઈને 15 હજાર પ્રતિ સ્ટુડન્ટ ભાડું હોય છે. વસ્ત્રાપુરમાં 8થી માંડીને 13 હજાર સુધી ભાડું હોય છે. જ્યારે પ્રહલાદનંગર વિસ્તારમાં ભાડાનો દર 8થી 12 હજાર આસપાસ રહે છે, તો બોડકદેવમાં 6થી 9 હજાર જેટલું ભાડું છે.

અન્ય સમાચારો પણ છે...