ખબરદાર જમાદાર:ટપોરીઓએ એક્ટિવા શું લઈ આપ્યું કે PI સાહેબ તો રાજીના રેડ, દારૂમાં મેળ ના પડ્યો તો નબીરાઓને સટ્ટામાં લપેટી લાખો પડાવ્યા!

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દિવ્ય ભાસ્કર તેના વાચકમિત્રો માટે દર ગુરુવારે એક પોલીસ વિભાગની અંદરોઅંદરની કાનાફૂસી આધારિત પ્રસ્તુતિ રજૂ કરી રહ્યું છે, જેનું નામ છે 'ખબરદાર જમાદાર!'. આ વિભાગમાં સમગ્ર રાજ્યના પોલીસબેડામાં જે ગપસપ ચાલી રહી છે એને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવે છે.

સરકારની નજીક જવા માટે IPS અધિકારીઓ કંઈક ને કંઈક ગતકડાં કે મથામણ કરતા જ રહે છે. આ બધાની વચ્ચે ગુજરાત સરકારના વહાલા થવા માટે બેથી ત્રણ IPS અધિકારીઓ ઘણા સમયથી મહેનત કરી રહ્યા છે. આ IPSએ સરકારને ખુશ કરવા તદ્દન નવો કીમિયો અજમાવ્યો છે. અત્યારે મીડિયામાં સરકારની તરફેણમાં કે સરકારને નુકસાન થાય એવી કઈ બાબતો છપાય છે? કોણ છાપી રહ્યું છે? તેએ સોર્સ શું છે? આ બધી વિગતો જાણીને IPS એ માહિતીને સરકાર સુધી પહોંચાડે છે. આ કારણે સરકારને પણ મીડિયાની પળેપળની માહિતી તેમજ અંદરની વાતો જાણવા મળી રહી છે. છેલ્લા ઘણા સમયથી આ એક્ટિવ IPS અલગ-અલગ મુદ્દે સરકારને માહિતી આપી રહ્યા છે. આમાં હનીટ્રેપ હોય કે લઠ્ઠાકાંડ... દરેક બાબતે ક્યાં કોનો શું રોલ છે એ દરેક વિગતો તેમણે જ સરકાર સુધી પહોંચાડી છે.

બધાને બહુ વહાલા થવામાં પણ આ IPS જેવું જોખમ થાય
અત્યારે ગુજરાતના પોલીસબેડામાં એક IPSની સાથે દાવ થઈ ગયો એ ચર્ચા ખૂબ ચાલી છે. બાહોશ અને પ્રામાણિક ઈમેજ ધરાવતા વરિષ્ઠ IPSએ ડેપ્યુટેશન પર દિલ્હી જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. રાજ્ય સરકારને ક્યાંય કોઈ મુદ્દે નારાજ ન કરાય તેનું આ IPS ખાસ ધ્યાન રાખતા હતા. આમેય ક્લીન ઈમેજ એટલે આ સાહેબ પ્રત્યે બધાને માન પણ બહુ ખરું. હવે થયું એવું કે આ IPSએ દિલ્હી જવા માટે અરજી પણ મૂકી દીધી હતી. બધાને હતું કે સરકારની ગુડબુકમાં રહેલા આ સાહેબને વળી દિલ્હી જતા કેમ રોકી શકે, પરંતુ અહીં તો આ IPSની ચઢતી દેગમાં તેમના જ કેટલાક વિશ્વાસુ સાથીદારોએ પહાણો મારવાનું કામ કર્યું છે. સરકાર પણ એ મતની છે કે આ IPS સાહેબ તો બહુ સારા છે, તેમને તો જવા ના જ દેવાય.

ટપોરીઓએ PIને 2 પૈંડાંમાં ખુશ કરી દીધા, હવે બેફામ હપતારાજ
અમદાવાદ શહેરમાં એક પોલીસ-ઇન્સ્પેક્ટરને હાલમાં જ બે સ્થાનિક ટપોરીઓએ એક લાખથી ઉપરની કિંમતનું નવું નક્કોર ટૂ-વ્હીલર લઈ આપ્યું છે. આ પહેલાં આપણા PI સાહેબ PSI હતા ત્યારે આ ટપોરીઓના સંપર્કમાં આવ્યા હતા. હવે શહેરમાં આ અધિકારી પોલીસ-ઇન્સ્પેક્ટર બનીને આવ્યા છે ત્યારે આ ટપોરીઓ પોતે માર્કેટમાંથી હપતા ઉઘરાવી શકે છે એવું દેખાડીને PI સાહેબને હાથ ઉપર લઈ લીધા છે. બીજી તરફ, PI સાહેબે પણ આ બંને ટપોરીઓને ડાયરેક્ટ સાચવી લીધા છે. PI સાહેબ પણ પોતાને મળેલી લાખ રૂપિયાનું ટૂ-વ્હીલર લઈને ખુશખુશાલ છે. બીજી તરફ, આ ટપોરીઓ ફેરિયાઓ પાસેથી ધંધો કરવા રૂપિયા ઉઘરાવે છે, જેમાં પણ પોલીસનો ભાગ છે.

સુરતના ચૌટાબજારમાં પોલીસ કરતાં વહીવટદારોનું વધુ જોર
સુરતના ઐતિહાસિક ચૌટાબજારમાં પોલીસ કરતાં વહીવટદારોનું વધુ જોર ચાલે છે. આનું કારણ એ છે કે બજારમાં હપતા ઉઘરાવવાનું કામકાજ પોલીસ વહીવટદારો નહીં, પણ ખાનગી ટપોરીઓ સંભાળી રહ્યા છે અને તેમણે અધિકારીઓ સાથે સીધું સેટિંગ પણ કરી લીધાની ચર્ચા છે. સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓ સાથેના આ ડાયરેક્ટ અને મસમોટા સેટિંગને કારણે ચૌટાબજારમાં દબાણકર્તા ફેરિયાઓની પણ ભારે દાદાગીરી શરૂ થઈ ગઈ છે. હવે આમાં બરાબરની સલવામણી ચૌટાબજારમાં પેઢીઓથી કે વર્ષોથી દુકાન રાખીને ધંધો કરી રહેલાની થઈ છે. દુકાનો ઢંકાઈ જાય એ રીતે ફેરિયાઓ પાથરણાં પાથરે એ તો ઠીક, પણ દુકાનોમાં જવાના રસ્તા બ્લોક કરી દે છે. આ ઉપરાંત વેપારીઓ કાંઈક કહે તો તેમની સાથે સીધી મારઝૂડ પર ઊતરી આવે છે આ દબાણકર્તાઓ. આ આખું સેટિંગ એક નામચીન સ્થાનિક ગેંગે કર્યાનું પણ ચર્ચી રહ્યું છે.

દારૂમાં કાંઈ ના મળ્યું તો સટ્ટામાં ફસાવી લાખો પડાવ્યા
સૌરાષ્ટ્રના એક શહેરની પોલીસ એજન્સીએ હાલમાં જ કેટલાક યુવાનોનો લાખોમાં કરેલો વહીવટ આજકાલ ચર્ચામાં છે. આ શહેરની એક હોટલમાંથી એક પોલીસ એજન્સીએ કેટલાક યુવાનોને પીધેલી હાલતમાં પકડ્યા હતા. આ હોટલમાં નબીરાઓ દારૂની મહેફિલ માણી રહ્યા હતા અને સાંજના સમયે ચોક્કસ બાતમીના આધારે એજન્સીએ ખાનગી વાહનમાં જઈ દરોડો પાડ્યો. પીધેલા નબીરાઓ સાથે રકઝક કરી બાદમાં એક એજન્સી ઓફિસે લઇ જવામાં આવ્યા હતા. પીધેલી હાલતમાં તો આ યુવાનોનો કોઈ ખાસ તોડ થઇ શકે એમ ન હોવાથી પોલીસે જાતે તેમના જપ્ત કરેલા મોબાઇલમાં ક્રિકેટ સટ્ટા આઇડી ડાઉનલોડ કરી દીધા. હવે બેટમજી ક્યાં જાય? તમે સટ્ટો રમો છો એવું કહીને આ નબીરાઓનો લાખોનો (6 આંકડાની રકમ) તોડ કરવામાં આવ્યો હતો. હવે આ નબીરાઓને દારૂની બોટલ આપવા આવનાર બૂટલેગર જ પોલીસનો બાતમીદાર હોય એવું પણ મનાય છે.

અમદાવાદના સસ્પેન્ડેડ PSIએ નવરાશમાં વડોદરામાં બંગલો બનાવ્યો
અમદાવાદના એક એરિયામાં સળિયાકૌભાંડ અને કેમિકલકૌભાંડનો ગત માર્ચ મહિનામાં વિજિલન્સની ટીમે દરોડો પાડી પર્દાફાશ કર્યો હતો. એમાં એક PI અને બે PSIને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. હવે સસ્પેન્શનમાં નવરા પડેલા એક PSIએ વડોદરાના એરપોર્ટ નજીક પોતાનું ટેનામેન્ટ તોડી ત્યાં વૈભવી બંગલો બંધાવી દીધો છે. આમ તો સસ્પેન્ડ થયેલા આ PSI નવી કોઈ જગ્યાએ પોસ્ટિંગ મળી જાય એ માટે દોડધામ કરી રહ્યા છે. આમ તો PSIનો પરિવાર વડોદરામાં રહે છે અને અહીં જ નવા ઘરમાં રહેવા જાય ત્યારે નવું પોસ્ટિંગ મળે એવી આ PSI આશા સેવી રહ્યા છે. વિધાનસભા ચૂંટણી દરમિયાન પોતાને મનગમતી જગ્યાએ પોસ્ટિંગ મળી જાય એનો પણ તેમણે પ્રયાસ કર્યો, પણ ફાવ્યા નહીં.

અન્ય સમાચારો પણ છે...