અમદાવાદની શાન સમાન માણેકચોકનું ખાણી પીણી બજાર વિવાદમાં રહ્યું હતું. કારણ કે માણેકચોકમાં ચાર પાંચ દિવસથી લોકોને ટેબલ ખુરશી નહીં, પરંતુ જમીન પર બેસીને જમાડવામાં આવતા હતા. જેમાં કેટલાક વેપારીએ પોલીસ ઉપર દોષનો ટોપલો ઢોળ્યો હતો.
આ પણ વાંચો, દિવ્યભાસ્કર રિપોર્ટ: રાતોરાત માણેકચોકમાં આટલું મોટું પરિવર્તન કેમ?
જે અંગે દિવ્યભાસ્કર દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો, ત્યારે પોલીસે નોંધ લઈને ગઈકાલે માણેકચોકના વેપારીઓને રસ્તા પરથી વધારાનું દબાણ દૂર કરવા સમજાવીને એમ્બ્યુલન્સ પસાર થઈ શકે એટલો રસ્તો ખુલ્લો રાખવા જણાવ્યું હતું. જે વેપારીઓએ માની લેતા માણેકચોકના વિવાદનો સુખદ અંત આવ્યો હતો.
થોડા દિવસ પહેલા પાથરણામાં જમવા બેસાડાતા હતા
માણેક ચોકના ખાણીપીણી બજારમાં અચાનક જ ટેબલ ખુરશી ગાયબ થઈ હતા અને જમવા આવતા લોકોને નીચે જમીન પર પાથરણા પાથરીને જમવા બેસાડવામાં આવતા હતા. આ અંગે વિવાદ થયો હતો, જેમાં પોલીસના કારણે વેપારીઓ ટેબલ ખુરશી હટાવ્યા હોવાનું ચર્ચા ચાલી રહી હતી. ત્યારે ગઈકાલે ઝોન-3 ડીસીપી સુશીલ અગ્રવાલે જાતે જઈને વેપારીઓ સાથે વાતચીત કરીને તેમને સમજાવ્યા હતા. જેથી વેપારીઓ ડીસીપી સાથે વાતચીત કરી બાંહેધરી આપી હતી. વિવાદનો અંત આવતા ગઈકાલે ફરીથી ટેબલ ખુરશીઓ લાગી ગયા હતા અને વેપારીઓ સાથે ડીસીપી પણ જમ્યા હતા.
સ્થાનિકોને ખાણીપીણી બજારથી મુશ્કેલી પડતી
ઝોન 3 ડીસીપી સુશીલ અગ્રવાલના જણાવ્યા અનુસાર માણેકચોકમાં રહેતા સ્થાનિકોને માણેકચોકના ખાણીપીણી બજારના કારણે મુશ્કેલી થતી હતી. માણેકચોકમાં ખાણીપીણી બજારમાં ટેબલ ખુરશી અગાઉ કરતા વધી ગયા હતા અને રોડ પર પહોંચી હતા, જેના કારણે ટ્રાફિક અને અન્ય સમસ્યા સર્જાતી હતી. સ્થાનિકોને આ અંગે પોલીસને રજૂઆત પણ કરી હતી. આ ઉપરાંત થોડા દિવસ અગાઉ રાણીના હજીરામાં એક મહિલા માટે એમ્બ્યુલન્સને આવવા માટે પણ ભારે મુશ્કેલી પડી હતી. જેથી પોલીસને જાણ થતાં પોલીસે વેપારીઓને કડક શબ્દોમાં સૂચના આપીને દબાણ દૂર કરીને અગાઉની જેમ ઓછા ટેબલ ખુરશી લગાવવા જણાવ્યું હતું.
વેપારીઓએ પોલીસની સૂચના ન ગમતા ટેબલ-ખુરશી હટાવી
પોલીસની સૂચના કેટલાક વેપારીઓને ના ગમતા વેપારીઓએ જાણે વિરોધ હોય તેમ ટેબલ ખુરશીઓ હટાવી દીધી હતી અને નીચે પાથરણા પાથર્યા હતા. જેમાં લોકોને નીચે બેસીને જમાડવામાં આવતા હતા. જોકે, પોલીસ કોઈ પણ સંજોગમાં દબાણ ચલાવવા માંગતી નહોતી, જેથી પોલીસે ગઈકાલે રાતે વેપારીઓ સાથે બેઠક કરી હતી. જેમાં વેપારીઓને સમજાવ્યા હતા. વેપારીઓ પોલીસ સાથે સહમત થાય હતા. વેપારીઓએ પોલીસને બાંહેધરી આપી હતી કે અંદરોઅંદર ચર્ચા કરીને વધારાના ટેબલ ખુરશી હટાવી દેવામાં આવશે તથા રાતે નિયમ મુજબ બંધ કરી દેવામાં આવશે. આમ વિવાદનો અંત આવ્યો હતો, જેથી અમે વેપારીઓ સાથે જમ્યા હતા. પોલીસ ઈચ્છે છે કે વધુમાં વધુ લોકો હેરિટેજ જગ્યાએ આવે અને માણેકચોકમાં જમે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.