ભૂપેન્દ્ર પટેલ સરકાર 2.O:હવે કોઈપણ વ્યક્તિ સીધી CMOમાં વોટ્સએપ કરીને કરી શકશે ફરિયાદ, જાણો કઈ રીતે કામ કરશે આ સિસ્ટમ?

22 દિવસ પહેલા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પક્ષ દ્વારા ચૂંટણી ઢંઢેરો જાહેર કરતા પહેલા તમામ જિલ્લા અને 182 વિધાનસભા વિસ્તારમાંથી જનતાના સૂચનો મંગાવવામાં આવ્યા હતા. ત્યારે એક જો ભાજપની સરકાર બને તો મુખ્યમંત્રીને સીધી ફરિયાદ થઈ શકે તેવું લખાણમાં ભાજપે સૂચન કર્યું હતું. જે અંતર્ગત ભાજપની ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા મુખ્યપ્રમંત્રી ભૂપેન્દ્ર પટેલને સીધી રજૂઆત કરવા માટે વોટ્સએપ નંબરની જાહેરાત કરવામાં આવી છે. સિસ્ટમમાં મળેલી ફરિયાદની રિયલ ટાઈમ મોનિટરિંગ સાથે મહાનગરપાલિકાઓની વેબસાઈટને પણ સીએમ ડેશબોર્ડ સાથે જોડી દેવામાં આવી છે. આ ઉપરાંત આવેલી ફરિયાદોનો કેટલા સમયમાં નિવારણ થયું તેની પણ સમીક્ષા આ સિસ્ટમથી કરવામાં આવશે.

કઈ રીતે કામ કરશે આ સિસ્ટમ?
સરકાર દ્વારા સામાન્ય જનતા સીધી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રજૂઆત કરી શકે તે માટે ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ બાબતે સરકાર દ્વારા સ્વર્ણિમ સંકુલ 2માં જન સંપર્ક કાર્યાલય પણ શરૂ કરવામાં આવ્યો છે. સિસ્ટમ કેવી રીતે કામ કારશે તે બાબતે જન સંપર્ક કાર્યાલયમાં ખાસ ફરજ પરના અધિકારી રાકેશ વ્યાસે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ સિસ્ટમ 1 જાન્યુઆરીથી શરૂ કરી છે. જેમાં સરકારે 7030930344 નંબર જાહેર કર્યો છે. જેમાં કોઈ પણ વ્યક્તિ પોતાના મોબાઈલમાં આ નંબર સેવ કરીને પોતાની ફરિયાદ પોર્ટલ માધ્યમથી કરી શકશે. ફરિયાદ પ્રાપ્ત થયા બાદ વિભાગ દ્વારા તાપસ કરવામાં આવે અને ત્યારબાદ જિલ્લા અને તાલુકા અને કોર્પોરેશન દીઠ ફરિયાદને આગળ મોકલવામાં આવશે.

ફરિયાદ માટે અલગ અલગ 3 કેટેગરી
મુખ્યમંત્રીને ફરિયાદ માટેની સિસ્ટમની વાત કરવામાં આવે તો નંબર સેવ કર્યા બાદ કોઈ પણ મેસેજ લખીને મોકલવો ફરજિયાત છે અને ત્યારબાદ એક ઓટો જનરેટેડ મેસેજ આવે છે. તેમાં ગુજરાતી અને અંગ્રેજી ભાષા પસંદ કરવાનો વિકલ્પ આપવામાં આવે છે અને ત્યારબાદ રાજ્ય સ્વાગત, જિલ્લા સ્વાગત, તાલુકા સ્વાગતની કેટેગરી બતાવવામાં આવી છે. જે પ્રમાણે રાજ્ય કક્ષાનો પ્રશ્ન હોય તો રાજ્ય સ્વાગતમાં, જિલ્લા કક્ષાનો પ્રશ્ન હોય તો જિલ્લા સ્વાગતમાં અને તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકા સ્વાગતમાં જે તે ફરિયાદી પોતાના પ્રશ્નની રજૂઆત કરી શકે છે.

સીએમ રિલીફ ફંડ બાબતે પણ થઈ શકે છે અરજી
રાજ્યમાં ગંભીર રીતે પીડાતા અને મોટી માંદગીમાં સપડાયેલા નાગરિકોને સારવાર માટે રાજ્ય સરકારની મદદની જરૂર હોય તો તેવા લોકો પણ આ નંબરના માધ્યમથી જ સીધું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને સીએમ રિલીફ ફંડની સહાય માટેની રજૂઆત કરી શકે છે. જ્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને મળવા માટે સીધી મુલાકાત માટે પણ આમાં એપોઇન્ટમેન્ટ સિસ્ટમ પણ મૂકવામાં આવી છે.

પ્રતિ દિવસ 50 ફરિયાદ પ્રાપ્ત થાય છે
સમગ્ર બાબતે મુખ્યમંત્રી જન સંપર્ક કાર્યાલયના ખાસ ફરજ પરના અધિકારી રાકેશ વ્યાસે દિવ્ય ભાસ્કર સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, પ્રતિ દિવસે 50 જેટલી ફરિયાદો પ્રાપ્ત થઈ રહી છે. જ્યારે આવનારા દિવસોમાં આ સિસ્ટમને વધુ સારી સિસ્ટમ રીતે ડેવલોપ કરવામાં આવશે. રાજ્ય સરકારની તમામ સરકારી કચેરીમાં મુખ્યમંત્રી વોટ્સએપ બોટની જાહેરાત અને બોર્ડ લગાવવાની સૂચના આપવામાં આવી છે.

3 નવા ઈ-મોડ્યુલ શરૂ કરાયા
1. CMO વોટ્સએપ બોટ

  • નાગરિકો પોતાના સૂચનો સીધા જ CMને વોટ્સએપ નંબર 7030930344 પર મોકલી શકશે.
  • આ મોડ્યુલ મુખ્યમંત્રી સાથે મુલાકાત માટેની માહિતી આપશે.
  • મુખ્યમંત્રી રાહત નિધિનો લાભ મેળવવાની માહિતી આપશે.
  • જાહેર ફરિયાદ નિવારણ કાર્યક્રમ “SWAGAT Online” વિશે માર્ગદર્શન આપશે.
  • ‘રાઇટ ટુ સી.એમ.ઓ’ (Write to CMO) ફીચરનો ઉપયોગ કરી રજૂઆતો CMને સીધી જ મોકલી શકશે.

2. વિઝિટર્સ મેનેજમેન્ટ સિસ્ટમ (VMS)

  • મુખ્યમંત્રી કાર્યાલયમાં આવતા મુલાકાતીઓની રજૂઆત-ફરિયાદના સમાધાન માટે VMSનો ઉપયોગ થશે.
  • મુલાકાતીઓના પ્રશ્નોનું સ્થાનિક સ્તરે, વિભાગીય સ્તરે કે ઉચ્ચ અધિકારીના સ્તરે સમાધાન માટે મોડ્યુલ ઉપયોગી બનશે.
  • જુદી-જુદી ફરિયાદ/રજૂઆતને વિવિધ સ્તરે અલગ તારવી તેના નિરાકરણ માટેનું ફોલોઅપ લેવાશે.

3. અર્બન ગ્રિવેન્સ રિડ્રેસલ મોનિટરીંગ સિસ્ટમ (UGRMS)

  • રાજ્યની 8 મહાનગરોના શહેરીજનોની ઓનલાઇન-ઓફલાઈન ફરિયાદોના રિયલ ટાઇમ મોનિટરીંગ માટે મહાનગરપાલિકાઓની વેબસાઇટ્સને સી.એમ ડેશબોર્ડ સાથે જોડાણ થશે.
  • મહાનગરોના પ્રત્યેક ઝોન-વોર્ડ અને વિસ્તારમાંથી આવેલી ફરિયાદોનું કેટલા સમયમાં નિવારણ થયું તેની રિયલ ટાઇમ સમીક્ષા મોડ્યુલ મારફતે કરી શકાશે.
અન્ય સમાચારો પણ છે...