AMCની કાર્યવાહી:કોરોનાના 50 દર્દીઓ પાસેથી સારવારના નક્કી ચાર્જ કરતાં વધુ પૈસા પડાવનારી હોસ્પિટલોને નોટિસ પાઠવી ખુલાસો માગ્યો

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
આદિત્ય મલ્ટી હોસ્પિટલ સામે પણ AMCમાં ફરિયાદ કરવામાં આવી છે - Divya Bhaskar
આદિત્ય મલ્ટી હોસ્પિટલ સામે પણ AMCમાં ફરિયાદ કરવામાં આવી છે

કોરોનાની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ દર્દીઓ પાસેથી મ્યુનિ.એ નક્કી કરેલા સારવારના દર કરતાં વધારે પૈસા પડાવાતા હોવાની અનેક ફરિયાદો ઊઠી છે. મ્યુનિ.ને આ અંગે 50 જેટલી ફરિયાદો મળી છે. આ મામલે મ્યુનિ.એ વધુ પૈસા વસૂલતી હોસ્પિટલોને નોટિસ પાઠવી ખુલાસો માગ્યો છે. જો કે કોઈપણ હોસ્પિટલ સામે દંડનીય કે અન્ય પગલાં લેવામાં આવ્યા નથી.

શહેરમાં 40 કરતાં વધારે હોસ્પિટલેે કોરોના લહેર વચ્ચે હોસ્પિટલમાં દાખલ થતાં દર્દીઓ પાસે પહેલા 50 હજારથી 1 લાખ જેટલી રકમ જમા કરાવવા માટે સૂચના અપાઈ હતી. જે બાદ તેમની સારવાર ચાલુ કરવામાં આવતી હતી. મ્યુનિ. દ્વારા તમામ હોસ્પિટલો માટે કોરોના સારવારમાં ચાર્જ નક્કી કરવામાં આવ્યો હતો. જોકે તેમ છતાં કેટલીક હોસ્પિટલ દ્વારા નિયત કરતાં પણ ‌વધારે ચાર્જ લીધો હોવાની ફરિયાદો ઉઠી હતી. જેમાં મ્યુનિ. સમક્ષ 50 થી વધારે દર્દીના સગાંએ ફરિયાદો કરી હતી. અગાઉ પણ કેટલીક હોસ્પિટલમાં વધારે બિલ આપવા મુદ્દે પણ ભારે હોબાળો થયો હતો.

આ કિસ્સામાં ફરિયાદ થઇ છે

  • સ્મિતા દત્તાના પતિને શ્વાસ લેવામાં તકલીફ પડતાં તેને આદિત્ય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ડિસ્ચાર્જ કરાયા બાદ હોસ્પિટલ પાસે દવાનું બીલ માગતાં ન આપતાં તેમણે મ્યુનિ. સમક્ષ ફરિયાદ કરી છે.
  • મ્યુનિ. સમક્ષ થયેલી અન્ય એક ફરિયાદ અનુસાર ઘોડાસર વિસ્તારમાં રહેતાં મુકેશ પ્રજાપતિએ ઝાયડસ હોસ્પિટલમાં આરટીપીસીઆર ટેસ્ટ કરાવતાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યાં તેમણે 70 હજાર રકમ ભરી હતી, આ અંગે ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરી હતી.

પ્રથમ લહેરમાં રાજસ્થાન હોસ્પિટલને 50 લાખ સહિત 6 હોસ્પિટલને મ્યુનિ.એ દંડ ફટકાર્યો હતો
રાજસ્થાન હોસ્પિટલે 20 મિનિટ મોડો ગેટ ખોલ્યો હોવાથી કોરોનાના દર્દીનું મોત થયું હોવાના પરિવારના આક્ષેપ બાદ મ્યુનિ.એ રાજસ્થાન હોસ્પિટલને નોટિસ મોકલી હતી. ત્યારબાદ રાજસ્થાન હોસ્પિટલને 50 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. બોડીલાઇન સહિતની 6 જેટલી હોસ્પિટલને અલગ અલગ ગેરરીતિ ખાસ કરીને વધુ નાણાં વસૂલવા સહિતની બાબતોએ દંડ ફટકાર્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ એએમસી દ્વારા આંબાવાડીમાં આવેલી અર્થમ હોસ્પિટલ અને પાલડીની બોડીલાઈન હોસ્પિટલને પણ નોટિસ મોકલાઈ હતી. બંન્ને હોસ્પિટલોને રૂ.5-5 લાખનો દંડ ફટકાર્યો હતો.

હજુ સુધી કોઈ હોસ્પિટલ સામે કાર્યવાહી થઈ નથી
એપેડેમિક એક્ટ હેઠળ પગલા લેવા ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિએ મુખ્યમંત્રી, કમિશનરને રજૂઆત કરી છે. અમારી પાસે આવેલી 5 ફરિયાદમાં અમને મુખ્યમંત્રી દ્વારા એવો પત્ર સાંપડ્યો છેકે, આ અંગે મ્યુનિ. કમિશનર દ્વારા ઘટતી કાર્યવાહી કરાશે. જોકે હજુ સુધી કોઈ હોસ્પિટલ સામે કાર્યવાહી થઇ નથી. - મુકેશ પરીખ, ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ

અન્ય સમાચારો પણ છે...