કૌભાંડ સામે કાર્યવાહી:અમદાવાદમાં આવાસ યોજનાનાં મકાનોમાં ગેરકાયદે ભાડે રહેતા લોકોને મકાન ખાલી કરાવવા નોટિસ અપાશે, મકાનમાલિકો સામે કાર્યવાહી થશે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
તસવીર પ્રતીકાત્મક છે. - Divya Bhaskar
તસવીર પ્રતીકાત્મક છે.
  • AMCના અધિકારીઓ અને કેટલાક અસામાજિક તત્ત્વોની મિલીભગતથી ભાડે આપવાનું કૌભાંડ ચાલે છે
  • 10,000થી વધુ મકાનોમાં 1000થી વધુ લોકો ભાડે રહે છે છતાં અધિકારી ચેકિંગ કરવા જ જતા નથી

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અમદાવાદ શહેરમાં આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવાસ બનાવવામાં આવ્યાં છે. શહેરના ચાંદખેડા, મોટેરા, ગોતા, બોડકદેવ, નિકોલ, વસ્ત્રાલ, વટવા, ઓઢવ, સહિતના વિસ્તારોમાં બનેલાં સરકારી આવાસ યોજનાનાં મકાનોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને કેટલાક અસામાજિક તત્ત્વોની મિલીભગતથી ભાડે આપી દેવામાં આવે છે. ક્યારેક અધિકારીઓ આવાસ યોજનાના મકાનમાં કોણ રહે છે એનું ચેકિંગ કરતા નથી. જેથી હવેથી હાઉસિંગ અને EWS કમિટી દ્વારા સરકારી આવાસ યોજનાનાં મકાનોમાં ભાડે રહેતા લોકોને નોટિસ આપવામાં આવશે અને ખાલી કરવા જણાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

મકાનમાલિકો સામે થશે કાયદેસરની કાર્યવાહી
હાઉસિંગ એન્ડ EWS કમિટીના ચેરમેન અશ્વિન પેથાણીએ જણાવ્યું હતું કે મળેલી કમિટીની બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે દરેક ઝોનમાં આવેલા આવાસ યોજનાનાં મકાનોમાં જે મકાનમાલિકોએ મકાન ભાડે આપી દીધા છે તેમને નોટિસ આપવામાં આવશે અને સાત વર્ષ સુધી મકાન ભાડે આપી શકાય નહીં. જેમણે પણ મકાન ભાડે આપ્યા છે એવા મકાનમાલિકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

તસવીર પ્રતીકાત્મક છે.
તસવીર પ્રતીકાત્મક છે.

શહેરમાં વધુ 45,371 મકાનો બનાવવાની કામગીરી ચાલે છે
વધુમાં અશ્વિન પેથાણીએ જણાવ્યું હતું કે હવે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાનો બને છે, જેમાં 23,332, LIG અંતર્ગત ફેઝ 2માં 2501 અને ઝૂંપડપટ્ટી પુનઃ વસન યોજના 2013 અંતર્ગત 15538 એમ મળી કુલ 45371 મકાનો બનાવવાની કામગીરી ચાલી રહી છે. પાંચ વર્ષમાં અત્યારસુધીમાં 46,806 મકાનો લાભાર્થીઓને ફાળવવામાં આવ્યાં છે. 2022માં 15,000 જેટલાં મકાનો બનાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત EWS કેટેગરીનાં 4,041 અને કેટેગરી 2નાં 2,401 મકાનો બનાવવાની ટેન્ડરિંગની પ્રક્રિયા ચાલી રહી છે.

તસવીર પ્રતીકાત્મક છે.
તસવીર પ્રતીકાત્મક છે.

શહેરમાં 1000થી વધુ મકાનો ગેરકાયદે ભાડે આપેલાં છે
મળતી માહિતી મુજબ, શહેરના EWS આવાસ યોજનાનાં મકાનોમાં કમિટીના ચેરમેન, સભ્યો અને અધિકારીઓ મોટી પોલીસફોર્સ સાથે મકાનોમાં ચેકિંગ હાથ ધરશે. જે પણ લોકો ભાડે રહે છે તેમને મકાન ખાલી કરવા જાણ કરવામાં આવશે અને જો તેઓ મકાન ખાલી નહિ કરે તો કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. શહેરમાં 1000થી વધુ મકાનોમાં ગેરકાયદે રીતે લોકો ભાડે રહેતા હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી છે. આવાસ યોજનાનાં મકાનોમાં ભાડે મકાન અપાવવા માટે કેટલાક મકાનના દલાલો ખુદ ઓછા ભાડે મકાન અપાવતા હોય છે, જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના અને હાઉસિંગના અધિકારીઓની પણ મિલીભગત હોય છે.

અન્ય સમાચારો પણ છે...