શહેરમાં 5.25 લાખ કોમર્શિયલ પ્રોપર્ટીમાંથી 3.75 લાખ મિલકતો મ્યુનિ.ને પ્રોફેશનલ ટેક્સ ચૂકવે છે. જ્યારે બાકીની 1.50 લાખ જેટલી મિલકતો પૈકી 75 હજાર મિલકતોમાં કોમર્શિયલ પ્રવૃત્તિ થતી હોવા છતાં મ્યુનિ.ને પ્રોફેશનલ ટેક્સ ચૂકવાતો નથી. આ મિલકતોએ પ્રોફેશનલ ટેક્સ માટેનો જરૂરી નંબર પણ મેળવ્યો નથી. ત્યારે આ તમામ મિલકતધારકોને આગામી દિવસોમાં મ્યુનિ. કારણદર્શક નોટિસ આપશે.
મ્યુનિ. રેવન્યુ કમિટીની બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે, શહેરમાં અત્યારે જે કુલ 5.25 લાખ જેટલી કોમર્શિયલ પ્રોપર્ટી છે, તે પૈકી 3.75 લાખ જેટલી પ્રોપર્ટી માલિકો જ પ્રોફેશનલ ટેક્સનો નંબર ધરાવે છે, જે મિલકતોના માલિકોને તેમના બાકી નીકળતાં પ્રોફેશનલ ટેક્સના બિલ આગામી દિવસોમાં વહેંચાશે. મ્યુનિ.એ 75 હજાર કોમર્શિયલ મિલકતોનો સરવે કરીને તેમને કારણદર્શક નોટિસ આપવાની તૈયારી કરી છે. શહેરમાં અત્યારે 15.75 લાખ રહેણાંક અને 5.25 લાખ કોમર્શિયલ મિલકત છે.
ટીન નંબર મેળવવામાં મ્યુનિ. મદદ કરશે
જે મિલકતોમાં હાલ કોમર્શિયલ પ્રવૃત્તિ ચાલતી હોય અને તેઓ પ્રોફેશનલ ટેક્સ માટેનો ટીન નંબર નહી ધરાવતાં હોય તેઓ જો તત્કાલ મ્યુનિ.નો સંપર્ક કરી ટીન મેળવે તો તેમને 3 વર્ષના ટેકસ તથા વ્યાજ ભરે તો તેમને ટીન નંબર અપાશે. તે માટે અલગ સંસ્થાઓનો સહયોગ મેળવીને વિશેષ કેમ્પ કરીને વેપારીઓને સહાય કરાશે.
ટેક્સ અંગે આગોતરું આયોજન જરૂરી
કોઇ પણ મિલકતમાં ભાડુઆત ખાલી કરી, ભાડુઆત બદલાય કે પછી નાગરિક જો કોઇ કોમર્શિયલ મિલકત ખરીદે તો તેણે પ્રોફેશનલ ટેક્સ ભરાયો છે કે કેમ? તેની ચકાસણી કરવી જોઇએ. જેથી બાદમાં આ બાબતે વિવાદ ન થાય.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.