તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટેક્સની વસૂલાત:બોપલ સહિત અમદાવાદના આસપાસના વિસ્તારોના 1500 વાહનચાલકોને વ્હીકલ ટેક્સ ભરવા નોટીસ, AMCને 2 કરોડ રૂપિયાની આવક થશે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • AMCની હદમાં વાહનો નોંધાયેલા ના હોવાથી ટેક્સ ના ભર્યો પરંતુ શહેરમાં અવારનવાર આવતા હોવાથી ટેક્સ ચૂકવવો પડશે.
  • AMCએ ટેક્સ ચુકવવાની નોટિસ પાઠવ્યા બાદ રૂ. 4.50 લાખની આવક થઈ.

અમદાવાદ શહેરની આસપાસના બોપલ, ઘુમા, શેલા, વસ્ત્રાલ, વૈષ્ણવદેવી સર્કલ, નાના ચિલોડા સહિતના વિસ્તારમાં રહેતા લોકોએ પોતાનું વાહન અમદાવાદ શહેરમાં વાપરતા હશે તો તેમણે વ્હીકલ ટેક્સ ભરવો પડશે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગે શહેરની આસપાસના વિસ્તારમાં રહેતા 1500 જેટલા વાહન ચાલકોને ટેક્સ ભરવા માટે નોટિસ ફટકારી છે. આ વાહન માલિકો મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં નથી રહેતા પરંતુ તેઓ શહેરના માર્ગોનો વપરાશ કરતા હોવાથી તેમને આજીવન વ્હીકલ ટેક્સ ભરવા માટે જણાવાયું છે.1500 વાહનચાલકોને નોટિસ આપવામાં આવતા કોર્પોરેશનને અંદાજે રૂ. બે કરોડની આવક થઈ શકે છે. નોટિસ આપ્યા બાદ અત્યાર સુધીમાં રૂ. 4.50 લાખની આવક થઈ હોવાનું જાણવા મળ્યું છે.

આગામી સમયમાં વધુ ડેટા મેળવીને નોટીસ અપાશે
પાલડી વોર્ડના કોર્પોરેટર અને રેવન્યુ કમિટિના ચેરમેન જૈનિક વકીલે Divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે GPMC એક્ટ તેમજ લીગલ અભિપ્રાય લીધા બાદ અમદાવાદ શહેરની આસપાસના વિસ્તારમાં રહેતા લોકો નિયમિત રીતે શહેરમાં વાહનો ચલાવે છે જેથી મ્યુનિસિપલ કોર્પોરેશન વ્હીકલ ટેક્સ લેવા માટે હકદાર છે. જેથી શહેરની આસપાસના વિસ્તારમાં રહેતા લોકો જે અમદાવાદમાં વાહનો ચલાવે છે તેવા 1500 જેટલા વાહનમાલિકોને હાલ નોટિસ ફટકારી છે. આગામી દિવસોમાં પણ વધુ ડેટા મેળવી નોટિસ ફટકારવામાં આવશે.

આ પ્રમાણે વાહન ટેક્સ વસૂલવામાં આવશે
આ પ્રમાણે વાહન ટેક્સ વસૂલવામાં આવશે

ટેક્સ નહીં ભરનાર વાહન ચાલકો પાસેથી વસૂલાત શરુ કરાઈ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં રહેતા લોકો વાહન ખરીદે ત્યારે તેમણે કોર્પોરેશનનો લાઈફટાઈમ વ્હીકલ ટેક્સ ભરવાનો હોય છે. વાહનના રજિસ્ટ્રેશન વખતે જ આ ટેક્સ વાહન ચાલકો પાસેથી લેવામાં આવે છે. પરંતુ કેટલાક વાહન ચાલકો અમદાવાદ શહેરની આસપાસ રહે છે. જે મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં ન આવતું હોય જેથી ટેક્સ ભરવો ન પડે. જો કે આ વાહન ચાલકો અમદાવાદ શહેરમાં વધુ વાહનો ચલાવતાં હોવાથી હવે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવા વાહનચાલકો જેઓએ વહિકલ ટેક્સ નથી ભર્યો અને અમદાવાદમાં વાહન ચલાવે છે તેઓ પાસેથી ટેક્સ વસુલવાની શરૂઆત કરી છે.

પાલડી વોર્ડના કોર્પોરેટર અને રેવન્યુ કમિટિના ચેરમેન જૈનિક વકીલ ( ફાઈલ ફોટો)
પાલડી વોર્ડના કોર્પોરેટર અને રેવન્યુ કમિટિના ચેરમેન જૈનિક વકીલ ( ફાઈલ ફોટો)

1500 જેટલા વાહન માલિકોને નોટિસ મોકલાઈ
1500 જેટલા વાહન માલિકોને નોટિસ મોકલવામાં આવી હોવાનું જાણવા મળે છે. નોટિસમાં જણાવાયું છે કે, GPMC એક્ટ મુજબ શહેરની આસપાસના વિસ્તારોમાં રહેતા વાહન માલિકો ધંધાર્થે અથવા અન્ય કારણોસર અવારનવાર શહેરમાં આવતા હોય છે. જેથી તેમણે મ્યુનિસિપલ કોર્પોરેશનનો લાઈફટાઈમ વ્હીકલ ટેક્સ ભરવો જરૂરી છે. આગામી દિવસોમાં વધુ વાહન માલિકોને આ પ્રકારની નોટિસ આપવામાં આવશે. GSRTCમાં ભાડે રાખવામાં આવેલી વોલ્વો બસને પણ ટેક્સ વિભાગે નોટિસ આપી હતી પરંતુ વોલ્વો બસના ઓપરેટરો દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરતા કેસ હાલ પેન્ડિગ છે જેથી આગામી સમયમાં કોર્ટ જે નક્કી કરશે તે મુજબ કાર્યવાહી કોર્પોરેશન કરશે તેમ જૈનિક વકીલે વધુમાં ઉમેર્યું હતું.