તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

AMCની કામગીરી:અમદાવાદમાં પ્રોફેશનલ ટેક્સ નંબર ન ધરાવતા 75,000 જેટલા વેપારીઓને નોટિસ, ટેક્સ ભરાય તો રૂ.100 કરોડની આવકનો અંદાજ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
AMCની ફાઈલ તસવીર - Divya Bhaskar
AMCની ફાઈલ તસવીર
  • સેલ્ફ ડેકલેશન સાથે ત્રણ વર્ષનો ટેક્સ-વ્યાજ ભરે તો ટેક્સ નંબર મળશે
  • 75000 મિલકતધારકો આ ટેક્સ વ્યાજ સાથે ભરશે તો રૂ. 100 કરોડની આવક થશે.
  • ચાલુ વર્ષે ચાર મહિનામાં 63 કરોડ જેટલી પ્રોફેશનલ ટેક્સની આવક થઈ

અમદાવાદ શહેરમાં આશરે 5.25 લાખ જેટલી કોમર્શિયલ મિલકતો આવેલી છે. જેના પર લેવાતાં પ્રોફેશનલ ટેક્સની વર્ષે કરોડો રૂપિયા આવક થાય છે. જોકે કેટલાક કોમર્શિયલ પ્રોપર્ટી ધારકો પાસે પ્રોફેશનલ ટેક્સના નંબર જ નથી. જેથી કોર્પોરેશન પાસે તેની ભરપાઈ આવતી નથી. મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગની તપાસમાં આશરે 75,000 જેટલા મિલકત ધારકો પાસે ટેક્સ નંબર જ ન હોવાનું સામે આવ્યું હતું. તેઓએ ટેક્સ નંબર જ લીધો ન હોવાથી હવે ટેક્સ વિભાગ દ્વારા તેઓને કારણ દર્શક નોટિસ આપવામાં આવી છે. આ મિલકતધારકો ટેક્સ અને વ્યાજ ભરશે તો કોર્પોરેશનને રૂ. 100 કરોડ જેટલી આવક થાય તેવી શકયતા છે. ચાલુ વર્ષે ચાર મહિના અને દસ દિવસ દરમ્યાનમાં 63 કરોડ જેટલી પ્રોફેશનલ ટેક્સની આવક થઈ છે.

શહેરની 75,000 મિકલતો પાસે ટેક્સ નંબર નથી
રેવન્યુ કમિટિના ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું હતું કે, કોમર્શિયલ મિલકતોમાં કેટલાક મિલકતધારકોએ નોંધ ન કરાવી હોવાથી ટેક્સ નંબર તેઓએ લીધો નથી. જેથી આવી મિલકતો અંગે તપાસ કરતા 75000 જેટલી મિલકતો પાસે ટેક્સ નંબર ન હોવાથી કારણદર્શક નોટિસ અપાઈ છે પરંતુ જો આ મિલકતધારકો પોતાના સેલ્ફ ડિકલેરેશન સાથે ત્રણ વર્ષનો ટેક્સ વ્યાજ સહિત ભરશે તો તેઓને ટેક્સ નંબર મળશે. જો આ મિલકતધારકો ટેક્સ ભરશે તો કોર્પોરેશન પાસે રૂ. 100 કરોડની આવક થવાનો અંદાજ છે. ઉપરાંત જો ભવિષ્યમાં ટેક્સ વિભાગ દ્વારા વેરિફિકેશન કરતા દસ્તાવેજી પુરાવાના આધારે જો એફિડેવિટ ધંધો શરૂ કર્યાની તારીખ ખોટી જાણવા મળશે તો કાયદાકીય વ્યાજ અને દંડ લેવાશે.

જૈનિક વકીલ, રેવન્યુ કમિટિના ચેરમેન
જૈનિક વકીલ, રેવન્યુ કમિટિના ચેરમેન

30 સપ્ટેમ્બર સુધીમાં પ્રોફેશનલ ટેક્સ ભરવો પડે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પ્રોફેશનલ ટેક્સ દર વર્ષે 30 સપ્ટેમ્બર સુધી ભરવાનો હોય છે. સૌ પ્રથમવાર કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા ચાલુ નાણાંકીય વર્ષમાં ટેક્સ વસુલાત માટે તેઓને પ્રોફેશનલ ટેક્સના બિલ આપવામાં આવશે, સાથે નોટિસ પણ આપવામાં આવશે. અમદાવાદ શહેરના પૂર્વ અને દક્ષિણ ઝોનમાં બિલની વહેંચણી થઈ ચૂકી છે. પૂર્વ ઝોનમાં 29,527 અને પશ્ચિમ ઝોનમાં 25,000 જેટલા ટેક્સના બિલ વહેંચાઈ ગયા છે. અન્ય ઝોનમાં પણ આ કાર્યવાહી કરવામાં આવશે.