મનપાની મનમાની?:રસ્તે રખડતા ઢોર મુદ્દે હાઈકોર્ટ અને પાટીલની કડક કાર્યવાહીની સૂચના છતાં AMCએ દરખાસ્ત બાકી રાખી, સિનિયર નેતાનો દોરી સંચાર?

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
તસવીર પ્રતિકાત્મક છે - Divya Bhaskar
તસવીર પ્રતિકાત્મક છે
  • AMCએ ઢોર પકડાય ત્યારે 150થી 200 ટકા સુધી દંડની રકમ વધારવા સરકારની મંજુરી માટે દરખાસ્ત મૂકી
  • કડક પગલાં લેવાની જગ્યાએ હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીએ કોર્પોરેશનની દરખાસ્તને વિચારણાના નામે બાકી રાખી દીધી

અમદાવાદમાં રખડતાં ઢોર મુદ્દે ગુજરાત હાઇકોર્ટ દ્વારા કોર્પોરેશનને કડક કાર્યવાહી કરવા માટે આદેશ કર્યા હતા. ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પણ કોષાધ્યક્ષ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના એક સિનિયર નેતાએ અમદાવાદમાં રખડતાં ઢોર મુદ્દે કાર્યવાહી કરવા માટે ટકોર કરી હતી. જેના પગલે મ્યુનિસિપલ કમિશનર દ્વારા ડિફરન્ટ ઇફેક્ટ ઉભી કરવા માટે પશુ છોડાવવાના ચાર્જમાં 200 ટકા સુધીનો વધારો સૂચવી કડક પગલાં લેવા માટે રાજય સરકારમાં મોકલવા અંગેની દરખાસ્ત આજે સોલિડ એન્ડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીમાં દરખાસ્ત મૂકી હતી. જેને ભાજપના નેતાની સૂચના મુજબ કમિટિએ દરખાસ્ત વિચારણા હેઠળ હોવાનું કહી આગામી કમિટિમાં ચર્ચા કરીશું કહી બાકી રાખી છે. સી આર પાટીલના અમદાવાદમાં કેટલ ફ્રી ના આદેશ છતાં પણ તેમનાથી ઉપરવટ જઈ અને ભાજપના એક સિનિયર નેતાએ કોર્પોરેશને કડક કાર્યવાહી માટે જે વધારો સૂચવ્યો તેની દરખાસ્ત બાકી રાખવા માટે આદેશ આપતા વિવાદ ઉભો થયો છે.

તસવીર પ્રતિકાત્મક છે
તસવીર પ્રતિકાત્મક છે

ઢોર છોડાવવા માટે 3000 રૂપિયા દંડ ભરવો પડે છે
અમદાવાદમાં રસ્તે રખડતા ઢોરની ફરિયાદો ઉઠવા પામી હતી અને ગુજરાત હાઈકોર્ટમાં અરજી બાદ કોર્પોરેશનના અધિકારીઓને હાઇકોર્ટ દ્વારા ખખડાવી અને કડક કાર્યવાહી કરવા માટે કેટલાક સૂચનો કર્યા હતા. જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક અલગ છાપ ઊભી થાય અને ઢોર માલિકો પોતાના પશુઓ રસ્તા ઉપર રખડતા ન મૂકે તેના માટે દંડમાં પણ વધારો કરવા માટે સૂચન કર્યું હતું. જેના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર અને CNCD વિભાગે હાલમાં ઢોર છોડાવવા માટે 3000 રૂપિયા દંડ અને 1000 રૂપિયા વહીવટી તેમજ ખોરાક ચાર્જ લેવામાં આવે છે. જો બીજી વખત પશુ પકડાય તો 150 ટકા દંડ અને ત્રીજી વખત પકડાય તો 200 ટકા દંડ તેમજ ચોથી વખત પકડાય તો ઢોર નહીં પકડવા અને તેનું રજિસ્ટ્રેશન કરવા સુધીના કડક પગલાં લેવા અંગેની દરખાસ્ત રાજ્ય સરકારમાં મંજૂરી માટે મોકલવાની દરખાસ્ત આજે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીમાં મૂકી હતી. આજે કમિટિ દ્વારા આગામી સમયમાં વિચારણા માટે બાકી રાખી હતી.

ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની ફાઈલ તસવીર
ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની ફાઈલ તસવીર

રખડતાં ઢોર મુદ્દે ઢીલાશ રાખવામાં આવે છે: ભાજપ નેતા
મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યા મુજબ, રસ્તે રખડતા ઢોર મુદ્દે કડક કાર્યવાહી માટે દંડની રકમમાં વધારો કરવાની દરખાસ્ત ભાજપના એક સિનિયર નેતાની સુચના મુજબ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીના ચેરમેન દ્વારા આગામી કમિટીમાં ચર્ચા માટે બાકી રાખવામાં આવતા વિવાદ ઉભો થયો છે. એક તરફ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને ગુજરાત હાઇકોર્ટ દ્વારા રસ્તે રખડતા ઢોર મુદ્દે કડક છાપ ઊભી થાય તેવી કાર્યવાહી કરવા માટે જણાવ્યું છે પરંતુ ભાજપના નેતા પોતાની મનમાની કોર્પોરેશનમાં ચલાવી હોય અને પોતે કોર્પોરેશનના રાજા હોય તેમ આ દરખાસ્તને પરત મોકલવામાં આવતા હવે રસ્તે રખડતાં ઢોર મુદ્દે ઢીલાશ રાખવામાં આવે તેવી ચોક્કસ સંભાવના જણાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...