કામગીરી:નોટબંધી વખતે જ્વેલર્સે કરેલા વ્યવહારો વિરુદ્ધની નોટિસો રદ, ટ્રિબ્યુનલ બેન્ચના ચુકાદાથી સોનીઓને રાહત

અમદાવાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

નોટબંધી વખતે શહેરના જ્વેલર્સને ત્યાં મોટા પ્રમાણમાં ઘરાકી નીકળી હતી અને કરોડોના સોના-ચાંદીના દાગીના, બિસ્કિટ બધું વેચાઈ ગયું અને લોકોનો એટલો ધસારો રહ્યો કે અનેકગણા વેચાણનાં બિલો ફાટી ગયાં હતાં. બીજી તરફ જ્વેલર્સે રૂ. 2 લાખની અંદરનાં બિલો બનાવ્યાં, જેથી કેવાયસી ડોક્યુમેન્ટ માગવા ન પડે તેમ જ રૂ.2 લાખની અંદર રોકડા પણ લઈ શકાય. આ વ્યવહારોને લઈને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે જ્વેલર્સને આકારણી નોટિસ પાઠવી હતી, જેની સામે વિશાખાપટ્ટનમની ટ્રિબ્યુનલ બેન્ચે આકારણી રદ કરતા દેશભરના જ્વેલર્સને રાહત થઈ છે.

સામાન્ય રીતે અક્ષય તૃતીયા, ધનતેરસે જે વેચાણ થાય એના કરતાં અનેકગણું વેચાણ વધ્યું હતું, કારણ કે તમામને બંધ થયેલી કરન્સીને સોના-ચાંદીના દાગીનામાં ફેરવવાની ઉતાવળ હતી. આ બધી વિગતો 27 માર્ચ, 2017ના રોજ સરવે દરમિયાન ધ્યાને આવ્યું. આ તમામ રિપોર્ટના આધારે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે એસેસમેન્ટ કરીને કલમ 68 હેઠળ કેસ ક્રેડિટ મુજબ આકારણી કરીને 77.25 ટકા ટેક્સ અને તેના પર વ્યાજ-પેનલ્ટીની નોટિસો કાઢી હતી, જેની સામે કરદાતા જ્વેલર્સે કમિશનર અપીલમાં અપીલ કરી હતી, જેમાં રજૂઆત કરાઈ હતી કે, જેટલો સ્ટોક હતો તેટલું વેચાણ ચોપડે બતાવ્યું છે. સ્ટોક ખરીદી વગર વેચાણ કેવી રીતે માન્ય રાખી શકાય? તેમાં ટ્રિબ્યુનલ બેન્ચે ચોપડે બતાવેલો નફો માન્ય રાખી આ વધારાનું એસેસમેન્ટ કાઢી નાખ્યું હતું. આ ચુકાદાના કારણે દેશભરના જ્વેલર્સને નોટબંધી સમયની નોટિસમાંથી રાહત મળી છે.

અન્ય સમાચારો પણ છે...