અમદાવાદ:દેશના પ્રસિદ્ધ જ્યોતિષી બેજાન દારુવાલાનું કોરોનાથી 90ની વયે નિધન, CM રૂપાણીએ ટ્વીટ કરી શ્રદ્ધાંજલિ પાઠવી

અમદાવાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જો કે તેમના પુત્ર નસ્તુર દારૂવાલાએ કહ્યું, બાપુજીનું નિધન કોરોનાથી નહીં ઓક્સિજન લેવલ ઘટવાથી થયું છે

વિખ્યાત જ્યોતિષી બેજાન દારૂવાલાનું 90ની વયે એપોલો હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમ્યાન નિધન થયું છે. જો કે, આ અંગે બેજાન દારૂવાલાના પુત્ર નસ્તુર દારૂવાલાએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પિતાનું ન્યૂમોનિયાના ઈન્ફેક્શન અને ઓક્સિજન ઓછો મળતો હોવાના કારણે અવસાન થયું છે. ઉલ્લેખનીય છે કે, બેજાન દારૂવાલાની અઠવાડીયા પહેલા તબિયત લથડતા તેઓને અમદાવાદ પાસે એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને જ્યાં ઓક્સિજન પર રાખવામાં આવ્યા હતા. 

કોવિડ-19 વિષે બેજાન દારૂવાલાએ કહ્યું હતું ‘કોરોના કપરો કાળ છે’
બેજાન દારૂવાલા માત્ર ભારતના જ નહીં પરંતુ વિશ્વભરમાં અગ્રગણ્ય અને ખ્યાનામ જ્યોતિષી હતા. કોરોના મહામારીનું સંક્રમણ ભારત સહિત વિશ્વભરમાં ઝડપી બન્યું તે સમયે દારુવાલાએ આગાહી કરી હતી કે, કોરોના કપરો કાળ છે. દિવંગત બેજાન દારુવાલા ભગવાન ગણેશજીના ઉપાસક અને પરમ ભક્ત હતા. જ્યોતિષ ક્ષેત્રમાં તેમનું માર્ગદર્શન સચોટ ગણાતું હતું અને તેમને સંખ્યાબંધ રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય એવોર્ડ પણ મળેલા છે.

સંજય ગાંધીના મોતથી લઈ ભાજપના ઉદય સુધીની ભવિષ્યવાણીઓ સાચી ઠરી

બેજાન દારૂવાલાનો જન્મ 11 જુલાઈ 1931ના રોજ એક પારસી પરિવારમાં થયો હતો. તેમણે સંજય ગાંધીના મોતની ભવિષ્યવાણી પણ બેજાન દારૂવાલાએ કરી હતી. આ ઉપરાંત ભાજપના ઉદ્દભવની ભવિષ્યવાણીથી લઈ ગુજરાત ભૂકંપ અને કારગિલ યુદ્ધ અંગે પણ તેઓએ ભવિષ્ય વાણી કરી હતી. જ્યારે વર્ષ 2004માં યુપીએ સત્તામાં આવ્યા પહેલા જ તેમણે કહ્યું હતું કે, મનમોહનસિંહ દેશના વડાપ્રધાન બનશે.

ક્રિકેટ વર્લ્ડકપ 2003  અને 2007માં કરેલી આગાહી ખોટી પડી

જો કે અમુક ભવિષ્યવાણીઓ ખોટી પણ પડી હતી. વર્ષ 2003ના ક્રિકેટ વર્લ્ડકપ દરમિયાન તેમણે દક્ષિણ આફ્રિકા વર્લ્ડ ચેમ્પિયન બનશે એવી ભવિષ્યવાણી કરી હતી. પરંતુ તે વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન બન્યું હતું. તેમજ 2007ના વર્લ્ડકપ સમયે તેમણે ભારત વર્લ્ડ ચેમ્પિયન બનશે એવી સંભાવના વ્યક્ત કરી હતી અને કહ્યું કે, રાહુલ દ્રવિડ અથવા મુનાફ પટેલ પ્લેયર ઓફ ધી ટૂર્નામેન્ટ બનશે. પરંતુ આ વર્લ્ડકપમાં ભારતનું સૌથી ખરાબ પ્રદર્શન રહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...