તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગેસ્ટ એડિટરની કલમે...:‘સિંગલ મધર’ કે ‘સિંગલ ફાધર’ નહીં પણ ‘સિંગર પેરેન્ટ’...: રીવા બક્ષી

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
રીવા બક્ષીની તસવીર - Divya Bhaskar
રીવા બક્ષીની તસવીર

મને યાદ છે મારાં માતાએ મને એકવાર સલાહ આપી હતી કે ક્યારેય પણ કોઇ મહિલાને જજ કરવાની ‘ભૂલ’ ન કરવી કારણ કે એ કંઇ પણ કરે છે એની પાછળ એનું પોતાનું આગવું કારણ હોય છે. હું રીવા બક્ષી...એક યુવાન વયની છોકરીથી માંડીને જીવનના અત્યાર સુધીના તબક્કાએ પહોંચી છું ત્યાં સુધી અનેકવાર પરિસ્થિતિઓના ચક્રવ્યૂહમાં ફસાઇ છું અને એને તોડીને આગળ વધી છું. હું પરિસ્થિતિ સામે ઝૂકવાને બદલે એની આંખમાં આંખ નાખીને લડત આપી શકી છું એની પાછળ મારાં માતા-પિતાનો ઉછેર જવાબદાર છે અને એમાંથી જ પ્રેરણા લઇને હું મારા દીકરા મોક્ષ બક્ષીને ઉછેરવાનો પ્રયત્ન કરી રહી છે. જોકે, મારો અનુભવ મારાં માતા-પિતાના અનુભવ કરતા થોડો અલગ છે કારણ કે હું ‘સિંગલ પેરેન્ટ’ છું.

હું મારી જાતને ‘સિંગલ મધર’ કે પછી અન્ય કોઇ પુરુષને ‘સિંગલ ફાધર’ તરીકે ઓળખવાને બદલે એકલાહાથે બાળકનો ઉછેર કરનારને ‘સિંગલ પેરેન્ટ’ તરીકે ઓળખવાનું વધારે પસંદ કરીશ. જ્યારે તમે તમારી જાતને ‘સિંગલ મધર’ ગણાવો છો તો ત્યારે કોઇને કાં તો તમારી પ્રત્યે દયાની લાગણી અનુભવાય છે અથવા તો તેના મનમાં તમારા વિશે જાતજાતના પ્રશ્નો ઊભા થાય છે અને મને આ બંનેમાંથી કોઇ પણ સ્થિતિ કોઇ માટે પણ ઇચ્છનીય નથી લાગતી. વ્યક્તિ ‘સિંગલ મધર’હોય કે પછી ‘સિંગલ ફાધર’...તેણે બાળકનાં દરેક કામ, દરેક મૂડ સ્વિંગ, દરેક ઇચ્છા અને ઉછેરની જવાબદારી એકલાહાથે નિભાવવી પડતી હોય છે. તેને આ કામમાં કોઇ બીજી વ્યક્તિની મદદ નથી મળતી. ‘સિંગલ પેરેન્ટ’ પર બાળઉછેરની અને આર્થિક ઉપાર્જનની ફરજિયાત બેવડી જવાબદારી હોય છે. આ થોડું મુશ્કેલ છે પણ કહેવાય છે ને કે દરેક સમસ્યાનું સમાધાન હોય છે અને સમયની સાથે સમસ્યાનો પણ ઉકેલ આવે છે.

મારો ઉછેર કરતી વખતે મારાં માતા-પિતા બકુલા બક્ષી અને ચંદ્રકાંત બક્ષીએ માતા અને પિતાનો તફાવત નહોતો રાખ્યો. આ બંનેએ માત્ર ‘માતા’ કે માત્ર ‘પિતા’ બની રહેવાને બદલે મારા ‘મેન્ટર ’ બનવાનું પસંદ કર્યું હતું. જીવનના એક તબક્કે મારા પિતા જ્યારે કાનૂની ચક્રવ્યૂહમાં ફસાઇને આર્થિક અને માનસિક રીતે ખુવાર થયા હતા ત્યારે માતાએ ‘પિતા’ જેવી મક્કમતાથી અમને જાળવ્યાં હતાં. આ જ રીતે જ્યારે મારાં માતાનું ઓપરેશન કરાવવું પડ્યું હતું ત્યારે મારા પિતાએ મારા માટે ભોજન બનાવવાથી માંડીને મારા વાળ સરખાં ઓળીને સ્કૂલે મૂકવા જવા જેવી તમામ જવાબદારી સારી રીતે નિભાવીને તેમનામાં રહેલાં માતા’નાં રૂપથી મારી કાળજી લીધી હતી. આમ, મારા ઉછેર દરમિયાન જ મને એ વાતનો અહેસાસ થઇ ગયો હતો કે વ્યક્તિ માત્ર ‘માતા’ કે ‘પિતા’ નહીં પણ ‘પેરેન્ટ’ બની શકે છે.

મેં મારા દીકરાના ઉછેર વખતે આ વાતનું ધ્યાન રાખવાની કાળજી લીધી હતી. આજે મારો દીકરો એક સમજદાર ટીનેજર છે અને તેના માટે હું જ તેની માતા અને પિતા છું. તેને કોઇ ‘ઇન્વિઝિબલ’ પિતાની જરૂર નથી. મારો દીકરો એરફોર્સમાં ફાઇટર પાઇલટ બનવા ઇચ્છે છે. સ્કૂલમાં એક વખત શિક્ષકે તેને સવાલ કર્યો કે તે જીવનમાં શું બનવા ઇચ્છે છે? તો એનો જવાબ હતો ફાઇટર પાઇલટ. આ પછી જ્યારે શિક્ષકે તેને સવાલ કર્યો કે જો તું ફાઇટર પાઇલટ તરીકે સિલેક્ટ થઇ જઇશ તો પછી પરિવારને શું કહીશ? મારા દીકરાએ જવાબ આપ્યો હતો કે હું મારી માતાને ‌ફોન કરીને કહીશ કે ‘મે’મ ધીસ ઇઝ સ્કવોડ્રન લીડર મોક્ષ રિવા બક્ષી રિપોર્ટિંગ...’. મારા દીકરાનો આ જવાબ સાંભળીને મને ખાતરી થઇ ગઇ હતી કે હું ‘સિંગલ પેરેન્ટ’ની જવાબદારીને સારી રીતે સમજીને યોગ્ય રીતે નિભાવી શકી છું.

અન્ય સમાચારો પણ છે...