અમદાવાદના હાટકેશ્વર બ્રિજના બાંધકામની ગુણવત્તાનો મુદ્દો હાલ ખૂબ ચર્ચામાં છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2015-16માં બ્રિજના બાંધકામ સમયે કરવામાં આવેલા ઓડિટ રિપોર્ટમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર વચ્ચેની મિલીભગતનો ઘટસ્ફોટ થયો છે. કોન્ટ્રાક્ટર કંપની અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડને કામગીરીના વિલંબ પેટે રૂ. 12.69 લાખની વસુલાત કરવામાં પણ બચાવ કરાયો હતો. ટેન્ડરની શરત મુજબ એક ટકા ટેસ્ટિંગ ચાર્જ બિલની કપાતમાંથી કરવાનો હોય છે. જે બિલની કપાતમાંથી કરવામાં આવ્યો જ નથી. ટેસ્ટિંગ ચાર્જ પેટે રૂ.38.83 લાખ જેટલી રકમ વસુલવી જોઈએ પરંતુ સંસ્થાએ ટેસ્ટીંગ ચાર્જ પેટા વસૂલ્યા છે તેવો કોઈપણ પ્રકારનો ઉલ્લેખ થયો નથી. તેવું આ ઓડિટ રિપોર્ટમાં સામે આવ્યું છે.
વિલંબ વળતરથી બચાવા માટે પ્રમાણપત્રો અપાયા
વધુમાં ઓડિટ રિપોર્ટ દરમિયાન ફાઈલોની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, હાટકેશ્વર બ્રિજના પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ તરીકે SGS પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રજૂ કરવામાં આવેલા બીલોની ચૂકવણી કરતાં પહેલાં સામે આવ્યું હતું કે, જે ત્રણ બીલો રજૂ કર્યા છે તેમાંથી એક બિલમાં કામ પૂર્ણ થયાની તારીખમાં એક દિવસનો ફેરફાર છે. કામગીરી પૂર્ણ થયાનો બે બિલોમાં સરખી તારીખ છે, જ્યારે એક બીલમાં એક દિવસ પછીની તારીખ રજૂ કરાઈ છે. જે ત્રણેય બિલો રજૂ કરવામાં આવે છે, તેમાં કામગીરીનો સમયગાળો એકસરખો હોવા છતાં પણ બિલ રજૂ કરવાની તારીખમાં ચાર મહિના અને 15 દિવસનું અંતર આવ્યું છે. આમ કામગીરીમાં વિલંબ થયો હોવાથી વિલંબ વળતરથી બચવા માટે આ પ્રમાણપત્રો આપવામાં આવ્યા હોવાનું પણ ઓડિટ રિપોર્ટમાં નોંધ કરવામાં આવી હતી.
પેમેન્ટનો કોઈ રેકોર્ડ ઓડિટ માટે ન મુકાયો
ઇન્કમટેક્સ અને સેસની કપાતમાં પણ અનિયમિતતા હોવાથી તે મામલે પણ યોગ્ય તપાસ આવશ્યક હોવાનું રિપોર્ટમાં જણાવાયું હતું. પ્રોજેક્ટ મેનેજમેન્ટ, ડીઝાઇન કન્સલટન્ટ, પ્રુફ ચેકીંગ કન્સલટન્ટ અને સુપરવિઝન ચાર્જ પેટે કુલ રૂ. 2.45 કરોડ ચુકવાયા હતા. પરંતુ તેના પેમેન્ટનો કોઇ રેકોર્ડ પણ ઓડિટ માટે મુકવામાં આવ્યો નહોતો. પ્રુફ ચેકીંગ કન્સલટન્ટ માટે જે ખર્ચ અંદાજવામાં આવ્યો હતો. તે રૂ. 5 લાખ હતો, તેના બદલે 4 ગણો વધારે એટલે રૂ. 19 લાખ ચાર્જ ચુકવાયો છે. સુપરવિઝન અને કન્ટીજન્સી ચાર્જ પેટે રાજ્ય સરકાર ગ્રાન્ટમાંથી 3 ટકાને બદલે 5.45 ટકાની ગ્રાન્ટ કાપી હતી. જેને કારણે અન્ય કામોમાં નાણાંની અછત સર્જાતા કામોમાં વિલંબ આવી શકે છે. જોકે તે બાબતને ધ્યાનમાં લેવામાં આવી નથી. એક્સ્ટ્રા આઇટમ પેટે ટેન્ડરની શરતોને બાજુમાં મુકી રૂ. 11.19 લાખ ચુકવવાયા હતા. ત્યારે આંતરીક ઓડિટની વ્યવસ્થા નબળી હોવાનું રિપોર્ટમાં નોંધ કરવામાં આવી છે.
મામલાની ગંભીર નોંધ લેવાઈ, છતાં કોઈ કાર્યવાહી નહીં
રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા ઓડિટ રિપોર્ટમાં સ્પષ્ટ જણાય છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ - રોડ વિભાગના અધિકારીઓ દ્વારા હાટકેશ્વર બ્રિજની કામગીરી ચાલી રહી હતી ત્યારે મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ, ડિઝાઇન કન્સલ્ટન્ટ પ્રુફ ચેકિંગ કન્સલ્ટન્ટ વગેરેથી લઈ બાબતો પર સુપરવિઝન કે, તપાસ ન કરવામાં આવતા વિલંબ વળતરની વસૂલાત, ટેસ્ટિંગ ચાર્જની વસુલાત, ઇન્કમટેક્સ અને સેસની કપાતો તેમજ એક્સ્ટ્રા આઈટમની વધારાની ચુકવણી બાબતે નાણાકીય અનિયમિતતા અને ટેન્ડરની શરતોનો ભંગ થયો હોવાનું જણાવ્યું છે. આ અંગે ગંભીર નોંધ લેવાઈ હતી અને ઓડિટ વિભાગ દ્વારા સ્પષ્ટ સૂચના પણ આપવામાં આવી હતી, છતાં પણ આ મામલે કોઈપણ પ્રકારની કાર્યવાહી રાજ્ય સરકાર કે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી નથી. આમ સ્પષ્ટ જણાય છે કે, અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરથી લઇ તમામ લોકોને બચાવવાના પ્રયાસ પણ આ બ્રિજના બાંધકામ સમયે કરવામાં આવ્યા હતા.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.